અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના ટેક્ષ વિભાગની લાલિયાવાડી અને ઢીલી કામગીરી સામે આવી છે. સમગ્ર શહેરમાં મિલકત વેરાના બિલ પહોંચાડવાની કામગીરી અત્યંત ગોકળગતિએ ચાલી રહી છે. ખુદ ટેક્ષ કમિટીના ચેરમેન મુકેશ પટેલના પોતાના ઝોનમાં પણ ટેક્સ બિલનું વિતરણ ઓછું થયું હોવાનું સામે આવ્યું છે, જેના કારણે મનપાની કામગીરી સામે સવાલો ઉભા થયા છે.
2.65 લાખથી વધુ ટેક્સ બિલનું વિતરણ હજુ પણ લટકેલું
અમદાવાદ શહેરમાં મિલકતધારકો માટે કુલ 26 લાખ 51 હજાર 178 બિલ જનરેટ કરવામાં આવ્યા છે. જોકે, મનપાના કચેરી તંત્રની બેદરકારીના કારણે હજુ સુધી કુલ બિલના 10 ટકા જેટલા બિલ વિતરણ થવાના બાકી છે. શહેરમાં હજુ પણ 2 લાખ 77 હજાર 935 જેટલા બિલ કરદાતાઓ સુધી પહોંચાડવાના બાકી હોવાથી નાગરિકોમાં અસંતોષ ફેલાયો છે.
પૂર્વ ઝોનમાં સૌથી ઓછું વિતરણ, પશ્ચિમ ઝોન પણ પાછળ
બિલ વિતરણના આંકડાઓ પર નજર કરીએ તો શહેરમાં સૌથી ખરાબ સ્થિતિ પૂર્વ ઝોનમાં જોવા મળી છે, જ્યાં માત્ર 76.34 ટકા જ બિલનું વિતરણ થઈ શક્યું છે. આ સિવાય પશ્ચિમ ઝોનમાં પણ પરિસ્થિતિ ખાસ સારી નથી, ત્યાં માત્ર 82 ટકા બિલનું વિતરણ પૂરું થયું છે. સમયસર બિલ ન મળવાના કારણે કરદાતાઓને પણ રિબેટ યોજના કે ટેક્સ ભરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
