ઉધનામાં ભાજપના કાર્યકર જય દલાલની હત્યા કેસમાં થોડા દિવસ પહેલાં લોડેડ પિસ્તોલ સાથે ઝડપાયેલા અને હાલમાં લાજપોર જેલમાં બંધ કુખ્યાત સાગર ઉર્ફે માન્યા ડુક્કર સામે વધુ એક ખંડણીનો ગુનો નોંધાયો છે. ગુજસીટોક, હત્યા અને અપહરણ જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા આ માથાભારે તત્ત્વ સામે લિંબાયત પોલીસ સ્ટેશનમાં બિલ્ડર પાસેથી ₹15 લાખની ખંડણી માગવા બદલ નવી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. સાઈટ પર ધસી જઈ કામ બંધ કરાવ્યું
ગોડાદરા ખાતે રઘુનંદન રો-હાઉસમાં રહેતા અને જમીન-મકાનની લે-વેચનો વ્યવસાય કરતા 51 વર્ષીય રાજેશ રામબ્રીક્સ ચૌરશીયાની લિંબાયતના દ્વારકેશનગર ખાતે બાંધકામ સાઈટ ચાલી રહી છે. ગત 18 ઓગસ્ટના રોજ સાગર ઉર્ફે માન્યા ડુક્કર તેના ત્રણ સાગરીતો સાથે આ સાઈટ પર ધસી ગયો હતો. આરોપીઓએ ત્યાં હાજર કોન્ટ્રાક્ટર તથા કારીગરોને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી કામ બંધ કરાવ્યું હતું. છાતી પર ચપ્પુ તાકી ₹15 લાખ માગ્યા, ₹10 હજાર પડાવી ફરાર
બાંધકામ ચાલુ રાખવા પેટે માન્યા ડુક્કરે બિલ્ડર પાસે ₹15 લાખની માંગણી કરી હતી. રાજેશભાઈએ રૂપિયા આપવાનો ઇનકાર કરતાં આરોપીઓએ ગાળાગાળી કરી ઢીકમુક્કીનો માર માર્યો હતો. દરમિયાન માન્યાએ કમરમાંથી ચપ્પુ કાઢી બિલ્ડરની છાતી પર તાકી દીધું હતું. ગભરાયેલા રાજેશભાઈએ પોતાની પાસે રહેલા રોકડા ₹10 હજાર તેને આપી દીધા હતા. આરોપીઓ બાકીની રકમ થોડા દિવસમાં ચૂકવવાની ધમકી આપી મોબાઈલ નંબર આપી ત્યાંથી નાસી છૂટ્યા હતા. આરોપી હાલ લાજપોર જેલમાં બંધ
લિંબાયત પોલીસે બિલ્ડરની ફરિયાદના આધારે સાગર ઉર્ફે માન્યા ડુક્કર અને તેના સાગરીતો સામે ખંડણી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, માન્યા ડુક્કર સુરત શહેરમાં અસંખ્ય ગુનાઓમાં મોસ્ટ વોન્ટેડ રહ્યો છે અને હાલ તે ભાજપ કાર્યકર હત્યા પ્રકરણમાં લાજપોર જેલના સળિયા પાછળ બંધ છે. જેલમાં બંધ હોવા છતાં તેની જૂની કરતૂતો સામે આવતા કાયદો-વ્યવસ્થાની સ્થિતિ ચર્ચાનો વિષય બની છે.
ભાજપ કાર્યકરના હત્યારા માન્યા ડુક્કર સામે વધુ એક ખંડણીનો ગુનો:બિલ્ડરની છાતીએ ચપ્પુ મૂકી 10 હજાર પડાવ્યા, બાંધકામ ચાલુ રાખવા 15 લાખની ખંડણી માગી
📅 Published: September 7, 2026 |
📂 Category: gujarati-news
