રાજકોટના કાલાવડ રોડ પર આવેલી શાંતિ નિકેતન સોસાયટી સ્થિત મંત્રમ હોસ્પિટલ દ્વારા જાહેર આરોગ્ય અને પર્યાવરણને જોખમમાં મૂકતી ગંભીર બેદરકારી સામે આવી છે. હોસ્પિટલ સત્તાવાળાઓ દ્વારા કચરો એકત્રિત કરતી મનપાની ટીપરવાનમાં ઈન્જેક્શન, સિરિંજ અને નીડલ જેવો અત્યંત જોખમી બાયો મેડિકલ વેસ્ટ નાખવામાં આવ્યો હતો. આ નિયમભંગ ધ્યાને આવતા જ રાજકોટ મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા ત્વરિત કડક પગલાં લેવામાં આવ્યા હતા. પર્યાવરણ ઈજનેરની સૂચના અને નાયબ પર્યાવરણ ઈજનેરના માર્ગદર્શન હેઠળ વોર્ડ નં. 10ના અધિકારીઓની ટીમે સ્થળ પર જઈને મંત્રમ હોસ્પિટલ પાસેથી રૂ.10,000નો વહીવટી ચાર્જ વસૂલ કર્યો હતો. મનપાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા શહેરની તમામ હોસ્પિટલો, દવાખાનાઓ તથા ક્લિનિક ચલાવતા તબીબોને સ્પષ્ટ શબ્દોમાં સૂચના આપવામાં આવી છે કે બાયો મેડિકલ વેસ્ટને સામાન્ય ટીપરવાનમાં કે જાહેર સ્થળોએ ફેંકવો ગંભીર અપરાધ છે. તબીબી સંસ્થાએ આવા જોખમી કચરાના સલામત અને નિયમાનુસાર નિકાલ માટે મહાનગરપાલિકા દ્વારા અધિકૃત કરાયેલી એજન્સીનો જ સંપર્ક કરીને તેના મારફતે જ નિકાલ કરવાનો રહેશે. ભવિષ્યમાં પણ જો કોઈ હોસ્પિટલ કે ક્લિનિક દ્વારા નિયમોનું ઉલ્લંઘન કરીને જાહેર આરોગ્ય સાથે ચેડાં કરવામાં આવશે, તો તેમની સામે આવી જ રીતે કડક દંડનીય અને કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ભીડ નિયંત્રણ માટેની અનોખી વ્યવસ્થા, દર્દીઓની મુશ્કેલી ઘટયાનો દાવો રાજકોટની પી.ડી.યુ. સિવિલ હોસ્પિટલ ખાતે દરરોજ મોટી સંખ્યામાં આવતા દર્દીઓ અને તેમના સગાઓને સરળતાથી સારવાર મળી રહે તે માટે વિશેષ ભીડ નિયંત્રણ વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે. હાલમાં ઉપલબ્ધ કર્મચારીઓ ઉપરાંત વધારાના 5 સમાજ કલ્યાણ કાર્યકરો, 5 કોમ્પ્યુટર ઓપરેટર અને સુરક્ષા કર્મચારીઓ દ્વારા સંકલિત કામગીરી કરવામાં આવી રહી છે. આ કર્મચારીઓ દ્વારા દર્દીઓને યોગ્ય વિભાગ સુધી પહોંચાડવા અને જરૂરી માર્ગદર્શન આપવાની કામગીરી કરવામાં આવે છે. સુરક્ષા કર્મચારીઓ દ્વારા હોસ્પિટલમાં વ્યવસ્થા અને શાંતિ જાળવવામાં આવે છે. આ વ્યવસ્થા અંતર્ગત ખાસ કરીને વૃદ્ધો, મહિલાઓ, અશક્ત દર્દીઓ અને પ્રથમ વખત આવતા લોકોને પ્રાથમિકતા આપી સહાય પૂરી પાડવામાં આવે છે. જેનાથી દર્દીઓને એક વિભાગથી બીજા વિભાગમાં ભટકવું પડતું નથી અને સમયસર સારવાર મળી રહે છે. આ માનવીય અને દર્દીકેન્દ્રિત અભિગમથી હોસ્પિટલમાં શિસ્તબદ્ધ વાતાવરણ ઊભું થયું છે અને દર્દીઓની મુશ્કેલીઓમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.
જન્માષ્ટમીના તહેવારોમાં પ્રદ્યુમન પાર્ક, રામવન અને ગાંધી મ્યુઝિયમની 79,850 પ્રવાસીએ મુલાકાત લીધી રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત પ્રદ્યુમન પાર્ક ઝૂ, રામવન અર્બન ફોરેસ્ટ અને મહાત્મા ગાંધી મ્યુઝિયમ ખાતે જન્માષ્ટમીના તહેવાર દરમિયાન મુલાકાતીઓનો ભારે ધસારો જોવા મળ્યો હતો. તા. 03-09-2026 થી 06-09-2026 સુધીના ચાર દિવસમાં પ્રદ્યુમન પાર્ક ઝૂ ખાતે 73,565 સહેલાણીઓ, રામવન અર્બન ફોરેસ્ટ ખાતે 5,483 અને મહાત્મા ગાંધી મ્યુઝિયમ ખાતે 802 મળીને કુલ 79,850 પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી. આ મુલાકાત થકી પ્રદ્યુમન પાર્કમાંથી રૂ. 16,09,640 અને રામવનમાંથી રૂ. 1,16,680ની આવક કોર્પોરેશનને થઈ છે. જન્માષ્ટમીનાં તહેવારોની રજામાં લોકોની ભીડને ધ્યાને રાખીને તંત્ર દ્વારા પૂર્વ તૈયારીઓ કરવામાં આવી હતી. જેમાં ટિકિટ બુકિંગ માટે વધારાના કાઉન્ટર્સ, વાહન પાર્કિંગ માટે સિક્યુરિટી ગાર્ડ, ફર્સ્ટ એઇડ સુવિધા, બેટરી કાર સ્ટેન્ડ, માઇકિંગ સિસ્ટમ અને દૈનિક સફાઈ જેવી વ્યવસ્થાઓ કરવામાં આવી હતી. જેનો લોકોએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં Ph.D. ગાઈડની ખાલી બેઠકોની વિગતો મંગાવાઈ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પી.જી.ટી.આર. વિભાગ દ્વારા યુનિવર્સિટી સંલગ્ન વિવિધ ભવનો, કોલેજોના આચાર્યો તથા માન્ય સંસ્થાઓના વડાઓને Ph.D. અંગે મહત્વપૂર્ણ પરિપત્ર પાઠવવામાં આવ્યો છે. વર્ષ 2025-26 માટે આસિસ્ટન્ટ પ્રોફેસર, એસોસિયેટ પ્રોફેસર અને પ્રોફેસર માટે અનુક્રમે 04, 05 અને 06 Ph.D. વિદ્યાર્થીઓની બેઠકો નક્કી કરવામાં આવી છે. પરિપત્રમાં જણાવાયું છે કે જે Ph.D. માર્ગદર્શકો આગામી 3 વર્ષમાં નિવૃત્ત થવાના હોય તેઓએ માહિતી ભરવાની રહેશે નહીં. આ સાથે જ ભવન, કોલેજ કે સંસ્થાના Ph.D. માર્ગદર્શકો પાસે હાલમાં કેટલી બેઠકો ભરાયેલી છે અને કેટલી બેઠકો ખાલી છે તેની વિગતો મંગાવવામાં આવી છે.માર્ગદર્શકોએ આ માહિતી નિયત પત્રકમાં ભરી 22 સપ્ટેમ્બર, 2025 સુધીમાં પી.જી.ટી.આર. વિભાગના ઈ-મેઈલ પર મોકલવાની રહેશે. યુનિવર્સિટીએ સંલગ્ન ભવનો, કોલેજો અને માન્ય સંસ્થાઓને આ અંગે સમયસર કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે. GPSC પરીક્ષામાં લેખિતમાં સારા ગુણ મેળવનારા વિદ્યાર્થીઓને મૌખિકમાં ઓછા ગુણના આક્ષેપ સાથે કલેક્ટરને રજૂઆત ગુજરાત રાજ્યમાં GPSC (ગુજરાત જાહેર સેવા આયોગ) દ્વારા લેવાતી સ્પર્ધાત્મક પરીક્ષામાં લેખિત પરીક્ષામાં સારા ગુણ મેળવનારા વિદ્યાર્થીઓને મૌખિક પરીક્ષામાં ઓછા ગુણના આક્ષેપ સાથે સામાજીક ક્રાંતિ અભિયાન સંસ્થાના હોદેદારો દ્વારા જીલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી.
જે અંગે સંસ્થાના સુરેશ બથવારે જણાવ્યું હતું કે, ગુજરાત જાહેર સેવા આયોગની વિવિધ સ્પર્ધાત્મક લેખિત પરીક્ષામાં સારા ગુણ પ્રાપ્ત કરનારા કેટલાક ઉમેદવારોને મૌખિક કસોટીમાં ખુબ ઓછા ગુણ મળતા હોવાની ફરીયાદો સતત ઉઠી રહી છે.રોસ્ટરમાં પણ આ અંગે ગંભીર ચિંતા વ્યકત કરવામાં આવી છે કે ઓબીસી, એસસી, એસટી અને લઘુમતી સમાજના કેટલાક ઉમેદવારોએ લેખિત પરીક્ષામાં સારો દેખાવ કર્યા પછી મૌખિક પરીક્ષાના તબકકે પસંદગીથી વંચિત રહેતા હોવાની ફરીયાદ છે ત્યારે આ બાબતે તપાસ કરી જીપીએસસીની મૌખિક પરીક્ષાની સમગ્ર પ્રક્રિયામાં પારદર્શિતા સુનિશ્ર્ચિત કરવા અને દેખરેખ માટે સમિતિની રચના કરવા માંગણી ઉઠાવવામાં આવી છે. કલેક્ટર કચેરીમાં તા.19ના લેન્ડગ્રેબીંગ કમિટીની બેઠક, 50 કેસોનું હિયરિંગ થશે રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આગામી તા.19ને શનિવારે સાંજના 5.30 કલાકે લેન્ડ ગ્રેબીંગ કમીટીની બેઠક જિલ્લા કલેક્ટર ડો. ઓમ પ્રકાશના અધ્યક્ષસ્થાને યોજાશે. જેમાં 50 જેટલા કેસો સુનાવણી માટે મુકવામાં આવનાર છે જે પૈકીના 12 જેટલા અરજદારોની રૂબરૂ સુનાવણી માટે બોલાવવામાં આવનાર છે. આ બેઠકમાં સરકારી જમીન પર પેશકદમી અને અન્યોની મિલ્કત પચાવી પાડનારા સામે કાયદાનો સકંજો કસાશે. આ બેઠકમાં અધિક કલેક્ટર, ડે.કલેક્ટરો-પ્રાંત અધિકારીઓ, જિલ્લા પોલીસ વડા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહેશે.અહીં એ ઉલ્લેખનીય છે કે લેન્ડગ્રેબીંગની બેઠકમાં માત્ર જૂજ કેસોમાં જ પોલીસ ફરિયાદનો નિર્ણય લેવામાં આવી રહ્યો છે. અમુક કેસોમાં બારોબાર સમાધાન જાય છે. જ્યારે અમુક કેસો પુરતા પુરાવાના અભાવે ડ્રોપ કરવામાં આવે છે.
કચરાનો અયોગ્ય નિકાલ કરવો ભારે પડ્યો:રાજકોટમાં બાયો મેડિકલ વેસ્ટ ટીપરવાનમાં નાખનાર મંત્રમ હોસ્પિટલને મનપાએ રૂ.10,000નો દંડ ફટકાર્યો, સિવિલ હોસ્પિટલમાં ભીડ નિયંત્રણની અનોખી વ્યવસ્થા
📅 Published: September 8, 2026 |
📂 Category: gujarati-news
