ભરૂચ જિલ્લાના આમોદ તાલુકામાં આવેલા ઇખર ગામે શિક્ષણ જગતને શર્મસાર કરતી અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે. ઇખર ગામની આદર્શ પ્રાથમિક કુમાર શાળામાં ધોરણ 2 માં અભ્યાસ કરતા માસૂમ વિદ્યાર્થી હસનૈન રિઝવાન દીવાનને શાળાના શિક્ષક મુબારક યુસુફ ભડ (બરફા) દ્વારા પાઇપ વડે બેરહમીથી ઢોરમાર મારવામાં આવ્યો હતો. આ અમાનવીય બનાવ અંગે પીડિત બાળકના પરિવારે આમોદ પોલીસ મથકે કાયદેસરની ફરિયાદ નોંધાવતાં પોલીસે ત્વરિત કડક પગલાં ભરીને શિક્ષક મુબારક ભડની ધરપકડ કરી લીધી છે.
આમોદ TPO ની તપાસમાં શિક્ષક દોષિત જાહેર
બનાવની મળતી માહિતી મુજબ, આદર્શ પ્રાથમિક કુમાર શાળામાં અભ્યાસ કરતા 8 વર્ષીય માસૂમ બાળક હસનૈનને શિક્ષક મુબારક ભડે નજીવી બાબતે પાઇપ વડે ફટકારતાં બાળકના શરીર પર ગંભીર ઈજાના નિશાનો ઉપસી આવ્યા હતા. બાળક ઘરે પહોંચતાં જ તેના શરીરે પાઇપના મારના નિશાન જોઈને પરિવારજનો દંગ રહી ગયા હતા. આ મામલે રજૂઆત મળતાં જ આમોદ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી (TPO) ની સંયુક્ત ટીમ દ્વારા શાળા ખાતે પહોંચીને તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવી હતી. TPO ની પ્રાથમિક તપાસ દરમિયાન જ શિક્ષક મુબારક ભડ વિદ્યાર્થી પર હુમલો કરવા બાબતે સંપૂર્ણપણે દોષિત હોવાનું ખુલ્લું પડ્યું હતું.
જિલ્લા શિક્ષણ વિભાગે શિક્ષકને કર્યો સસ્પેન્ડ
તપાસમાં શિક્ષકનો વાંક સામે આવ્યા બાદ ભરૂચ જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા ત્વરિત આકરાં પગલાં લેવામાં આવ્યા છે. જિલ્લા શિક્ષણ અધિકારીએ શાળામાં ભયનું વાતાવરણ ઊભું કરનાર અને બાળક પર અત્યાચાર ગુજારનાર શિક્ષક મુબારક યુસુફ ભડને નોકરીમાંથી તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધો છે. બીજી તરફ, આમોદ પોલીસે પણ બાળકના પરિવારની ફરિયાદ આધારે ગુનો નોંધીને આરોપી શિક્ષકની અટકાયત કરી આગળની ધોરણસરની કાનૂની કાર્યવાહી શરૂ કરી છે. શાળા જેવા પવિત્ર સ્થળે 2 જા ધોરણના બાળક સાથે કરાયેલી આ ક્રૂરતા બદલ સ્થાનિક રહીશોમાં ભારે આક્રોશ વ્યાપ્યો છે.
આ પણ વાંચો : Mehsanaમાં પાડોશી બન્યા જાનના દુશ્મન! મહિલા ડોક્ટરના ઘરમાં ઘૂસી હુમલો કરાતાં સોસાયટીમાં દહેશતનો માહોલ
