ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે 13 સપ્ટેમ્બરથી 3 મેચની T20I સિરીઝ શરૂ થવાની છે. આ સિરીઝ પહેલા ભારતીય ટીમ માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. ટીમના સ્ટાર ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદરે ફિટનેસ ટેસ્ટ પાસ કરી લીધો છે. આ સાથે હવે અફઘાનિસ્તાન સામેની T20I સિરીઝમાં તેમનું પુનરાગમન નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે.BCCIએ અફઘાનિસ્તાન સામેની સિરીઝ માટે જાહેર કરાયેલી ટીમમાં કેટલાક એવા ખેલાડીઓને પણ સામેલ કર્યા હતા, જેમની ફિટનેસ અંગે પ્રશ્નો હતા. આ ખેલાડીઓને સિરીઝમાં રમવા માટે પહેલા પોતાની ફિટનેસ સાબિત કરવાની હતી. હવે વોશિંગ્ટન સુંદરે આ પરીક્ષા પાસ કરી લીધી છે.
વોશિંગ્ટન સુંદર સંપૂર્ણપણે ફિટ
વોશિંગ્ટન સુંદરને અફઘાનિસ્તાન સામેની 3 મેચની T20I સિરીઝ માટે ભારતીય ટીમમાં પસંદ કરવામાં આવ્યા હતા.જોકે,તે સમયે તેમની ફિટનેસને લઈને સ્થિતિ સ્પષ્ટ નહોતી.મીડિયા રિપોર્ટ અનુસાર સુંદર BCCIના બેંગલુરુ સ્થિત સેન્ટર ઓફ એક્સેલન્સમાં પોતાની ફિટનેસ પર કામ કરી રહ્યા હતા. હવે ઈન્ડિયા ટુડેના અહેવાલ પ્રમાણે સુંદર સંપૂર્ણપણે ફિટ થઈ ગયા છે અને મેડિકલ ટીમે તેમને અફઘાનિસ્તાન સામે રમવા માટે મંજૂરી આપી છે.આ સમાચાર ભારતીય ટીમ માટે મહત્વના છે,કારણ કે સુંદર બોલિંગની સાથે બેટિંગમાં પણ ટીમને ઉપયોગી વિકલ્પ આપે છે.

વોશિંગ્ટન સુંદરને જુલાઈ 2026માં ઈંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ દરમિયાન ઈજા થઈ હતી.સિરીઝની બીજી મેચ દરમિયાન તેમને હેમસ્ટ્રિંગમાં ખેંચાણ અનુભવાયું હતું, જેના કારણે તેમને મેદાન છોડવું પડ્યું હતું.ત્યારબાદ BCCIએ જણાવ્યું હતું કે સુંદર ઈજાના કારણે સમગ્ર વનડે સિરીઝમાંથી બહાર થઈ ગયા છે. ઈજાને કારણે તેઓ ઝિમ્બાબ્વે સામેની T20I સિરીઝ અને શ્રીલંકા સામેની ટેસ્ટ સિરીઝમાં પણ રમી શક્યા નહોતા.હવે ફિટનેસ ટેસ્ટ પાસ કર્યા બાદ સુંદર ફરી એકવાર ભારતીય ટીમ સાથે મેદાન પર જોવા મળશે.
બુમરાહ સહિત 3 ખેલાડીઓની ફિટનેસ પર નજર
અફઘાનિસ્તાન સામેની T20I સિરીઝ માટે વોશિંગ્ટન સુંદર ઉપરાંત જસપ્રીત બુમરાહ,નીતિશ કુમાર રેડ્ડી અને હર્ષિત રાણાને પણ ટીમમાં સ્થાન મળ્યું છે.જોકે,આ ખેલાડીઓની ફિટનેસ અંગે હજુ સ્થિતિ સંપૂર્ણપણે સ્પષ્ટ નથી.ખાસ કરીને જસપ્રીત બુમરાહના પુનરાગમન પર સૌની નજર છે. અહેવાલ પ્રમાણે 9 સપ્ટેમ્બરે બુમરાહ એક પ્રેક્ટિસ મેચ રમશે. ત્યારબાદ તેમની મેચ ફિટનેસ અંગે નિર્ણય લેવામાં આવી શકે છે.ભારતીય ખેલાડીઓએ 10 સપ્ટેમ્બર સુધીમાં અફઘાનિસ્તાન સિરીઝની તૈયારી માટે ટીમ સાથે જોડાવાનું છે. તેથી આગામી થોડા દિવસોમાં બુમરાહ સહિત અન્ય ખેલાડીઓની ફિટનેસ અંગે વધુ સ્પષ્ટતા થઈ શકે છે.
ભારતની T20I ટીમ
શ્રેયસ અય્યર કેપ્ટન, તિલક વર્મા ઉપકેપ્ટન, અભિષેક શર્મા, વૈભવ સૂર્યવંશી, સંજુ સેમસન, ઈશાન કિશન, શિવમ દુબે, નીતિશ કુમાર રેડ્ડી, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, વરુણ ચક્રવર્તી, રવિ બિશ્નોઈ, જસપ્રીત બુમરાહ, અર્શદીપ સિંહ અને હર્ષિત રાણા.
આ પણ વાંચો – ENG vs PAK : પાકિસ્તાની દિગ્ગજે ઈંગ્લેન્ડ સામે ત્રીજી ટેસ્ટ પહેલાં ઉઠાવ્યા ગંભીર સવાલો
