Suratમાં 'ડિજિટલ અરેસ્ટ'નું મોટું કૌભાંડ, ફૂલપાડાના દંપતીને 6 દિવસ કેદ રાખી રૂ.13 લાખ પડાવ્યા

📅 Published: September 9, 2026 | 📂 Category: Crime

સુરત શહેરમાં સાયબર ગુનેગારો દ્વારા નાગરિકોને ભય બતાવી લૂંટવાની અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે. સુરતના ફૂલપાડા વિસ્તારમાં રહેતા એક દંપતીને સાયબર માફિયાઓએ મની લોન્ડરિંગના બોગસ કેસમાં ફસાવી દેવાની ધમકી આપીને સળંગ 6 દિવસ સુધી ઘરની અંદર જ ‘ડિજિટલ અરેસ્ટ’ કરી રાખ્યા હતા. આ દરમિયાન સાયબર ઠગોએ દંપતી પાસેથી તબક્કાવાર રીતે રૂ.13 લાખ જેવી મસમોટી રકમ પડાવી લીધી હતી. સાયબર ક્રાઇમ આચરતી ટોળકીએ દંપતીનો માનસિક અને ડિજિટલ બંધક બનાવીને આ મોટું કૌભાંડ આચર્યું હતું.

ચાલુ ફોને કતારગામ પોલીસ મથકે પહોંચી જતાં પોલ ખુલી

ઘટનાની વિગતો અનુસાર, રૂ.13 લાખ વસૂલ કર્યા બાદ પણ સાયબર ઠગો ધરાયા ન હતા અને તેમણે દંપતી પાસે વધુ 24 ટકા રકમની માગણી કરી હતી. આ સતત થઈ રહેલી માગણી અને ધમકીઓથી શંકા જતાં દંપતીએ હિંમત દર્શાવી હતી અને સાયબર ઠગો સાથેનો ફોન કૉલ ચાલુ રાખીને જ સીધા કતારગામ પોલીસ સ્ટેશન ખાતે પહોંચી ગયા હતા. પોલીસ મથકમાં ફરજ પરના અધિકારીઓ સમક્ષ આપવીતી જણાવતાં જ પોલીસે સાયબર ઠગ સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો હતો, જેથી પોલ ખુલ્લી પડી જતાં સાયબર માફિયાઓ તુરંત ફોન કાપીને સંપર્ક વિહોણા થઈ ગયા હતા.

પોલીસે ડિજિટલ તપાસ તેજ કરી

પોલીસ સ્ટેશને પહોંચીને મોટું કૌભાંડ નિવાર્યા બાદ ભોગ બનનાર દંપતી દ્વારા આ સમગ્ર મામલે સુરત સાયબર ક્રાઇમ સેલ પોલીસ સ્ટેશનમાં અધિકૃત લેખિત ફરિયાદ નોંધાવવામાં આવી છે. સાયબર ક્રાઇમ પોલીસે ગુનો નોંધીને જે બેંક ખાતાઓમાં રૂ.13 લાખ ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા તેના નંબર અને કોલ ડિટેલ્સના આધારે આરોપીઓને ટ્રેસ કરવા ડિજિટલ તપાસ શરૂ કરી છે. આ સાથે જ સુરત પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે કોઈ પણ સરકારી કે તપાસ એજન્સી વીડિયો કોલ મારફતે ‘ડિજિટલ અરેસ્ટ’ કરતી નથી, આવી કોઈ ધમકી આવે તો ગભરાયા વિના તાત્કાલિક સ્થાનિક પોલીસ કે 1૯3૦ સાયબર હેલ્પલાઈનનો સંપર્ક કરવો.

આ પણ વાંચો : Rajkot: રિંગરોડ પર બ્રિજના કામમાં ગેરરીતિ બદલ મ્યુનિસિપલની મોટી કાર્યવાહી;2 ઇજનેર સસ્પેન્ડ


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *