ગોધરા ક્રાઈમ અપડેટ:જુગારના ગુનામાં વોન્ટેડ આરોપી ઝડપાયો, મારામારીમાં ચાર સામે ફરિયાદ

📅 Published: September 7, 2026 | 📂 Category: gujarati-news

ગોધરા શહેરમાં પોલીસ દ્વારા બે અલગ-અલગ બનાવોમાં કાર્યવાહી કરવામાં આવી છે. પંચમહાલ-ગોધરા એસ.ઓ.જી. પોલીસે જુગારના ગુનામાં વોન્ટેડ આરોપીની ધરપકડ કરી છે. બીજી તરફ, કલાલ દરવાજા વિસ્તારમાં આવેલી દુકાનમાં બોલાચાલી બાદ થયેલી મારામારી અને જાનથી મારી નાખવાની ધમકીના મામલે ચાર વ્યક્તિઓ સામે ગુનો નોંધાયો છે. જુગારના ગુનામાં વોન્ટેડ આરોપી ઝડપાયો
પંચમહાલ-ગોધરા એસ.ઓ.જી. પોલીસે ગોધરા ટાઉન ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા જુગારધારાના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડ્યો છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચનાથી વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. SOGએ ગોધરાના સરદારનગર ખંડ પાસેથી સંજયકુમાર વિસનદાસ ઉર્ફે વિષ્ણુદાસ બુધવાણી, રહે. સોમનાથ નગર-૨, યોગેશ્વર સોસાયટી, ભુરાવાવ, ગોધરાને ઝડપી પાડ્યો હતો. આરોપી સામે ગોધરા ટાઉન ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જુગારધારા સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયેલો હતો. ધરપકડ બાદ આરોપીને આગળની કાયદેસરની કાર્યવાહી માટે ગોધરા ટાઉન ‘એ’ ડિવિઝન પોલીસને સોંપવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. કલાલ દરવાજા વિસ્તારમાં દુકાનમાં મારામારીમાં 4 સામે ગુનો
બીજા બનાવમાં ગોધરાના કલાલ દરવાજા વિસ્તારમાં આવેલી ‘બિગ સેલ’ નામની દુકાનમાં સામાન્ય બાબતે બોલાચાલી બાદ મારામારી થયાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ અંગે સાંપારોડ સ્થિત હરિઓમ ટેનામેન્ટમાં રહેતા વંદનાબેન સંજયસિંઘ વધાવને પોલીસ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, કુંભારવાડા તિરઘરવાસ વિસ્તારમાં રહેતા કલ્પેશભાઈ ધનસિંગ ભોઈ, દુષ્યન્તભાઈ ઉર્ફે કાળુ ધનસિંગભાઈ ભોઈ, તેજલબેન કલ્પેશભાઈ ભોઈ અને સંતોષબેન દુષ્યન્તભાઈ ભોઈ દુકાન પર આવ્યા હતા. ત્યાં ફરિયાદી અને સાહેદ અતુલ શર્મા સાથે બોલાચાલી કરી ધક્કો મારી નીચે પાડી દીધા હોવાનો આક્ષેપ છે. ફરિયાદમાં વધુમાં જણાવ્યા મુજબ, આરોપીઓએ ફરિયાદીના ભાઈ જસપ્રીતસિંઘ સંજયસિંઘ વધાવન સાથે પણ ઝપાઝપી કરી ગડદાપાટુનો માર માર્યો હતો. આ દરમિયાન ગળાના ભાગે, ડાબા ઘૂંટણે અને માથામાં ઈજાઓ પહોંચાડવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. મારામારી દરમિયાન જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ બનાવ અંગે ગોધરા ‘એ’ ડિવિઝન પોલીસે ચારેય ઇસમો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ દ્વારા ફરિયાદમાં કરવામાં આવેલા આક્ષેપો અને સમગ્ર ઘટનાક્રમ અંગે તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *