પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ગીર સોમનાથમાં હિન્દુ યુવા સંગઠન દ્વારા સોમનાથ મહાદેવ મંદિરે ધ્વજારોહણ મહોત્સવ અને હિન્દુ ગૌરવ યાત્રાનું આયોજન કરાયું હતું. આ પરંપરાગત કાર્યક્રમમાં વેરાવળ, પાટણ અને સોમનાથ સહિતના ધર્મપ્રેમી લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. આ શોભાયાત્રા વેરાવળના નગરપાલિકા કોમ્યુનિટી હોલ, મહિલા કોલેજ રોડ, ડાભોર રોડ પાસેથી શરૂ થઈ હતી. જેમાં હિન્દુ યુવા સંગઠન ભારત ગીર સોમનાથના હોદ્દેદારો, રાજકીય, સામાજિક, શૈક્ષણિક અને આરોગ્ય સંસ્થાઓના સભ્યો તેમના પરિવાર અને મિત્રો સાથે સામેલ થયા હતા. હિન્દુ ગૌરવ યાત્રા ડાભોર રોડથી નીકળી શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી. આ દરમિયાન ‘જય શ્રી રામ’ અને ‘જય મહાદેવ’ના નારાથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું, જેનાથી સમગ્ર શહેરમાં હિન્દુત્વમય માહોલ સર્જાયો હતો. વેરાવળ બસ સ્ટેન્ડ રોડ પર હિન્દુ વેપારી એસોસિયેશન દ્વારા શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. વેપારી એસોસિયેશન મહામંડળના મુકેશ ચોલેરા, અનિસ રાચ્છ અને કેવિન કાનાબાર સહિતના સભ્યોએ ગુલાબની પાંદડીઓ વરસાવી યાત્રાનું અભિવાદન કર્યું હતું. આ શોભાયાત્રામાં હિન્દુ યુવા સંગઠન ભારત (સ્થાપક રાષ્ટ્રીય અધ્યક્ષ રઘુવીરસિંહજી જાડેજા, રાષ્ટ્રીય મહાસચિવ કૌશલેન્દ્રસિંહજી, ગીર સોમનાથના નવલ ભારાવાલા ના નેજા હેઠળ જૂનાગઢ અને ગીર સોમનાથના સાંસદ રાજેશભાઈ ચુડાસમા, મનસુખભાઈ સુવાણી, મુકેશભાઈ ચોલેરા અને રમેશભાઈ ભૂપ્તા સહિતના આગેવાનો, યુવાનો અને મહિલાઓ જોડાયા હતા.
સોમનાથ મહાદેવ મંદિરે હિન્દુ ગૌરવ યાત્રા:હિન્દુ યુવા સંગઠને ધ્વજારોહણ કર્યું, વેરાવળ-પાટણ-સોમનાથના ભાવિકો જોડાયા
📅 Published: September 6, 2026 |
📂 Category: gujarati-news
