ભાવનગરના વલ્લભીપુરમાં આવેલા રાંદલ માતાજી મંદિરના ટ્રસ્ટી અલ્પેશ બધેકા પર 8 વર્ષ જૂની જાહેરાતના રૂ. 6,500ની ઉઘરાણી મુદ્દે પિતા-પુત્રએ હુમલો કર્યો હતો. સંકુલમાં જ પાઈપ અને પટ્ટા વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતાં પીડિત ટ્રસ્ટીએ પિતા-પુત્ર સામે વલ્લભીપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો છે. બેસણા દરમિયાન જૂની ઉઘરાણી મુદ્દે તકરાર
ફરિયાદ અનુસાર, 15 ઓગસ્ટ, 2026ના રોજ ગામના એક વ્યક્તિના અવસાન બાદ મંદિર પરિસરમાં બેસણું રાખવામાં આવ્યું હતું. આ દરમિયાન મૂળ વલ્લભીપુરના અને હાલ ગાંધીનગર રહેતા મહેન્દ્ર બચુભાઇ મહેતા અને તેમનો પુત્ર જય મહેતા ત્યાં આવ્યા હતા. મહેન્દ્રએ 8 વર્ષ પહેલાંની આંગડિયા પેઢીની જાહેરાતના નાણાં માંગતા ટ્રસ્ટીએ ભત્રીજા સાથે વાત કરવાનું કહેતાં બંને પિતા-પુત્ર ઉશ્કેરાઈ ગયા હતા. માર મારી ધમકી આપી, ફરિયાદ દાખલ
ઉશ્કેરાયેલા પિતા-પુત્રએ ટ્રસ્ટીને પાઈપ અને કમરપટ્ટા વડે ઢોર માર મારી શરીર પર મૂંઢ ઈજાઓ પહોંચાડી હતી તથા ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે અલ્પેશભાઈની ફરિયાદના આધારે મહેન્દ્ર મહેતા અને જય મહેતા સામે BNSની વિવિધ કલમો અને જીપી એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વલ્લભીપુર મંદિરના ટ્રસ્ટી પર પિતા-પુત્રનો હુમલો:જાહેરાતના રૂ. 6,500ની ઉઘરાણી કરતા રાંદલ માતાજી મંદિરના ટ્રસ્ટીને પાઈપ-પટ્ટાથી માર માર્યો
📅 Published: September 7, 2026 |
📂 Category: gujarati-news
