તળાવોની સફાઈ અને જાળવણી પાછળ 9 કરોડ ફૂંકાશે, છતાં ગટરોનાં પાણી વહેશે

📅 Published: September 8, 2026 | 📂 Category: Ahmedabad

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હદમાં 122 તળાવ આવેલાં છે. આ પૈકી 97 તળાવની સફાઈ અને જાળવણી માટે વર્ષ 2026માં રૂ.9.13 કરોડથી વધુ રકમનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. કમનસીબી એ વાતની છે કે, વિવિધ તળાવોની સફાઈ અને જાળવણી પાછળ કોર્પોરેશન દર વર્ષે કરોડો રૂપિયાનું આંધણ કરતું હોવા છતાં આ તળાવો ક્યારેય બારેય મહિના પાણીથી ભરેલાં જોવા મળતાં નથી. મોટાભાગના તળાવમાં ગટરનું ગંદું પાણી વહેતું જોવા મળતું હોવાથી મચ્છરોના ઉપદ્રવના કારણે તળાવ આસપાસ રહેતા લોકો ત્રાહિમામ પોકારી ઊઠે છે. કોર્પોરેશન દ્વારા વિવિધ વોર્ડ વિસ્તારમાં આવેલાં તળાવોની સફાઈને લઈ એજન્સીઓની કામગીરી અને તેમને ચૂકવવામાં આવતી રકમને લઈ અવારનવાર સવાલો પણ કરવામાં આવ્યા છે.

કોર્પોરેશન દ્વારા અલગ-અલગ ઝોનમાં આવેલાં તળાવોની સંખ્યા મુજબ પ્રત્યેક ઝોન દીઠ રૂ.50 લાખથી બે કરોડનો ખર્ચ તળાવ સફાઈ માટે મંજૂર કરવામાં આવે છે. ઉત્તર-પશ્ચિમ ઝોનમાં આવેલાં 16 તળાવ માટે રૂ.1.44 કરોડ અને પશ્ચિમ ઝોનમાં 8 તળાવ માટે રૂ.65 લાખનાં ઈ-ટેન્ડર બહાર પાડવામાં આવ્યાં છે. વિવિધ તળાવોમાંથી લીલ, કચરો અને વનસ્પતિ દૂર કરવાની કામગીરી સામે હેલ્થ કમિટીના ચેરમેને પણ સવાલ કરતાં હેલ્થ વિભાગના અધિકારીઓમાં સોંપો પડી ગયો હતો.

અગાઉના વર્ષોની સરખામણીમાં આ વર્ષે અમદાવાદમાં ચોમાસું સરેરાશ રહ્યું છે. 25 ઇંચ જેટલો વરસાદ વરસી ગયા પછી ઓગસ્ટ મહિનો કોરો જતાં હવે જો વરસાદ નહીં આવે તો શહેર ઉપર પણ આવનારા સમયમાં જળકાપનું સંકટ તોળાઈ રહ્યું છે. આ પરિસ્થિતિમાં વિવિધ તળાવોને ઈન્ટરલિંક કરી બારેય મહિના તળાવો પાણીથી ભરેલાં રાખવાની સત્તાધીશોની ગુલબાંગ પોકળ પુરવાર થઈ છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *