અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગ દ્વારા એક અત્યંત કડક અને હિસાબી કાર્યવાહી કરવામાં આવી છે. એરપોર્ટ પર ફરજ બજાવતા ચાર કસ્ટમ અધિકારીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરીને ફરજમુક્ત કરવામાં આવ્યા છે. એરપોર્ટ પર ઉતરેલા એક મુસાફર દ્વારા કસ્ટમ ચેકિંગ દરમિયાન અયોગ્ય વર્તન, બિનજરૂરી પજવણી અને હેરાનગતિ કરવામાં આવી હોવાની ચોંકાવનારી ફરિયાદ ઉચ્ચ સ્તરે નોંધાવવામાં આવી હતી, જેના આધારે કસ્ટમ્સના વરિષ્ઠ અધિકારીઓએ આ આકરાં પગલાં લીધાં છે.
બોડી ઓન કૅમેરા પહેર્યા વગર ચેકિંગ કર્યું, તપાસમાં થયો ખુલાસો
સસ્પેન્ડ કરવામાં આવેલા ચાર અધિકારીઓમાં બે સુપરિન્ટેન્ડેન્ટ અને બે ઇન્સ્પેક્ટર રેન્કના અધિકારીઓનો સમાવેશ થાય છે. કસ્ટમ્સ વિભાગના કડક દિશા-નિર્દેશો મુજબ એરપોર્ટ પર મુસાફરોના ચેકિંગ કે પૂછપરછ દરમિયાન તમામ અધિકારીઓ માટે ‘બોડી ઓન કૅમેરા’ (Body-on Camera) પહેરવા સંપૂર્ણપણે ફરજિયાત બનાવવામાં આવ્યા છે. આમ છતાં, આ અધિકારીઓએ કૅમેરા પહેર્યા વગર મુસાફર સાથે ગેરવર્તણૂક અને હેરાનગતિ કરી હતી. મુસાફરે આ સમગ્ર બનાવ અંગે કસ્ટમ્સ કમિશનર સહિત ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરતાં જ પ્રાથમિક તપાસમાં અધિકારીઓની ગંભીર બેદરકારી સામે આવી હતી.
અમદાવાદ એરપોર્ટ પર પ્રથમવાર આવી કાર્યવાહી
અમદાવાદ એરપોર્ટના ઇતિહાસમાં એક સાથે ચાર જેટલા ઉચ્ચ કસ્ટમ અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હોય તેવી આ પ્રથમ ઘટના છે, જેના કારણે એરપોર્ટ પર ફરજ બજાવતા કર્મચારીઓ અને અધિકારી વર્તુળોમાં ભારે સન્નાટો અને ખળભળાટ મચી ગયો છે. કસ્ટમ્સ વિભાગ દ્વારા સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે મુસાફરો સાથેની ગેરવર્તણૂક, ભ્રષ્ટાચાર કે સરકારી નિયમોનો અનાદર ચલાવી લેવામાં આવશે નહીં. સસ્પેન્ડ કરાયેલા ચારેય અધિકારીઓ સામે ખાતાકીય તપાસ પણ શરૂ કરી દેવામાં આવી છે.
આ પણ વાંચો : Surat વકીલ બળાત્કાર કેસમાં કોર્ટનો મોટો નિર્ણય, રહીમ શેખની જામીન અરજી ફગાવી, ગમે ત્યારે થશે જેલહવાલે…
