નેપાળની પૂર હોનારતમાં ગુમ ભારતીયોની ઓળખ હવે DNAથી થશે:પ્રથમ-ડિગ્રીના સગાંઓના સેમ્પલ લેવાશે, ગાંધીનગરના પરિવારો માટે ખાસ હેલ્પલાઈન જાહેર

📅 Published: September 7, 2026 | 📂 Category: gujarati-news

નેપાળમાં તાજેતરમાં આવેલા અચાનક પૂર અને હોનારત બાદ ગુમ થયેલા ભારતીય નાગરિકોની ઓળખ સ્થાપિત કરવા માટે હવે DNA પ્રોફાઇલિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ભારત સરકારના વિદેશ મંત્રાલય તરફથી મળેલી સૂચના અનુસાર, ગુમ થયેલા ભારતીય નાગરિકોના પ્રથમ-ડિગ્રીના જૈવિક સંબંધીઓના DNA પ્રોફાઇલિંગ માટે દેશની વિવિધ ફોરેન્સિક લેબોરેટરીની સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ પ્રક્રિયાનો મુખ્ય હેતુ હોનારત બાદ મળેલા મૃતદેહોની ઓળખ ચોક્કસ રીતે સ્થાપિત કરવાનો છે. કેન્દ્રીય અને રાજ્યની ફોરેન્સિક લેબની મદદ લેવાશે
ગુમ થયેલા નાગરિકોના પરિવારજનો પાસેથી જરૂરી DNA સેમ્પલ મેળવી તેની પ્રોફાઇલ તૈયાર કરવામાં આવશે. આ માટે કેન્દ્રીય ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીઝ (CFSL), રાજ્ય ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીઝ (SFSL) તેમજ નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (NFSU)ની લેબોરેટરીઝની સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. DNA પ્રોફાઇલિંગ દ્વારા મૃતદેહોની ઓળખ તેમના જૈવિક સંબંધીઓ સાથે વૈજ્ઞાનિક રીતે મેચ કરવામાં મદદ મળશે. ગાંધીનગરના ગુમ થયેલા નાગરિકોના પરિવારજનોને ખાસ અપીલ
આ અંગે ગાંધીનગર જિલ્લાના જે પણ પરિવારજનોના સ્વજનો નેપાળમાં આવેલી પૂર હોનારત બાદ ગુમ થયા હોય, તેમને આ પ્રક્રિયા અંગે જરૂરી માહિતી મેળવી સહયોગ આપવા જણાવાયું છે. ખાસ કરીને ગુમ થયેલા વ્યક્તિના પ્રથમ-ડિગ્રીના જૈવિક સંબંધીઓને DNA પ્રોફાઇલિંગ માટેની જરૂરી પ્રક્રિયા અંગે સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે. કાઠમંડુ ભારતીય એમ્બેસીએ હેલ્પલાઈન જાહેર કરી
નેપાળમાં ગુમ થયેલા ભારતીય નાગરિકો અને તેમના પરિવારજનોને મદદ તથા જરૂરી માહિતી મળી રહે તે માટે ભારતીય એમ્બેસી, કાઠમંડુ દ્વારા ખાસ હેલ્પલાઈન નંબર +977 9841 6160 95 જાહેર કરવામાં આવ્યો છે. પરિવારજનો આ નંબર પર સંપર્ક કરીને ગુમ થયેલા સ્વજનો અંગેની માહિતી, ઓળખ પ્રક્રિયા તથા DNA પ્રોફાઇલિંગ અંગે જરૂરી માર્ગદર્શન મેળવી શકશે. ગુજરાતમાં પણ સ્ટેટ કંટ્રોલ રૂમનો સંપર્ક કરી શકાશે
ગુમ થયેલા નાગરિકો અંગે માહિતી મેળવવા અથવા જરૂરી સહાય માટે ગુજરાત સરકારના સ્ટેટ કંટ્રોલ રૂમનો પણ સંપર્ક કરી શકાશે. તેના માટે ફોન નંબર 079-23251900 અને મોબાઈલ નંબર 99784 05304 જાહેર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત revcontrol1@gujarat.gov.in ઈ-મેલ પર પણ માહિતી મેળવી અથવા જરૂરી વિગતો મોકલી શકાશે. મૃતકોની ઓળખ અંગે ઓનલાઈન માહિતી ઉપલબ્ધ
નેપાળમાં પૂર હોનારત બાદ ગુમ થયેલા અથવા મૃતકોની ઓળખ અંગેની જરૂરી માહિતી માટે વિદેશ મંત્રાલય તથા ભારતીય એમ્બેસી, કાઠમંડુની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવા પણ પરિવારજનોને અનુરોધ કરવામાં આવ્યો છે. સમગ્ર પ્રક્રિયા દરમિયાન પરિવારજનોને યોગ્ય માહિતી અને સહયોગ મળી રહે તે માટે કેન્દ્ર અને રાજ્ય સ્તરે વ્યવસ્થા કરવામાં આવી છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *