વિરાગ કોલેજમાં આવતા-જતા સોસાયટીમાં જ તેના રો-હાઉસથી થોડા જ દૂર માતૃશક્તિ લખેલા રો-હાઉસના ગાર્ડનમાં હીંચકા પર બેઠેલી એ યુવતીને જોઈને મનમાં બોલી જતો ખરેખર સુંદર છે! એને પોતાને આ સોસાયટીમાં રહેવા આવ્યાને માંડ બે મહિના જ થયા હતા. હજી કોઈને ઓળખતો પણ ન હતો. ભાડેથી રહેતો હતો. એ તો એને અહીંની કોલેજમાં લેક્ચરરની જગ્યા પડતાં સારો ચાન્સ સમજીને પોતાના વિસ્તારની કોલેજમાં રાજીનામું આપી જોડાયો હતો. એક જગ્યાએ ટિફિન બંધાવી દીધું હતું. પોતે નાનું-મોટું કામ જાતે જ કરી લેતો. વાસણ, કપડાં, સફાઈ માટે એક બહેન આવતાં હતાં. એ સાંજે રોજ જ બહાર હીંચકા પર બેસતો. ત્યાંથી માતૃશક્તિ બરાબર દેખાતું. એણે ત્રણ-ચાર વાર પેલાં મોટાં બહેન ગિરા ગિરા કરીને પેલી યુવતીને બૂમ પાડતાં એટલે એનું નામ જાણી શકાયું હતું. ગિરાનો ચહેરો હસમુખો લાગતો હતો. એ જરાય મોડર્ન લાગતી ન હતી. એ વાત જ એને પોતાને બહુ ગમતી. એની પોતાની પત્ની સ્મિતા એસએસસી સુધી જ ભણેલી હતી, પણ એટલી બધી મોડર્ન હતી કે કોઈ મોડલ કે હિરોઈન હોય. એના બબ્બે કબાટ તો કપડાંથી જ ભરેલાં હતાં. એ હિરોઈનને રોજ સાંજે ફરવા જવાનો અને બહાર જ ભેળપૂરી, ભાજીપાંઉ, પિઝા, બર્ગર અને એવું કંઈ ને કંઈ ફાસ્ટ ફૂડ ઝાપટી લેવાનો શોખ હતો. દર રવિવારે ફિલ્મ તો જોવા જવાનું જ! સૂવે મોડી એટલે ઊઠે પણ મોડી. મહારાણી ઘરમાં કંઈ જ કામ ન કરે. એ એનાથી સાવ જ ઊંધી હતી. એ સાવ નઠારી, ઉદ્ધત હતી. પોતે કોલેજમાં લેક્ચરર. શિક્ષણવિદ અને પત્ની! બાપ રે! મમ્મી તો માથું કૂટતી. નસીબજોગે એ રિસાઈને પિયર જતી રહી અને થોડા જ વખતમાં કોઈ છેલબટાઉ યુવક સાથે ભાગી ગઈ. એનાથી જીવ છૂટ્યો એનો હાશકારો થયો ત્યાં જ આ સરસ જગ્યાની જાહેરાત આવતાં મોટું શહેર અને મોટી કોલેજ હોવાથી અહીં અરજી કરી એટલે નંબર પણ લાગી ગયો. હવે થોડા સમય બાદ જરા સેટલ થઇ જવાય પછી મમ્મીને લાવીશ એવું એ વિચારતો હતો ત્યાં જ ગિરાનાં મમ્મી એના મકાન નજીક પસાર થતાં હસ્યા અને ઊભાં રહીને ખબરઅંતર પૂછી એના વિશે ઘણી બધી માહિતી મેળવી ગયાં. જતાં જતાં કહે તમે એકલા જ છો તો ક્યારેક નાસ્તો મોકલું તો વાંધો નહીંને? પોતે ના ના જરાય વાંધો નથી, પણ તમે તકલીફ લો એ બરાબર ન હોવાનું કહ્યું. એમાં શેની મુશ્કેલી! આનંદ થશે કહી એ ગયાં અને સવારમાં એ તૈયાર થતો હતો ત્યાં જ ડોરબેલ રણકતાં એણે દરવાજો ખોલતાં સામે ઢાંકેલી ડિશ સાથે ગિરા સ્મિત ફરકાવતી ઊભી હતી. વિરાગ એને જોઈને જ શિયાવિયા થઇ ગયો. શું બોલવું એનીય ખબર ન પડી, પણ એટલામાં ગિરા જ બોલી, મમ્મીએ ખાસ બટાકાપૌંઆ મોકલ્યો છે. લો, ડિશ પછી લઈ જઇશ. હા, પણ તમે તો લેક્ચરર છો એવું જાણ્યું છે બરાબર?
હા, હું લેક્ચરર જ છું. તમે આ તકલીફ લીધી એ બદલ આભાર અને મારે લાયક કોઈ કામ હાય તો કહેજો. એ સ્મિત વેરતાં બોલી ચોક્કસ. મને લિટરેચરમાં બહુ રસ છે એટલે તમને નિરાંતે મળીશ. ચોક્કસ, ગમે ત્યારે આવજો. એટલું એણે કહ્યું ત્યાં જ એ નાસ્તો ગરમ ગરમ છે ત્યાં ખાઈ લો, ઠરી ગયા પછી મજા નહીં આવે કહી જતી રહી, પરંતુ એને આખો ઝણઝણાવી ગઈ. એ ખરેખર રૂપાળી હતી અને એથીય વધુ સારો તો એનો સ્વભાવ હતો. એ સાંજે આવ્યો ત્યારે ગરમાગરમ ખાજા લેતો આવ્યો અને સ્કૂટર માતૃશક્તિ આગળ ઊભું રાખી માસી માસી બૂમ પાડતાં જ તેઓ આવતાં તેણે એમને ખાજાનું પેકેટ આપતાં કહ્યું, ચોમાસું છે એટલે ખાજા ખાવાની મજા આવે, તેથી લાવ્યો છું. માસી કહે હા, બહુ સરસ. હું આજે જ વિચારતી હતી ત્યાં જ તમે લઈ આવ્યા.
પછી તો આપવા લેવાનો વ્યવહાર વધી ગયો. ગિરા તેના ઘરમાં આવી બુક્સ જોવા માંડતી અને વાંચવા લઈ જતી. એણે કહ્યું હતું કે તેને સારી બુક્સ વાંચવાનો બહુ શોખ છે. પછી ખબર પડી કે એ તો એમ.એ. વિથ ઇંગ્લિશ ભણી હતી. એક દિવસ કોઈ બુક વિશે વાત કરતાં કરતાં એણે તેને પૂછી નાંખ્યું કે તમે હજી મેરેજ કેમ નથી કર્યા? જવાબમાં એ થોડી ઉદાસ થઇને બોલી, તમે મમ્મીને જ પૂછી જોજોને. આટલું કહીને એ ઝડપથી જતી રહી. એ શરમાઇ ગઇ હોય એમ એને લાગ્યું. એટલે બીજા દિવસે એણે મમ્મીને જ પૂછી નાખ્યું કે માસી આ ગિરા આટલું બધું ભણેલી છે, તો એણે કોઈ જોબ કરવી જોઈએ ને કોઈ સારો મુરતિયો જોઇ મેરેજ કરાવી દેવા જોઇએ.
માસીએ એને હીંચકા પર બેસવા કહીને પછી કહ્યું, હું એના માટે મુરતિયો શોધું જ છું, પણ તમને ખબર નહીં હોય એટલે કહું છું સાંભળો. આ મારી ગિરા હકીકતમાં મારી પુત્રવધૂ છે. એનો પતિ મારો પુત્ર નિર્મિત પ્રોફેસર હતો, પરંતુ મેરેજના બીજા જ વર્ષે એ એક્સિડન્ટમાં મૃત્યુ પામ્યો હતો. અમે માંડ માંડ એ આઘાત સહી શક્યાં છીએ. મેં ગિરાને બીજા મેરેજ કરી લેવા ખૂબ મનાવી, પણ માનતી નથી. છેલ્લે સમ આપ્યા તો કહે છે કે કોઇ સજ્જન માણસ આપણને બંનેને સાથે રાખે અથવા આપણે ત્યાં રહે એવો મળશે તો પરણીશ. હવે તમે જ કહો, એક વિધવાને એવો કોઈ પુરુષ મળે ખરો!
વિરાગ થોડીવાર તેમની સામે જોતો રહ્યો અને પછી બોલ્યો, મળેને! કેમ ન મળે? આવી સરસ કન્યા કોઈ ભાગ્યશાળી હોય એને જ મળે. તમે તૈયાર હોવ તો એ પુરુષ-મુરતિયો હું જ છું. બોલો, પણ મારીય એક કહાની છે, એ સાંભળીને કહો. એટલું કહી એણે સ્મિતાની વાત કરી કહ્યું, બોલો, હુંય પરણેલો જ હતો. શું વાત છે? તો તો મારે ઘેરબેઠાં ગંગા આવી! મને મંજૂર છે. બારણા આગળ ઊભી ઊભી વાત સાંભળતી ગિરા શરમાતી શરમાતી બોલી, મમ્મીને મંજૂર તે મને મંજૂર.
