Sher-E-Punjab T20 League : અભિષેક શર્માએ બોલિંગમાં કર્યો કમાલ,4 બોલમાં પલટાઈ મેચની બાજી

📅 Published: September 8, 2026 | 📂 Category: cricket

શેર-એ-પંજાબ ટી20 લીગમાં દરરોજ એકથી એક રોમાંચક મુકાબલા જોવા મળી રહ્યા છે.ટૂર્નામેન્ટની 17મી મેચમાં ફાજિલ્કા ફાલ્કન્સ અને અમૃતસર સૂરમા વચ્ચે રમાયેલી મેચમાં પણ જબરદસ્ત રોમાંચ જોવા મળ્યો હતો.આ મેચમાં ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન શુભમન ગિલ અને ધમાકેદાર બેટ્સમેન અભિષેક શર્મા આમને-સામને હતા.મેચ દરમિયાન એક જ ઓવરમાં બંને ખેલાડીઓ વચ્ચે જોવા મળેલી ટક્કરે સમગ્ર રમતનો રંગ બદલી નાખ્યો હતો.અમૃતસર સૂરમા સામે શુભમન ગિલની ટીમ પ્રથમ બેટિંગ કરવા મેદાનમાં ઉતરી હતી.શુભમન ગિલે શરૂઆતથી જ આક્રમક અંદાજ અપનાવ્યો હતો.અગાઉ લુધિયાણા લાયન્સ સામે પણ ગિલે શાનદાર બેટિંગ કરી હતી અને આ મેચમાં પણ તેની પાસેથી મોટી ઇનિંગ્સની આશા હતી.

અભિષેક શર્માની ઓવરમાં ગિલે ફટકાર્યા 3 બાઉન્ડ્રી

અમૃતસર સૂરમા સામે ઓપનિંગ કરવા આવેલા શુભમન ગિલે શરૂઆતથી જ ઝડપી રન બનાવ્યા હતા.તેની બેટિંગ સામે વિરોધી બોલરો મુશ્કેલીમાં જોવા મળ્યા હતા.આ દરમિયાન અભિષેક શર્મા બોલિંગ કરવા આવ્યો હતો.અભિષેકની ઓવરની શરૂઆતની 3 બોલ પર શુભમન ગિલે જોરદાર હુમલો કર્યો હતો.ગિલે પ્રથમ 3 બોલમાં 2 છગ્ગા અને 1 ચોગ્ગો ફટકારીને કુલ 16 રન બનાવી લીધા હતા.એવું લાગી રહ્યું હતું કે ગિલ આ ઓવરમાં વધુ રન ઉમેરશે,પરંતુ ત્યારબાદ અભિષેક શર્માએ શાનદાર વાપસી કરી હતી.

ચોથી બોલ બાદ બદલાઈ ગઈ મેચ

અભિષેક શર્માની ઓવરની શરૂઆતમાં ગિલે સતત બાઉન્ડ્રી ફટકારી હતી.જોકે,ત્યારબાદ ગિલે ફરી મોટો શોટ રમવાનો પ્રયાસ કર્યો અને બાઉન્ડ્રી પાસે કેચ આપી બેઠો.શરૂઆતની 3 બોલમાં 16 રન આપ્યા બાદ અભિષેકે ઓવર પૂરી થાય તે પહેલાં જ ગિલની વિકેટ મેળવી લીધી હતી.આ રીતે ગિલની આક્રમક ઇનિંગ્સનો અંત આવ્યો.શુભમન ગિલે 35 બોલમાં 8 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 67 રનની શાનદાર ઇનિંગ્સ રમી હતી.અભિષેક શર્મા માટે આ વિકેટ ખાસ રહી,કારણ કે શરૂઆતની બોલ પર ભારે માર પડ્યા બાદ તેણે ગિલને આઉટ કરીને જોરદાર વાપસી કરી હતી.

અભિષેકે બેટથી પણ મચાવ્યો ધમાલ

અભિષેક શર્માએ આ મેચમાં માત્ર બોલિંગથી જ નહીં પરંતુ બેટિંગથી પણ પોતાની ટીમને મજબૂત શરૂઆત અપાવી હતી.પ્રથમ બેટિંગ કરતા ફાજિલ્કા ફાલ્કન્સે 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 191 રન બનાવ્યા હતા.અમૃતસર સૂરમા સામે 192 રનનો પડકાર હતો.લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી અમૃતસર સૂરમાને અભિષેક શર્માએ ઓપનિંગમાં જ તોફાની શરૂઆત અપાવી હતી.તેણે માત્ર 15 બોલમાં 6 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 49 રન બનાવ્યા હતા.તેની સ્ટ્રાઇક રેટ 326.67 રહી હતી.અભિષેકની આક્રમક ઇનિંગ્સ અને ઓલરાઉન્ડ પ્રદર્શનના કારણે અમૃતસર સૂરમાએ આ મુકાબલો 4 વિકેટે જીતી લીધો હતો. શાનદાર બેટિંગ અને બોલિંગ માટે અભિષેક શર્માને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.

આ પણ વાંચો – Women’s Asia Cup 2026 : નશરા સંધુએ રચ્યો ઇતિહાસ, પાકિસ્તાને સેમિફાઇનલમાં બનાવી જગ્યા


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *