ભાદરવી અમાસ પૂર્વે જૂનાગઢ મહાપાલિકા દ્વારા પવિત્ર દામોદર કુંડની વ્યાપક સફાઈ કરવામાં આવી હતી. કુંડને સંપૂર્ણપણે ખાલી કરીને તળિયાથી જ સફાઈ ઝુંબેશ હાથ ધરાતાં અંદાજિત પાંચથી છ ટન જેટલો ગારો અને કચરો નીકળ્યો હતો. દામોદર કુંડની નિયમિત સફાઈ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. સફાઈ પૂર્ણ થતાં આજથી કુંડને શુદ્ધ જળથી ભરીને ભાવિકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. ગુરુ-શુક્ર ચૌદસ અને અમાસના પર્વ નિમિત્તે પવિત્ર દામોદર કુંડમાં પિતૃતર્પણ તથા સ્નાનવિધિ માટે મોટી સંખ્યામાં શ્રાદ્ધાળુઓ આવે છે. સામાન્ય રીતે દર વર્ષે વરસાદને કારણે ઉપરવાસના પાણીની આવકથી કુંડ ઓવરફ્લો થઈ જતાં તેની કુદરતી સફાઈ થઈ જાય છે અને પાણીથી છલોછલ રહે છે. પરંતુ આ વખતે ચોમાસું પૂર્ણ થવાના આરે છે તેમ છતાં દામોદર કુંડ એક વખત પણ ઓવરફ્લો થયો નથી. આથી મહાનગરપાલિકાએ કુંડ ખાલી કરીને જેસીબીની મદદથી તળિયાથી જ સફાઈ કરી હતી.
ભાદરવી અમાસ પહેલાં દામોદર કુંડ સ્વચ્છ છ ટન ગારો-કચરો કાઢી શુદ્ધ જળથી ભરાયો
📅 Published: September 8, 2026 |
📂 Category: gujarati-news
