હજારો વાહનચાલકોને રાહત મળશે:હરિહર ચોકમાં બોક્સ ક્લવર્ટનું કામ અંતિમ તબક્કામાં, ટૂંક સમયમાં જ ડામરકામ પૂર્ણ થતાં રસ્તો ખુલ્લો મુકાશે

📅 Published: September 7, 2026 | 📂 Category: gujarati-news

રાજકોટ મનપા દ્વારા શહેરના હૃદયસમા ગણાતા સદર બજારમાં હાથ ધરાયેલી વિકાસલક્ષી કામગીરી હવે આખરી ચરણમાં પહોંચી ગઈ છે. વોર્ડ નંબર 2 અને 7ની સરહદ પર આવેલા હરિહર ચોકથી ચૌધરી હાઇસ્કૂલ તરફ જતા માર્ગ પરના જૂના અને જર્જરિત આર્ક ટાઇપ ક્લવર્ટને દૂર કરીને તેના સ્થાને આધુનિક અને મજબૂત બોક્સ સ્લેબ ટાઇપ ક્લવર્ટ બનાવવાનું કામ હવે 95 ટકા જેટલું પૂર્ણ થઈ ચૂક્યું છે. ટૂંક સમયમાં ડામરકામ પૂર્ણ થતાં જ આ રસ્તો ખુલ્લો મુકાતા હજારો વાહનચાલકોને દરરોજ 1 કિમીથી વધુના ફેરામાં મુક્તિ મળશે. ચોમાસામાં પાણીના નિકાલ અને નાગરિકોની સુવિધા માટે નિર્ધારિત સમયમર્યાદામાં કામગીરી
પ્રાપ્ત વિગત મુજબ ગત સપ્ટેમ્બર મહિનાના અંતથી શરૂ થયેલા આ વિશાળ પ્રોજેક્ટ પાછળ અંદાજે રૂ. 2.49 કરોડનો ખર્ચ રાખવામાં આવ્યો હતો. આ સમગ્ર નિર્માણ કાર્ય પૂરું કરવા 12 મહિનાનો સમયગાળો અંદાજવામાં આવ્યો હતો. તંત્ર દ્વારા નિયત સમયમર્યાદામાં કામગીરી પૂર્ણ કરવા માટે ઝડપી પગલાં લેવામાં આવી રહ્યા છે. આ વિસ્તારનાં નાગરિકોની સુવિધા અને ચોમાસા દરમિયાન પાણીના સુચારુ નિકાલ માટે મહાનગરપાલિકા દ્વારા આ કામગીરીનું આયોજન કરવામાં આવ્યું હતું. સર્વેશ્વર ચોકનું કામ પૂરું થયા બાદ સદર બજારના વોંકળાનું નવીનીકરણ હાથ ધરાયું
ભૂતકાળમાં સદર બજાર વિસ્તારમાં આવેલા વોંકળાના નવીનીકરણનો નિર્ણય લેવાયો હતો. પરંતુ તે સમયે સર્વેશ્ર્વર ચોક અને ડો. યાજ્ઞિક રોડ પર વોંકળા પર સ્લેબ ભરવાની કામગીરી પ્રગતિ હેઠળ હોવાથી સદર બજારની કામગીરી પાછી ઠેલવવામાં આવી હતી. સર્વેશ્ર્વર ચોકનું કામ પૂર્ણ કરી તેને લોકો માટે ખુલ્લો મુકાયા બાદ, સદર બજારના આ મહત્વના વોંકળા અને કલવર્ટની કામગીરી હાથ ધરવામાં આવી હતી. પોલીસ કમિશનરના જાહેરનામાથી માર્ગ બંધ કરી વૈકલ્પિક રૂટ અપાયો
હરિહર ચોક ખાતે નવું બોક્સ કલવર્ટ અને રિટેઈનિંગ વોલ બનાવવાની જટિલ કામગીરી દરમિયાન લોકોની સુરક્ષા જળવાઈ રહે તે હેતુથી શહેર પોલીસ કમિશનર દ્વારા ગત સપ્ટેમ્બર માસમાં ખાસ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. જે અંતર્ગત કાશી વિશ્વનાથ મેઈન રોડથી હરિહર ચોક તરફ જતાં બંને તરફના માર્ગો વાહનોની અવરજવર માટે સંપૂર્ણપણે બંધ કરી દેવાયા હતા અને પ્રવેશબંધી ફરમાવવામાં આવી હતી. સાથે સાથે વાહનચાલકોની સુવિધા માટે વૈકલ્પિક રૂટની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. આ ડાયવર્ઝનના કારણે લીમડા ચોક અને પંચનાથ મંદિર રોડથી હરિહર ચોક થઈ ચૌધરી હાઈસ્કૂલ તરફ જવા માગતા વાહનોને હેડ પોસ્ટ ઓફિસ, જ્યુબિલી ગાર્ડન ચોક અને જવાહર રોડ તરફથી ફરીને જવું પડતું હતું. ડાયવર્ઝનને પગલે વાહનચાલકોને દૈનિક 1.5 કિમીનો ફેરો અને સમય-ઈંધણનો વ્યય
આ ઉપરાંત હરિહર ચોકથી સદર પોલીસ ચોકી, સદર વન-વે, ફૂલછાબ ચોક તેમજ આર-વર્લ્ડ સિનેમા, શારદાબાગ સ્થિત આઈ.સી.આઈ.સી.આઈ. બેન્ક, ભીલવાસ ચોક અને કાશી વિશ્વનાથ મેઈન રોડ થઈને વાહનોની અવરજવર થતી હતી. આ વૈકલ્પિક માર્ગોના કારણે વાહનચાલકોને દૈનિક 1થી 1.5 કિલોમીટર સુધી વધારાનો ફેરો કરવો પડતો હતો. સદર બજાર, હોસ્પિટલ ચોક અને ચૌધરી હાઈસ્કૂલ તરફ જતા અનેક લોકોને આ પ્રદક્ષિણાના કારણે સમય અને ઈંધણનો વ્યય સહન કરવો પડતો હતો. ખાસ કરીને પીક અવર્સ દરમિયાન આ વિસ્તારોમાં ટ્રાફિકનું ભારણ પણ જોવા મળે છે. ચાલુ માસના અંત સુધીમાં રસ્તો ખુલ્લો મુકાશે
હવે જ્યારે બોક્સ સ્લેબ ક્લવર્ટની મુખ્ય સંરચનાત્મક કામગીરી 95 ટકાથી વધુ પૂર્ણ થઈ ગઈ છે, ત્યારે નાગરિકોની મુશ્કેલીઓનો અંત નજીક આવી રહ્યો છે. ચોમાસા દરમિયાન વરસાદી પાણીના કારણે ડામરનું કામ ટકાવી રાખવું શક્ય ન હોવાથી આખરી ઓપ આપવાનું કામ અટકેલું હતું. જોકે વરસાદ નહીં હોવાથી મેયરનાં આદેશ મુજબ ડામરકામ શરૂ કરી ટૂંક સમયમાં પૂર્ણ કરી દેવામાં આવશે. અને મોટાભાગે ચાલુ મહિનાના અંત સુધીમાં આ માર્ગને વાહનવ્યવહાર માટે પુનઃ કાર્યરત કરી દેવામાં આવનાર છે. કોન્ટ્રાક્ટરને તાકીદ કરાઈ છે, વહેલી તકે સમસ્યા ઉકેલાશે: મેયર ડો. નેહલ શુક્લ
રાજકોટનાં મેયર ડો. નેહલ શુક્લએ દિવ્યભાસ્કર સાથે કરેલી વાતચીતમાં જણાવ્યું કે, , તેમજ એન્જિનિયરો દ્વારા કોન્ટ્રાક્ટરને ઝડપથી કામ પૂર્ણ કરવા માટેની ખૂબ કડક સૂચનાઓ આપવામાં આવી છે. આ સૂચનાઓ બાદ કામગીરી ફરી શરૂ કરી દેવામાં આવી છે અને અતિ ટૂંક સમયમાં કામ પૂર્ણ થશે. આ રસ્તો બંધ હોવાથી અને ડાયવર્ઝનના કારણે વાહનચાલકોને હાલાકી ભોગવવી પડી રહી છે, પરંતુ હવે કામ પૂર્ણતાના આરે હોવાથી લોકોને પડતી મુશ્કેલીઓનો વહેલી તકે ઉકેલ આવશે. રસ્તો શરૂ થતાં સદર બજાર અને મધ્ય રાજકોટમાં ટ્રાફિક સમસ્યા હળવી થશે
ઉલ્લેખનીય છે કે, આ કામગીરી પૂર્ણ થતાં જ હરિહર ચોક પરથી પસાર થતાં હજારો વાહનચાલકોને દોઢથી બે કિલોમીટરના લાંબા ફેરામાંથી મુક્તિ મળશે. આ ચોક ખુલ્લો થવાથી સદર બજાર, હોસ્પિટલ ચોક, ચૌધરી હાઈસ્કૂલ, લીમડા ચોક અને પંચનાથ રોડ વચ્ચેનો વાહનવ્યવહાર ફરી એકવાર સરળ અને ઝડપી બનશે. વેપારીઓ અને સ્થાનિક રહીશો માટે પણ આ માર્ગ ખુલ્લો થવો ખૂબ જ રાહતરૂપ સાબિત થશે. અને સદર બજાર વિસ્તારનો ટ્રાફિક સુચારુ બનતા શહેરના મધ્ય ભાગમાં ટ્રાફિક સમસ્યા નોંધપાત્ર રીતે ઘટશે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *