મહેસાણા જિલ્લાના લાંઘણજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અપહરણ અને હુમલાની ઘટના સામે આવી છે. જેમાં ચાર શખ્સોએ યુવકને ઈકો ગાડીમાં લઈ જઈ ઢોરમાર માર્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે. માણસાના હરણાહોડા ગામના રહીશ અને ખેતીકામ કરતા 28 વર્ષીય રોહિત રાઠોડે સારવાર દરમિયાન લાંઘણજ પોલીસને આપેલા નિવેદનમાં સમગ્ર આપવીતી વર્ણવી છે. અંગત અદાવતમાં બોલાચાલી કરી
ફરિયાદમાં જણાવ્યા અનુસાર ગત 7 સપ્ટેમ્બરના રોજ બપોરના આશરે અઢી વાગ્યે રોહિત તેમના મિત્ર આર્યન સાથે ચરાડુ બસ સ્ટેન્ડ નજીક સાલડી મેળામાં જવા માટે ઉભા હતા. તે સમયે ચરાડુના ઠાકોર સેધાજી સોમાજી અને ઠાકોર મેલાજી ત્યાં આવી પહોંચ્યા હતા. થોડીવારમાં હરણાહોડાના રાઠોડ રમેશજી બકાજી અને રાઠોડ કાળુજી રેવાજી ઈકો ગાડી લઈને ત્યાં આવ્યા હતા. રમેશજીએ યુવક પર તેમની દીકરીને લઈ જવા અંગે અદાવત રાખી બોલાચાલી કરી હતી. આરોપીઓએ યુવકના મિત્રને ત્યાંથી ભગાડી મૂક્યો હતો અને રોહિતને ડર બતાવી ઈકો ગાડીમાં બેસાડી દીધા હતા. મુલસણથી ધમણવા જતી કેનાલ ઉપર ઉતારી ભાગી ગયા
ત્યારબાદ આરોપીઓ યુવકને ચરાડુ-વિજયપુરા સીમના એક ખેતરમાં લઈ ગયા હતા. ત્યાં ગાડીમાંથી લાકડાના ધોકા અને લોખંડની પાઈપો કાઢી યુવકને અપશબ્દો બોલી, હથિયારો વડે બેફામ માર માર્યો હતો. યુવક અર્ધ બેભાન થઈ જતાં આરોપીઓ તેને મુલસણથી ધમણવા જતી કેનાલ ઉપર ઉતારી ભાગી ગયા હતા. જતાં જતાં આરોપીઓએ યુવકને દીકરીનું નામ લેશે તો જીવતો નહીં છોડે તેવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ઘટના બાદ ભોગ બનનારે રસ્તે જતાં વ્યક્તિની મદદથી પોતાના ભત્રીજા નિકુલજીને ફોન કરીને જાણ કરી હતી. પરિવારજનો તાત્કાલિક સ્થળ પર પહોંચી યુવકને પ્રથમ ગોજારિયા સાર્વજનિક હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાંથી વધુ સારવાર અર્થે અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. લાંઘણજ પોલીસે ચારેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
લાંઘણજમાં યુવકનું ઈકોમાં અપહરણ કરી ઢોરમાર માર્યો:અંગત અદાવતમાં ચાર શખ્સોએ જીવલેણ હુમલો કર્યો, જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ
📅 Published: September 9, 2026 |
📂 Category: gujarati-news
