વલસાડ જિલ્લાના ધરમપુર, કપરાડા અને નાનાપોંઢા જેવા આદિવાસી વિસ્તારોમાંથી પાવર ગ્રીડ કૉર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડની હાઈટેન્શન વીજ લાઈન પસાર થઈ રહી છે. આ લાઈનને કારણે સ્થાનિક ખેડૂતોમાં રોષ છે. યોગ્ય વળતર ન મળતા મોટી સંખ્યામાં અસરગ્રસ્ત ખેડૂતો અને સ્થાનિક અગ્રણીઓ વલસાડ કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. તેમણે કલેક્ટરને આવેદનપત્ર આપી યોગ્ય વળતરની માંગ કરી હતી. વારોલી ગામના ડેપ્યુટી સરપંચ સુમનભાઈ ગાવિતે જણાવ્યું કે, તેઓ સરકાર કે કંપનીનો વિરોધ નથી કરી રહ્યા. તેમની માંગ છે કે 04/07/2026ના સરકારી પરિપત્ર મુજબ ખેડૂતોને યોગ્ય વળતર મળે. તેમણે કહ્યું કે, કંપનીએ પાક અને ઝાડ નુકસાનીનું આંશિક ચુકવણું કર્યું છે. જોકે, ટાવરના કેચમેન્ટ એરિયા અને રાઈટ ઓફ વે (RoW) કોરિડોરનું સંપૂર્ણ ચુકવણું હજુ બાકી છે. સ્થાનિક અગ્રણી કિશન ગાવિતે કંપની સામે ગંભીર આરોપ લગાવ્યા છે. તેમણે જણાવ્યું કે, ખેડૂતોને પૂરતી નોટીસ આપ્યા વિના જ વીજ લાઈન ચાલુ કરી દેવાઈ છે. જમીનનો કોરિડોર અને ટાવર ઊભા કરવા બદલ જે વળતર મળવું જોઈએ, તે અંગે ખેડૂતોને કોઈ જાણકારી અપાઈ નથી. આવેદનપત્રમાં મુખ્યત્વે ચાર મુદ્દા રજૂ કરાયા છે. ખેડૂતોએ માંગ કરી છે કે નવા પરિપત્ર મુજબ વીજ ટાવર-પોલના પ્લેસમેન્ટ એરિયાની જમીન અને RoW કોરિડોર માટે જમીનની વર્તમાન બજાર કિંમતના 200 ટકા મુજબ વળતર આપવામાં આવે. હાઈટેન્શન લાઈન પસાર થવાથી જમીન પર બાંધકામ, બાગાયત કે મકાન બનાવી શકાશે નહીં. તેથી જમીનના ઘટેલા મૂલ્યનું અલગથી વળતર નક્કી થવું જોઈએ. વનાધિકાર હેઠળ મળેલી જમીન પરના સાગ અને કિંમતી ઝાડો કાપવા છતાં ખેડૂતોને વળતર મળ્યું નથી. આ વળતર તાત્કાલિક ચૂકવવામાં આવે તેવી પણ માંગ કરાઈ છે. કંપનીના ભારે વાહનો અને મશીનરીથી ખરાબ થયેલા ગામના રસ્તાઓનું તાત્કાલિક રિપેરિંગ કરાવવામાં આવે. સાથે જ CSR ફંડ હેઠળ વિસ્તારમાં વિકાસકામો કરવાની પણ રજૂઆત કરાઈ છે. કલેક્ટર કચેરી પરિસરમાં ખેડૂતોએ સૂત્રોચ્ચાર કર્યા હતા અને આવેદનપત્ર સોંપ્યું હતું. તેમણે ચીમકી ઉચ્ચારી છે કે જો તેમની માંગણીઓ સંતોષાશે નહીં, તો આગામી સમયમાં ઉગ્ર લડત આપવામાં આવશે.
વલસાડમાં હાઈટેન્શન લાઈનનું યોગ્ય વળતર ન મળતા ખેડૂતોનો વિરોધ:કલેક્ટરને આવેદન આપી જમીનના ઘટેલા મૂલ્યની ચૂકવણીની માગ
📅 Published: September 7, 2026 |
📂 Category: gujarati-news
