જામનગર શહેરના રણજીતસાગર રોડ પર આવેલી ઇન્ડિયન (અલ્હાબાદ) બેંકમાં બેંક લોકરમાંથી અસલી સોનાના દાગીના ચોરી કરી તેની જગ્યાએ નકલી દાગીના મૂકી દેવાના સનસનાટીભર્યા કૌભાંડનો સીટી ‘એ’ ડિવિઝન પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસે બેંકના પટાવાળા સહિત બે આરોપીઓને ઝડપી પાડી કુલ ₹43.16 લાખનો મુદ્દામાલ રિકવર કર્યો છે. શંકાસ્પદ સોનાના દાગીના વેચવા પહોંચ્યો, પોલીસના હાથે ઝડપાયો
3 સપ્ટેમ્બરના રોજ સીટી ‘એ’ ડિવિઝન પોલીસને માધવ પ્લાઝા વિસ્તારમાં એક શખ્સ શંકાસ્પદ સોનાના દાગીના વેચવા માટે આવ્યો હોવાની બાતમી મળી હતી. બાતમીના આધારે પોલીસે મૂળ ખંભાળિયાના વિજય આલાભાઈ વઘોરાને અટકાવી તેની પૂછપરછ શરૂ કરી હતી. પૂછપરછમાં બેંક લોકરની ચોરીનો ખુલાસો થયો
વિજય વઘોરાની પૂછપરછ દરમિયાન સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો હતો. તપાસમાં સામે આવ્યું કે બેંકમાં પટાવાળા તરીકે કામ કરતા હસમુખ દિનેશભાઈ પારીયાએ બેંકના લોકરમાંથી અસલી સોનાના દાગીના ચોરી કરી તેમની જગ્યાએ નકલી દાગીના મૂકી દીધા હતા. બાદમાં અસલી દાગીના તેના સાગરીત વિજયને વેચવા માટે આપ્યા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું. બેંક મેનેજરની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી પટાવાળા હસમુખ પારીયાની પણ ધરપકડ કરી હતી. 347 ગ્રામથી વધુ સોનું સહિત લાખોની મત્તા જપ્ત
પોલીસે બંને આરોપીઓ પાસેથી ચોરીના સોનાના દાગીના સહિત કુલ ₹43.16 લાખનો મુદ્દામાલ રિકવર કર્યો છે. આશરે ₹40.46 લાખ કિંમતના 347.09 ગ્રામ સોનાના દાગીના, રોકડ રકમ રૂ.2.60 લાખ, 2 મોબાઇલ ફોન કિંમત આશરે ₹10 હજાર મળી કુલ 43.16 લાખની રિકવરી કરવામાં આવી છે.
વિજય સામે અગાઉ પણ અનેક ગુના નોંધાયેલા
પોલીસ તપાસમાં વધુ એક ચોંકાવનારી બાબત સામે આવી છે. ઝડપાયેલા આરોપી વિજય વઘોરા સામે અગાઉ રાજકોટના ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ચોરી અને ઘરફોડ ચોરીના ગુના નોંધાયેલા છે. ઉપરાંત જામનગર, સલાયા, વલસાડ અને પીપાવાવમાં પ્રોહિબિશનના તેમજ ખંભાળિયામાં જુગારધારા હેઠળના ગુનાઓ પણ નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. અન્ય એક આરોપીની શોધખોળ શરૂ
પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ BNSની કલમ 306 અને 54 હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સાથે જ આ સમગ્ર ગુનામાં સંડોવાયેલા અન્ય એક શખ્સ રમેશ ભીમજીભાઈ પારીયાની શોધખોળ પણ શરૂ કરવામાં આવી છે. પોલીસ દ્વારા સમગ્ર કૌભાંડમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
