સ્મશાનમાં તાજી દફનાવેલી લાશ લાવી કારમાં મૂકીને સળગાવી દીધી:કરોડપતિ બનવાના ચક્કરમાં એવું કાવતરૂં ઘડ્યું કે પોલીસ પણ થાપ ખાઇ ગઇ

📅 Published: September 8, 2026 | 📂 Category: gujarati-news

27 ડિસેમ્બર, 2024
શિયાળાની કડકડતી ઠંડી સાથેની સવાર પડી ચૂકી હતી. લોકો મને-કમને ગોદડાં બાજુ પર મૂકીને ઊઠી ગયા હતા. ઈચ્છા ન હોવા છતાંય ઘરનું ગુજરાન ચલાવવા કામ-ધંધે જવા તૈયાર થઇને નીકળી ચૂક્યા હતા. વડગામ પાસેના મામાજીના મંદિર પાછળના સૂમસામ રોડ પર એક સળગેલી કાર પડી હતી. કારનો શેપ-ડિઝાઇન ને મેન્યુફેક્ચરિંગ જોતાં લાગતું હતું કે તે એસ્ટિમ કાર હતી. સળગેલી કારની અંદર ડ્રાઇવર સીટ પર એક વ્યક્તિની લાશ હતી. આ લાશ અર્ધ સળગેલી હાલતમાં ત્યાં પડી હતી. મંદિર પાછળના તે ભેંકાર રોડ પર એક વ્યક્તિ ચાલતી ચાલતી જતી હતી. તેની નજર અચાનક જ આ કાર ને તેમાં રહેલી અડધી બળેલી લાશ પર ગઈ. ભયથી તેની આંખો પહોળી થઈ ગઈ, મોંમાંથી એક ભયાનક ચિત્કાર નીકળ્યો,
‘ખૂન.. ખૂન…’
દોડતો દોડતો આ માણસ ગામમાં પહોંચ્યો. વીજળીવેગે આ વાવડ ચારેકોર, આસપાસનાં ગામોમાં પણ ફેલાઈ ગયા. વાત ફેલાતાં જ લોકો કારની આસપાસ ભેગા થવા લાગ્યા. જેટલા લોકો હતા, તેટલી જ વાતો ને સવાલો હતા કે તે સૂમસામ રસ્તે કાર ક્યાંથી આવી ને કેવી રીતે સળગી ગઈ? અને કમોતે બળી મરેલો આ માણસ હતો કોણ?
***
કરોડપતિ બનવા પ્લાન ઘડી નાખ્યો
સીધું કોઈ હોરર ફિલ્મમાંથી ઉઠાવેલું હોય તેવું આ ભયાનક દૃશ્ય બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના જલોત્રા ગામને પાલનપુર તાલુકાના ધાણધા ગામ સાથે જોડતા રોડથી ધનપુરા જતાં એપ્રોચ રોડ પર જોવા મળ્યું હતું. આ જગ્યાએ આમ પણ લોકોની અવર-જવર તદ્દન ઓછી હતી. લાશની વાત થોડા જ સમયમાં આસપાસના જલોત્રા, ધનપુરા, મુમણવાસ, ઢેલાણા સહિતનાં ગામોમાં પ્રસરી ગઇ. જેમ જેમ લોકો ભેગા થતા ગયા, તેમ તેમ લોકોમાં એ જાણવાની ઉત્સુકતા વધતી જતી હતી કે આ કારનો માલિક કોણ હતો અને અંદર બળેલી લાશ આખરે કોની હતી? ભેગા થયેલા લોકોમાંથી જ એકે પોલીસને જાણ કરી. જ્યાં આ ઘટના બની તે સ્થળ વડગામ પોલીસ સ્ટેશનની હદમાં આવતું હતું. ફોન આવતાં જ વડગામ પોલીસની એક ટીમ મારતી જીપે ઘટના સ્થળે પહોંચી ગઈ. સૌ પહેલાં તો પોલીસે કારની આસપાસ ભેગા થયેલા લોકોને દૂર કર્યા ને ક્રાઇમ સીન સિક્યોર કર્યો. પછી બારીકાઇથી તપાસ કરવાનું શરૂ કર્યું. અડધી બળેલી અને ભયાનક લાગતી તે લાશનું મોઢું પૂરી રીતે બળી ગયું હતું. પોલીસ માટે હવે આ લાશ કોની છે તે શોધવું ઘણું જ મુશ્કેલ હતું. પોલીસે કારની ચારેબાજુ તપાસ કરી તો તેમના આશ્ચર્યની વચ્ચે એક નંબર પ્લેટ મળી આવી. હવે પોલીસને એ વાતની જાણ નહોતી કે આ નંબર પ્લેટ સળગી ગયેલી કારની હતી કે નહીં? જો તે જ કારની હોય, તો આખેઆખી કાર ભડથું થઈ જાય અને નંબરપ્લેટ સલામત રહી જાય એવું કેવી રીતે શક્ય બને?
પરંતુ હવે આ નંબર પ્લેટ પરથી કારના માલિકની ઓળખ મેળવવાની હતી. તે થશે કે કેમ અને આ નંબર પ્લેટ સાચી હતી કે નકલી, તે પણ નક્કી કરવું પડે તેમ હતું. પોલીસે ઘટના સ્થળેથી જ RTOમાં કારના નંબરની વિગતો મોકલીને માલિક અંગે પૂછપરછ કરી. થોડી જ વારમાં પોલીસ પાસે માહિતી હતી કે કારના માલિકનું નામ દલપતસિંહ ઉર્ફે ભગવાનસિંહ પરમાર (રાજપૂત) છે. દલપતસિંહ પાલનપુર તાલુકાના ઢેલાણા ગામે રહે છે. પોલીસ માટે આટલી વિગતો પૂરતી હતી. પોલીસ દલપતસિંહના ભાઇ પ્રકાશસિંહને મળી. વાતચીતમાં પ્રકાશસિંહે કહ્યું કે તે ભાઈને ફોન કરે છે, પરંતુ તેમનો ફોન સતત બંધ આવી રહ્યો છે. પોલીસને એક વાત એવી પણ મળી કે દલપતસિંહે ધનપુરા ગામના પાટિયા પાસે ‘કેદારનાથ’ નામની નવી હોટેલ બનાવી હતી. પોલીસે પ્રકાશસિંહ પાસેથી વધુ વિગતો મેળવી અને દલપતસિંહની હોટેલમાં કામ કરતા કર્મચારીની પૂછપરછ કરી. કર્મચારીઓએ જણાવ્યું કે રાતના 11:30 વાગ્યાની આસપાસ દલપતસિંહ એસ્ટીમ કાર લઇને હોટેલની બાજુમાંથી પસાર થયા હતા. પોલીસને આટલી માહિતી પરથી એ વાત ખબર પડી કે સળગેલી કાર દલપતસિંહની હતી. બીજી તરફ હોટેલ કર્મચારીની માહિતી પરથી ભાઈએ એવી આશંકા વ્યક્ત કરી કે જે અડધી બળેલી લાશ છે તે ભાઈ દલપતસિંહની છે. હવે પોલીસ માટે એ સસ્પેન્સ હતું કે આ કોઈ અકસ્માત હતો કે પછી હત્યા? પ્રકાશસિંહના નિવેદન બાદ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો અને તપાસ શરૂ કરી. નાનકડા ગામ પાસે બનેલી આ ઘટનાથી ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઊઠ્યા હતા. બનાસકાંઠા જિલ્લાના તત્કાલીન રેન્જ IG ચિરાગ કોરડિયા, તત્કાલીન જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ ઘટનાની ઊંડાણપૂર્વકની તપાસ કરવા મદદનીશ પોલીસ અધિકારી સુમન નાલા અને નાયબ પોલીસ અધિકારી ડો. જે. જે. ગામિત સાથે વાત કરી. ત્યારબાદ વડગામ પોલીસની સાથોસાથ જિલ્લાની લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) અને સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ (SOG)ની અલગ અલગ ટીમો બનાવવામાં આવી. દલપતસિંહ લોનના દેવા તળે દબાયેલો હતો
પોલીસની તપાસનો આધાર ટેકનિકલ એનાલિસિસ, હ્યુમન સોર્સ અને CCTV ઉપર હતો. દલપતસિંહ છેલ્લે જેમની સાથે હતા, પોલીસે તે તમામની પૂછપરછ કરી, જેમાં વડગામ તાલુકાના ઘોડિયાલ ગામનો સેંધાજી ઉર્ફ ધીરાજી ઠાકોર પણ હતો. તેની પાસેથી પોલીસને એવી માહિતી મળી કે દલપતસિંહે કેદારનાથ હોટેલ બનાવવા પંજાબ નેશનલ બેંકની પાલનપુર શાખામાંથી મોટી રકમની લોન લીધી હતી. આટલું જ નહીં, દલપતસિંહે સિદ્ધપુરની LIC બ્રાન્ચમાંથી 2 પોલિસી પણ લીધી હતી. એક પોલિસી 50 લાખની હતી. જ્યારે બીજી પોલિસી 13 લાખની હતી. પોલિસીની સ્કીમ એવી હતી કે જેણે વીમો લીધો હોય તેનું અકસ્માતે મોત થાય તો વારસદારને વીમાની રકમના ડબલ રૂપિયા મળે. આ હિસાબે જોઇએ તો કુલ 63 લાખની પોલિસી સામે વારસદારને 1 કરોડ 26 લાખ રૂપિયા મળે. આટલું આટલું ઓછું હોય તેમ વળી દલપતસિંહે પાલનપુરની એ.યુ. સ્મોલ ફાયનાન્સમાંથી 14 લાખ 85 હજાર રૂપિયાની લોન લઇને કિયા કાર ખરીદી હતી. હવે, દલપતસિંહના મનમાં એક મેલી રમત શરૂ થઈ. તેણે વિચાર્યું કે જો તે લોન ના ભરે અને મરી જાય તો તેના વારસદારને કરોડો રૂપિયા પણ મળે. આ ખોફનાક ષડયંત્રને અમલમાં મૂકવા તેણે પોતાને દુનિયા સામે મરેલો સાબિત કરવાનું નક્કી કર્યું. તેણે વિચાર્યું કે તેની કારમાં કોઈકની લાશ મૂકીને સળગાવી નાખવામાં આવે તો કોઈને ખબર પડશે નહીં. તેની કાર છે તો લોકો એમ જ માની લેશે કે લાશ પણ તેની હશે. તેનું મોત થયાની વાત સાબિત થતાં જ વીમા પોલિસીની રકમ પણ તેના પરિવારને મળી જશે અને તેણે કોઈ લોન ભરવી પડશે નહીં. જોકે, દલપતસિંહને એ કલ્પના પણ નહોતી આ કાવતરું તેને એક એવા ખપ્પરમાં હોમી દેશે, જેમાંથી તે ક્યારેય બહાર આવી શકશે નહીં. પૈસાની લાલચમાં આવીને પછી તો દલપતસિંહે પોતાના ષડયંત્રનો અમલ કરવાનું નક્કી કર્યું. તેણે પોતાના પ્લાન અંગે મિત્રોને વાત કરી. હવે સવાલ એ હતો કે લાશ કોની મૂકવી? આ લાશ મળશે ક્યાંથી? દિવસોના વિચાર બાદ બધાને એક આઇડિયા આવ્યો. સ્મશાનમાં તાજી દફનાવેલી લાશ સરળતાથી મળી જશે. દલપતસિંહને ખ્યાલ હતો કે અમુક જ્ઞાતિઓ સ્મશાનની આસપાસ દફનવિધિ પણ કરતી હોય છે. એટલે દલપતસિંહે પોતાના જ ગામના સ્મશાનમાંથી લાશ લાવવાનું નક્કી કર્યું. દલપતસિંહે 22-23 ડિસેમ્બરની રાતે પોતાના મિત્રો સાથે ઢેલાણા ગામના સ્મશાનમાં પ્રવેશ કરીને કોઇ અજાણી વ્યક્તિની લાશને ખોદીને બહાર કાઢી. આ લાશ પોતાની એસ્ટીમ કારમાં ડ્રાઇવર સીટ પર ગોઠવી વીધી. કારને ધનપુરા પાટિયા પાસે મામાજીના મંદિર નજીક લાવીને સળગાવી નાખી. પોલીસને આટલી માહિતી મળી ને તેમને દલપતસિંહ અને તેના મિત્રોના મલિન ઇરાદા ખુલ્લા તો કર્યા, પણ ખૂબ પ્રચલિત ડાયલોગ છે ને કે… પિક્ચર અભી બાકી હૈ મેરે દોસ્ત… કંઇક એવું જ આ કિસ્સામાં આગળ થયું. પોલીસની તપાસ ચાલુ હતી. આ દરમિયાન અડધી બળેલી લાશનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ પણ આવી ગયો. ફોરેન્સિક મેડિકલ ઓફિસરે આ રિપોર્ટમાં સ્પષ્ટપણે એવું લખ્યું હતું કે કારમાંથી જે લાશ મળી હતી તેમાંથી યુરિનના અંશો મળી આવ્યા છે. એનો અર્થ શું? દલપતસિંહે કોઈનું ખૂન કરીને ત્યાં લાશ મૂકી હતી? પોસ્ટમોર્ટમ રિપોર્ટ જોઇને પોલીસ ચકરાવે ચડી કે જે લાશ મળી તે દલપતસિંહની નથી, સ્મશાનમાં દાટેલી કોઇ અજાણી વ્યક્તિની નથી તો પછી એ લાશ છે કોની હતી? દલપતસિંહ અને તેના સાગરિતોએ જો આ લાશ 22-23 ડિસેમ્બરે સ્મશાનમાંથી ચોરી હતી તો પછી છેક 27મી ડિસેમ્બરે અર્ધ બળેલી લાશ અને સળગેલી કાર કેમ મળ્યા? આટલા દિવસ તેમણે આ લાશને ક્યાં અને શા માટે સાચવી રાખી હતી? આ સવાલોના જવાબ પરથી પડદો ઊંચકાશે ‘ગુજરાત ક્રાઇમ ફાઇલ્સ’ના આવતીકાલના એપિસોડમાં…


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *