પાકિસ્તાન મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન ફાતિમા સનાને ભારત સામેની એશિયા કપની મેચમાં શેફાલી વર્માને આઉટ કર્યા બાદ કરેલો ઈશારો ભારે પડ્યો છે. ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ એટલે કે ICCએ ફાતિમા સના સામે કાર્યવાહી કરી છે. ICCએ આચાર સંહિતાના ઉલ્લંઘન બદલ ફાતિમા પર તેમની મેચ ફીના 10 ટકા દંડ ફટકાર્યો છે.આ સાથે તેમના ખાતામાં 1 ડિમેરિટ પોઈન્ટ પણ ઉમેરવામાં આવ્યો છે.
શેફાલી વર્માને આઉટ કર્યા બાદ કર્યો હતો ઈશારો
દુબઈમાં શનિવારે ભારત અને પાકિસ્તાન વચ્ચે એશિયા કપની મેચ રમાઈ હતી. આ મેચમાં ભારતીય ટીમ તરફથી ઇનિંગ્સની શરૂઆત કરવા આવેલી શેફાલી વર્માએ શરૂઆતથી જ આક્રમક બેટિંગ કરવાનો પ્રયાસ કર્યો હતો.જોકે,પાકિસ્તાનની કેપ્ટન ફાતિમા સનાએ પોતાની છઠ્ઠી બોલ પર જ શેફાલીને આઉટ કરી દીધી હતી.શેફાલીએ બોલ સીધો ફાતિમા સના તરફ રમ્યો હતો અને પાકિસ્તાની કેપ્ટને સરળ કેચ પકડી લીધો હતો. ત્યારબાદ ફાતિમાએ ભારતીય બેટરની પેવેલિયન તરફ જવાનો ઈશારો કર્યો હતો. ICCએ આ હરકતને ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ માટેની આચાર સંહિતાની કલમ 2.5 હેઠળ નિયમોનું ઉલ્લંઘન ગણાવ્યું છે.આ નિયમ એવા શબ્દો, હરકતો અથવા ઈશારા સાથે સંબંધિત છે, જે આઉટ થયેલા બેટરને અપમાનિત કરી શકે અથવા તેની તરફથી આક્રમક પ્રતિક્રિયા માટે ઉશ્કેરણી કરી શકે.
24 મહિનામાં ફાતિમાનો બીજો ગુનો
ICCની કાર્યવાહી બાદ ફાતિમા સનાના ડિમેરિટ પોઈન્ટની સંખ્યા હવે 2 થઈ ગઈ છે. છેલ્લા 24 મહિનામાં આ તેમનો બીજો ગુનો છે. આ પહેલા 6 ઓગસ્ટ 2025ના રોજ ડબલિનમાં આયર્લેન્ડ સામે રમાયેલી T20I મેચ દરમિયાન પણ ફાતિમાને 1 ડિમેરિટ પોઈન્ટ મળ્યો હતો.જોકે, ભારત સામેની મેચમાં ફાતિમાનું બોલિંગ પ્રદર્શન સારું રહ્યું હતું. તેમણે ભારત સામે કુલ 3 વિકેટ ઝડપી હતી. ખાસ વાત એ હતી કે શેફાલી વર્મા તેમની પ્રથમ વિકેટ બની હતી.ભારતીય ટીમે આ મેચમાં પાકિસ્તાનને માત્ર 55 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. ભારતીય બોલરોએ શરૂઆતથી જ પાકિસ્તાની બેટિંગ પર દબાણ બનાવી રાખ્યું હતું અને સમગ્ર ટીમ મોટો સ્કોર કરવામાં નિષ્ફળ રહી હતી.
ફાતિમાએ સ્વીકારી પોતાની ભૂલ
ICCના જણાવ્યા પ્રમાણે ફાતિમા સનાએ પોતાની ભૂલ સ્વીકારી લીધી હતી. આ સાથે તેમણે મેચ રેફરી સુપ્રિયા દાસ દ્વારા સૂચવવામાં આવેલી સજા પણ સ્વીકારી હતી. તેથી આ મામલે કોઈ ઔપચારિક સુનાવણી કરવાની જરૂર પડી નહોતી.લેવલ-1ના ગુનામાં સત્તાવાર ચેતવણીથી લઈને ખેલાડીની મેચ ફીના વધુમાં વધુ 50 ટકા સુધીનો દંડ થઈ શકે છે. આ ઉપરાંત ખેલાડીના ખાતામાં 1 અથવા 2 ડિમેરિટ પોઈન્ટ પણ ઉમેરવામાં આવી શકે છે.
હવે પાકિસ્તાન સામે હોંગકોંગનો પડકાર
ભારત સામે મળેલી મોટી હાર બાદ પાકિસ્તાન મહિલા ટીમ પાસે વાપસી કરવા માટે વધારે સમય નથી. પાકિસ્તાનને 7 સપ્ટેમ્બરે એશિયા કપમાં હોંગકોંગ સામે આગામી મેચ રમવાની છે.આ મેચ પાકિસ્તાન માટે મહત્વપૂર્ણ બની રહેશે. જો પાકિસ્તાન હોંગકોંગને હરાવવામાં સફળ રહેશે તો તેની સેમિફાઇનલમાં પહોંચવાની આશા મજબૂત બની શકે છે. આવી સ્થિતિમાં ટૂર્નામેન્ટમાં ફરી એકવાર ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો જોવા મળી શકે છે.
આ પણ વાંચો – Rinku Singh બનશે KKRનો નવો કેપ્ટન? સુરેશ રૈનાએ ફ્રેન્ચાઇઝીને આપી ખાસ સલાહ
