Australia Test Squad : દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ સીરિઝ માટે ઓસ્ટ્રેલિયાની ટીમ જાહેર,આ ખેલાડીને મળી વધુ એક તક

📅 Published: September 7, 2026 | 📂 Category: cricket

ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમ આ મહિનાના અંતમાં દક્ષિણ આફ્રિકાના પ્રવાસે જશે,જ્યાં બંને ટીમો વચ્ચે 3 મેચની ટેસ્ટ સીરિઝ રમાશે.આ ટેસ્ટ સીરિઝ માટે ઓસ્ટ્રેલિયાએ 16 સભ્યોની ટીમ જાહેર કરી છે.લાંબા સમયથી ખરાબ ફોર્મ સામે ઝઝૂમી રહેલા માર્નસ લાબુશેનને ટીમમાં સ્થાન મળ્યું છે.પસંદગીકારોએ તેમના પર ફરી એક વખત વિશ્વાસ વ્યક્ત કર્યો છે.લાબુશેન ઉપરાંત કૂપર કોનોલી,માઇકલ નેસર અને મેથ્યુ કુહનેમેનને પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે.પેટ કમિન્સ ટીમના કેપ્ટન રહેશે.ઓસ્ટ્રેલિયાની ટેસ્ટ ટીમમાં સ્ટીવ સ્મિથ,ટ્રેવિસ હેડ,નાથન લાયન,મિચેલ સ્ટાર્ક અને જોશ હેઝલવુડ જેવા અનુભવી ખેલાડીઓ પણ સામેલ છે.

લાબુશેનનું ફોર્મ ચિંતાનો વિષય

માર્નસ લાબુશેન છેલ્લા કેટલાક સમયથી ટેસ્ટ ક્રિકેટમાં સતત રન બનાવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે.ખાસ કરીને નંબર 3ના સ્થાન પર તેમના પ્રદર્શનને લઈને સવાલો ઉઠી રહ્યા હતા.જુલાઈ 2023 પછી રમાયેલી તેમની છેલ્લી 43 ટેસ્ટ ઇનિંગ્સમાં તેમનું પ્રદર્શન અપેક્ષા મુજબ રહ્યું નથી.આ સમયગાળા દરમિયાન લાબુશેનનો બેટિંગ સરેરાશ માત્ર 24 રહ્યો છે અને તેઓ એક પણ સદી ફટકારી શક્યા નથી.ખરાબ ફોર્મના કારણે તેમને ઝિમ્બાબ્વે અને દક્ષિણ આફ્રિકા સામેની વનડે ટીમમાંથી પણ બહાર રાખવામાં આવ્યા હતા.બાંગ્લાદેશ સામેની સીરિઝમાં પણ લાબુશેનનું બેટિંગ ખાસ રહ્યું નહોતું.તેમણે 1, 31 અને 4 રનની ઇનિંગ્સ રમી હતી.આમ છતાં ટેસ્ટ ક્રિકેટમાં તેમના અનુભવને ધ્યાનમાં રાખીને પસંદગીકારોએ તેમને વધુ એક તક આપી છે.

કૂપર કોનોલીને પણ ટીમમાં સ્થાન

ઓસ્ટ્રેલિયાએ કૂપર કોનોલીને વધારાના બેટર તરીકે ટીમમાં સ્થાન આપ્યું છે.કોનોલીએ હજુ સુધી ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં સદી ફટકારી નથી.તેમની 21 ઇનિંગ્સમાંથી માત્ર 2 વખત જ તેઓ નંબર 3 અથવા નંબર 4 પર બેટિંગ કરવા આવ્યા છે,જોકે જૂનમાં બાંગ્લાદેશ સામેની વનડે મેચમાં ઓપનર તરીકે બેટિંગ કરતા કોનોલીએ શાનદાર સદી ફટકારી હતી. આ પ્રદર્શન બાદ તેમને ટેસ્ટ ટીમમાં સ્થાન મળ્યું છે.જોશ ઇંગ્લિસને બેકઅપ બેટર અને વિકેટકીપર તરીકે ટીમમાં રાખવામાં આવ્યો છે.

માઇકલ નેસરની વાપસી

માઇકલ નેસર પણ ઇજામાંથી સંપૂર્ણ રીતે સાજા થયા બાદ ટીમમાં પાછા ફર્યા છે. ઓગસ્ટની શરૂઆતમાં તાલીમ દરમિયાન તેમને કાફની ઇજા થઈ હતી.હવે તેઓ સંપૂર્ણપણે ફિટ છે.નેસરને પેટ કમિન્સ, મિચેલ સ્ટાર્ક, જોશ હેઝલવુડ અને સ્કોટ બોલેન્ડ સાથે પાંચમા ઝડપી બોલર તરીકે ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. કેમેરન ગ્રીન અને બ્યૂ વેબસ્ટર ટીમના બે ઓલરાઉન્ડર રહેશે. આ ટીમમાં સૌથી વધુ નજર લાબુશેનના પ્રદર્શન પર રહેશે.સતત ખરાબ ફોર્મ છતાં પસંદગીકારોએ તેમને તક આપી છે. હવે દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ શ્રેણીમાં લાબુશેન પોતાના પ્રદર્શનથી ટીમના નિર્ણયને યોગ્ય સાબિત કરી શકે છે કે નહીં, તેના પર ક્રિકેટ ચાહકોની નજર રહેશે.

દક્ષિણ આફ્રિકા સામે ઓસ્ટ્રેલિયાની ટેસ્ટ ટીમ

પેટ કમિન્સ, સ્કોટ બોલેન્ડ, એલેક્સ કેરી, કૂપર કોનોલી, કેમેરન ગ્રીન, જોશ હેઝલવુડ, ટ્રેવિસ હેડ, જોશ ઇંગ્લિસ, મેથ્યુ કુહનેમેન, માર્નસ લાબુશેન, નાથન લાયન, માઇકલ નેસર, મેથ્યુ રેનશો, સ્ટીવ સ્મિથ, મિચેલ સ્ટાર્ક અને બ્યૂ વેબસ્ટર.

આ પણ વાંચો – શ્રીસંત-સંજુ સેમસન વચ્ચે શું થયું? હેન્ડશેક ન થતાં વીડિયો થયો વાયરલ


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *