સુરતમાં ખંડણી અને ધાકધમકી જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો કુખ્યાત ગુનેગાર સાકિબ જરીવાલા આખરે પોલીસના સિકંજામાં આવી ગયો છે. પોલીસ પકડથી બચવા માટે આરોપી વિદેશ ભાગી છૂટ્યો હતો, પરંતુ સુરતની લાલગેટ પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને લૂકઆઉટ નોટિસના આધારે તેને દિલ્હી એરપોર્ટ પરથી ઝડપી પાડવામાં સફળતા મેળવી છે.
લાલગેટ અને રાંદેર પોલીસ સ્ટેશનમાં નોંધાયા છે ખંડણીના ગુના
પોલીસ રેકોર્ડ મુજબ આરોપી સાકિબ જરીવાલા વિરુદ્ધ સુરતના લાલગેટ અને રાંદેર વિસ્તારમાં ખંડણી વસૂલવાના ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. ગુના આચર્યા બાદ પોલીસ તેની ધરપકડ કરે તે પહેલા જ તે નાસી છૂટ્યો હતો અને ગુપ્ત રીતે દુબઈ પહોંચી ગયો હતો. પોલીસ સતત તેની શોધખોળ કરી રહી હતી અને તેની સામે કાનૂની શિકંજો કસવામાં આવી રહ્યો હતો.

લિવરની બીમારી સારવાર બાદ પરત ફરતા ઇમિગ્રેશને દિલ્હી ખાતે ડિટેઈન કર્યો
દુબઈમાં રોકાણ દરમિયાન સાકિબ જરીવાલાને લિવરની ગંભીર બીમારી થતાં તેને ત્યાં 5 મહિના સુધી રોકાવું પડ્યું હતું. 5 મહિનાની સારવાર બાદ જેવો તે ભારતમાં પરત ફર્યો કે તરત જ દિલ્હી એરપોર્ટ પર ઇમિગ્રેશન વિભાગે તેને ડિટેઈન કરી લીધો હતો. ઇમિગ્રેશન વિભાગે આ અંગે લાલગેટ પોલીસને જાણ કરતા, લાલગેટ પોલીસની ટીમે દિલ્હી પહોંચી આરોપીનો કબ્જો મેળવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
