શેરમાર્કેટમાં રોકાણના બહાને નિવૃત્ત મેનેજર સાથે 70.46 લાખની ઠગાઈ:'સારું વળતર મળશે' તેમ કહી વેબસાઈટમાં નફા સાથે 10 કરોડની રકમ બતાવ્યા, વારંવાર રૂપિયાની માંગણી કરવા જતા ભેજાબાજો ગાયબ થઈ ગયા

📅 Published: September 8, 2026 | 📂 Category: gujarati-news

શેરબજારમાં રોકાણ કરશો તો થોડા જ સમયમાં કરોડોનું વળતર મળશે તેવી લાલચ આપી સાયબર ઠગોએ વડોદરાના નિવૃત્ત મેનેજરને વોટ્સએપના ટ્રેડિંગ ગ્રુપમાં ફસાવ્યા હતા. શરૂઆતમાં રૂ.10 હજાર જમા કરાવ્યા બાદ રકમ પરત આપી વિશ્વાસ જીત્યો હતો અને ત્યારબાદ અલગ-અલગ ખાતામાં 76.56 લાખ રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા હતા. એપમાં રૂ.10.89 કરોડનો નફો દેખાડ્યા બાદ રૂપિયા ઉપાડવાનો વારો આવતા ઠગો ગાયબ થઈ ગયા હતા અને નિવૃત્ત મેનેજરને 70.46 લાખ રૂપિયાનો ચુનો લગાવી ઠગો ફરાર થઈ ગયા હતા. જેથી તેઓએ વડોદરા સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે. વડોદરાના ગોત્રી વિસ્તારમાં રહેતા 58 વર્ષીય સિનિયર સિટીઝન અગાઉ ખાનગી કંપનીમાં મેનેજર તરીકે ફરજ બજાવતા હતા. જુલાઈ દરમિયાન તેમના મોબાઇલ નંબરને એક વોટ્સએપ ગ્રુપમાં એડ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ VIP Market-Nandkishore અને 0732 HDFC Securities નામના ગ્રુપમાં પણ તેમને જોડવામાં આવ્યા હતા.
ગ્રુપમાં નિશા વર્મા નામની મહિલાએ પોતાને આસિસ્ટન્ટ તરીકે ઓળખાવી હતી. શેરબજારમાં રોકાણ માટે માર્ગદર્શન, ટીપ્સ અને સારા વળતરની વાતો કરીને તેમને રોકાણ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આરોપીઓએ HDFC Securitiesમાં રજિસ્ટ્રેશન કરાવ્યાનું જણાવી અલગ-અલગ બેંક ખાતામાં નાણાં ટ્રાન્સફર કરાવવાનું શરૂ કર્યું હતું. શરૂઆતમાં વૃદ્ધ મે રૂ.10 હજાર ટ્રાન્સફર કર્યા હતા. આ રકમ પરત મળી જતાં તેમને ગ્રુપમાં આપવામાં આવતી માહિતી સાચી હોવાનું લાગ્યું હતું. આ જ વિશ્વાસનો ફાયદો ઉઠાવી ઠગોએ ત્યારબાદ મોટી રકમનું રોકાણ કરાવ્યું હતું. ધીમે-ધીમે વૃદ્ધ પાસેથી રૂ.76.56 લાખ વિવિધ બેંક ખાતામાં ટ્રાન્સફર કરાવવામાં આવ્યા હતા. આ દરમિયાન ઓનલાઈન એપ્લિકેશનમાં તેમના રોકાણ પર ભારે નફો થયો હોવાનું દર્શાવવામાં આવ્યુ હતું. એક તબક્કે તેમના ખાતામાં રૂ.10.89 કરોડથી વધુનું વળતર હોવાનું દેખાડવામાં આવ્યું હતું. કરોડો રૂપિયાનો નફો જોઈ તેમને પોતાની રકમ સાથે નફો પણ પરત મેળવવાની આશા રાખી હતી. જ્યારે રોકાણની રકમ અને નફો ઉપાડવાનો પ્રયાસ કર્યો ત્યારે આરોપીઓ તરફથી ગલ્લા તલ્લા શરૂ થઈ ગયા હતા. વૃદ્ધે કરેલા રૂ.76.56 લાખમાંથી માત્ર રૂ.6.10 લાખ પરત આપવામાં આવ્યા, જ્યારે બાકીની રૂ.70.46 લાખની રકમ પરત આપવામાં આવી નહોતી. અંતે પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું જણાતાં નિવૃત્ત મેનેજરે સાયબર ક્રાઈમ પોલીસનો સંપર્ક કર્યો હતો અને ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે સાયબર ક્રાઈમ પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *