જર્મનીમાં ચૂંટણીઓ ચાલી રહી છે તેમાં જે પરિણામો આવી રહ્યા છે તે જોઈને પુતિન મોસ્કોમાં બેઠા-બેઠા મલકાઈ રહ્યા છે. સામેની બાજુ યુક્રેનના ઝેલેન્સ્કીનો માથાનો દુઃખાવો એવો વધી ગયો છે કે બઘવાઈ ગયા છે. પણ જર્મનીમાં એવું તો શું થઈ રહ્યું છે કે એવું કહેવામાં આવી રહ્યું છે કે દુનિયામાં ફરી નવા હિટલરનો જન્મ થઈ ગયો છે? જે જર્મનીએ કટ્ટરવાદ છોડ્યો ત્યાં જ અચાનક જમણેરી વિચારધારાની કેમ લહેરકી વહી? શું પુતિને જર્મનીથી યુક્રેન જતા હથિયારોનો સપ્લાય અટકાવી દેવા માટે કોઈ મોટો માસ્ટર પ્લાન બનાવી લીધો છે? 35 વર્ષનો કાર અને મેટ્રોમાં રૂમ ફ્રેશનર વેચનાર યુવાન કેવી રીતે દુનિયાની નજરમાં આવી ગયો છે? આજે આપણે તેની વાત કરવાની છે. નમસ્કાર… આજે જર્મનીમાં ઉલરીચ સિગમન્ડ નામના યુવાને 44 ટકા વોટ મેળવીને સત્તાના દરવાજે ઉભો છે. તેમનો એજન્ડા ક્લિયર હતો કે જર્મનીથી શરણાર્થીઓને કાઢો, યુક્રેનને હથિયારો ન આપો, પોતાના દેશ પર વધુ ધ્યાન આપો. આ જ એજન્ડાના કારણે તે મુખ્યમંત્રી બનવાથી ખાલી 3 ડગલા જ દૂર છે. હવે સવાલ થાય કે આ છે કોણ જેને ખુદ જર્મનીનું મેગેઝીન હિટલર ગણાવી રહ્યું છે? તો આ ઈન્ફોગ્રાફિક્સ જુઓ… હવે મેઈન મુદ્દાની વાત કરીએ. જર્મનીના સેક્સની-આનહાલ્ટ રાજ્યમાં મુખ્યમંત્રીની ખુરશી માટેનું રિઝલ્ટ આવ્યું છે. આ રિઝલ્ટે આખા યુરોપ અને દુનિયાની ઊંઘ હરામ કરી દીધી છે. ઉલરીચે AfD નામની જર્મની પાર્ટીમાં 43.8 ટકા મતોથી સત્તાધારી પક્ષનો સપાટો બોલાવી દીધો છે. જર્મન ચાન્સેલર ફ્રેડરિક મર્ઝની પાર્ટી ખાલી 17 ટકામાં પડીકું વળી ગઈ છે. સિગમન્ડને બહુમતિ માટે ખાલી 3 જ સીટ જોઈએ છે જે વિપક્ષ કોઈ પણ ભોગે આપવા નથી ઈચ્છતું. કારણ છે સિગમન્ડનું કટ્ટરવાદી ફાર રાઈટ વલણ. 1945 પછીના આધુનિક જર્મનીના ઈતિહાસમાં આ પહેલીવાર બ્યું છે કે કોઈ આટલો કટ્ટરવાદી નેતા સત્તાની આટલી નજીક પહોંચ્યો હોય. જર્મનીનો ખજાનો યુક્રેન પાછળ ન ઉડાવો વ્યક્તિની તો વાત કરી લીધી હવે હોબાળો કેમ થયો તેની વાત કરીએ, પણ તેના માટે પહેલા જર્મની વિશે થોડું જાણવું પડશે. આજે જર્મની યુક્રેનનું સૌથી મોટું યુરોપિયન પાર્ટનર દેશ છે. જર્મનીની યુક્રેનને 57.6 અબજ યુરોની સૈન્ય સહાય, હજારો પેટ્રિયટ મિસાઈલ અને ડ્રોન સપ્લાયના જથ્થાઓ સતત ચાલુ જ છે. સામેની બાજુ સિગમન્ડની પાર્ટી ખુલ્લેઆમ કહે છે કે જર્મનીએ પોતાનો ખજાનો યુક્રેન પાછળ ખાલી કરવાની કોઈ જરૂર નથી. આપણે રશિયા સાથે સસ્તી ઊર્જાના વેપાર ફરી શરૂ કરી દેવા જોઈએ. જો સિગમન્ડની આ AfD પાર્ટી ભવિષ્યમાં પાવરમાં આવી જશે તો બર્લિનથી કીવ અને મોસ્કો સુધીના સમિકરણો સાવ બદલાઈ જશે. ટૂંકમાં વર્લ્ડ વોર પછી પહેલીવાર એવું બનશે કે જર્મની રશિયા સાથે દોસ્તી કરશે. જર્મનીમાં પણ એક અકેલા, સબ પે ભારી આ જ બધી ઘટનાઓએ જર્મનની ફાયરવોલ ગણાતી પોલિટિકલ સિસ્ટમમાં મોટી તિરાડ પાડી દીધી છે. ફાયરવોલ એટલે જર્મનીની બાકીની બધી પાર્ટીઓએ એક વણલખ્યો નિયમ બનાવ્યો છે કે તે AfD સાથે ક્યારેય હાથ નહીં મિલાવે અથવા સરકાર નહીં બનાવે. પણ હવે વાત ત્યાં પહોંચી ગઈ છે કે સૌથી વધુ વોટ લાવ્યા પછી પણ સિગમન્ડને રોકવા માટે અમુક રાજકીય પક્ષોને ફાયરવોલના નિયમો કે દેશના સિદ્ધાંતોને નેવે મુકીને સિગમન્ડ સાથે ભળવું પડશે. શું જર્મનીમાં ફરી હિટલરનો પુનર્જન્મ અને વાંધો ખાલી નીતિઓનો જ નથી, અંદરૂની ડરનો પણ ડખો છે. દેશના પોલિટિકલ પંડીતો અને ખુદ ઈન્ટેલિજન્સ એજન્સીઓ આ પરિણામોને 1930ના દાયકાના હિટલરશાહીના ખતરા સમાન ગણાવી રહ્યા છે. જ્યારે આર્થિક મંદી, લોકોના ગુસ્સા અને જર્મની ફર્સ્ટના નારાથી એક સરમુખત્યાર પેદા થયો હતો. બરોબર આ જ પેટર્ન અત્યારે જર્મનીમાં ફરીવાર દેખાઈ રહી હોય એવું લાગે છે. પણ આ બધુ જાણ્યા પછી એક સવાલ થાય કે જે માણસ થોડા વર્ષો પહેલા કાર અને મેટ્રોમાં રૂમ ફ્રેશનર વેચતો હતો, એણે અચાનક આટલો મોટો રાજકીય ભૂકંપ કેવી રીતે લાવી દીધો? એણે એવું તો શું કર્યું કે જર્મનીના યુવાનો એક કટ્ટરવાદી નેતા પાછળ ઘેલા થઈ ગયા? અને રશિયાનો ગેસ બંધ થયા બાદ જર્મનીનું આર્થિક એન્જિન ખોટવાવાનો આ નેતા ફાયદો લઈ રહ્યો છે? હવે આ બધા સવાલોના જવાબ પણ જાણી લઈએ. કોરોના સમયે શરૂ થઈ પોલિટિકલ પ્લાનિંગ! વાત કંઈક એવી છે કે ઉલરિચ સિગમન્ડ કોઈ પહેલેથી ગુસ્સાવાળો કે કટ્ટરવાદી માણસ નથી. દેખાવમાં તો એ એક હેપ્પી, મોડર્ન અને સારો છોકરો દેખાય છે. જેની આખી પોલિટિકલ ગેમ કોરોના સમયે શરૂ થઈ. એ સમયે દુનિયાના બીજા દેશોની જેમ જ જર્મન સરકારે લોકડાઉન અને માસ્ક ફરજિયાત કર્યા હતા. ત્યારે ઉલરિચ સિગમન્ડે સોશિયલ મીડિયા પર તેનો જોરદાર વિરોધ કર્યો હતો અને પોતાનો એક ફેનબેઝ ઉભો કરી દીધો હતો. જર્મનીના જેનઝી 21મી સદીના હિટલરના દિવાના તેમની ઉંમર ખાલી 35 વર્ષ જ છે પણ આજે ટિકટોક પર તેના 8.20 લાખ અને ઈન્સ્ટાગ્રામ પર 6 લાખથી વધુ ફોલોઅર્સ છે. આટલી મોટી ફેનબેઝ જર્મનીમાં બીજા નેતાઓની કમ્પેરિઝનમાં ઘણી વધારે કહેવાય. અને તમને એવું લાગે કે સિગમન્ડની AfD પાર્ટીને ખાલી કટ્ટરવાદી અને રૂઢીચૂસ્તો જ મત આપે છે એવું જરા પણ નથી. જર્મનીમાં 18થી 34 વર્ષના યુવાનોમાં AfDનો ક્રેઝ 2021માં 11 ટકા હતો, જે આજના સમયમાં વધીને 33 ટકા થઈ ગયો છે. એટલે કે જર્મનીની યુવા પેઢી ઝડપથી કટ્ટરવાદ તરફ વધી રહી છે એવું પણ માની શકાય. વિકાસનો વરસાદ પશ્ચિમને, પૂર્વને પીડા જો કે આ ગુસ્સા કે કટ્ટરપંથનું બીજું મોટું સેન્ટર છે પૂર્વ જર્મની. સેક્સની-આનહાલ્ટ પ્રાંત એ જ પૂર્વ જર્મનીનો ભાગ છે. 1990માં બર્લિનની દીવાલ તૂટી ત્યારે જર્મની એક થયું હતું પણ જર્મનીમાં વિકાસનો લાભ પૂર્વની જગ્યાએ પશ્ચિમ જર્મની પૂરતો જ રહ્યો. આજે પણ પૂર્વના રાજ્યોમાં ભારે બેરોજગારી અને નાખુશી છે. સિગમન્ડ આ વાત બરોબર જાણે છે માટે જ તે આ નસ દબાવી રહ્યા છે. પુતિનના કબજાથી યુરોપના બૂરા હાલ આપણે સૌ જાણીએ છીએ કે જર્મનનીને યુરોપનું ગ્રોથ એન્જિન કહેવાય છે. જો કે યુક્રેન યુદ્ધ પછી આ એન્જિન ખોટવાયેલું પડ્યું છે. પહેલાની વાત કરીએ તે તેની ઈકોનોમી રશિયાના સસ્તા ગેસ, ચીનનું વિશાળ માર્કેટ અને પોતાની વર્લ્ડ ક્લાસ એન્જિનિયરિંગ પર ટકેલી હતી. યુક્રેન યુદ્ધ પછી રશિયાનો ગેસ બંધ થયો અને જર્મની સહિત મોટા ભાગના યુરોપની દશા બેઠી. જર્મનીમાં ગેસના ભાવ આસમાને પહોંચ્યા, અધૂરામાં પૂરું ચીનની સસ્તી ઈલેક્ટ્રીક કારે જર્મન ઓટોમોબાઈલને બાનમાં લીધું. રિઝલ્ટ એ આવ્યું કે ફોક્સ વેગન જેવી જર્મનીની શાન ગણાતી કંપની ઈતિહાસમાં પહેલીવાર પોતાના જ દેશમાં ફેક્ટરીઓ બંધ કરવા મજબૂર બની છે. ગ્રોથ રેટ પણ ગોથા ખાય છે. એક બાજુ જર્મની ભીંસમાં છે અને બીજી બાજુ તે યુક્રેન પર યુરોનો વરસાદ કરી રહ્યું છે, આના પર જ સિગમન્ડે હથોડો માર્યો. યુક્રેન પર યુરોનો વરસાદ કરતું જર્મની તમે જે આંકડા વાંચ્યા તેનો જ ઉપયોગ સિગમન્ડ પોતાની રાજનીતિ ચમકાવવા કરી રહ્યા છે. તેઓ કહી રહ્યા છે કે, તમારી સરકાર તમારા ટેક્સના પૈસા યુક્રેનની બોર્ડર પર આગમાં હોમી રહી છે, જ્યારે તમારે શિયાળામાં ઘર ગરમ કે ઉનાળામાં ઠંડુ રાખવા માટે પણ વિચાર કરવો પડે છે. આવી ઈમોશનલ વાતોના કારણો લોકો સિગમન્ડની બાજુ વળી રહ્યા છે. જો કે કહેવાય છે કે આ ગેમ ખાલી ચૂંટણી જીતવા માટે જ નથી પણ પોલિટિકલ સિસ્ટમને હેક કરવા માટે પણ છે. જર્મનીના ટુકડા કરવાનો પુતિનનો પ્લાન જેનો સૌથી મોટો ફાયદો છે, પુતિન અને રશિયાને. મોસ્કો બહુ સારી રીતે જાણે છે કે સિગમન્ડ આવતીકાલે જર્મનીનો મોટો નેતા બની જશે, પણ રશિયાને તેની પણ જરૂર નથી. પુતિનનો ટાર્ગેટ જર્મનીની અંદર ભાગલા પડાવવાનો છે એવું જર્મનીના રાજકીય નિષ્ણાતોનું માનવું છે. જો જર્મનીની સંસદમાં યુક્રેનને અપાતી મદદ મામલે રોજ બબાલ થાય અને સરકાર ભોંઠી પડે તો જર્મનીના હથિયાર યુક્રેન ન પહોંચે. અને જો આવું થાય તો યુરોપના સૌથી મોટા પંડરના હાથ ખેંચાય જાય તો યુક્રેન ધડામ દઈને ભોંય ભેગું થઈ જાય. જર્મનીની મદદ રોકવાનો આ જ પુતિનનો માસ્ટર પ્લાન છે. જર્મનીના રાજકારણથી ભારતમાં ભણકારા એવામાં આપણને એ સવાલ પણ થાય કે જે કંઈ પણ થઈ રહ્યું છે એ તો આપણા દેશથી હજારો કિલોમીટર દૂર થઈ રહ્યું છે. એનાથી આપણે શું ફાયદો? તો ભાઈ દુનિયામાં ક્યાંય પણ ખીલી ઠોકાય તો પણ ડિપ્લોમસીમાં તેની સીધી અસર પડે. જર્મનીમાં અત્યારે હજારો ભારતીય વિદ્યાર્થીઓ અને આઈટી પ્રોફેશનલ્સ રહે છે. જો અમેરિકા ફર્સ્ટની જેમ જર્મન ફર્સ્ટ જેવી નેશનલ નીતિઓ લાગુ પડવા લાગે તો વિદ્યાર્થીઓ અને પ્રોફેશનલ્સનો તો પરસેવો છૂટી જાય. વિઝા, વર્ક વિઝા, પીઆર જેવા નિયમો પણ રાતોરાત બદલાઈ જાય. આટલું જ નહીં યુરોપનું સપ્લાય ચેઈન પણ ખોરવાય, ઉપરથી આપણે હમણાં જ યુરોપિયન યુનિયન સાથે ફ્રી ટ્રેડ એગ્રિમેન્ટ કર્યો છે. ટૂંકમાં ભારતનો વેપાર ખોરવાવાના પણ ચાન્સ રહે. શું જર્મની રશિયાના ખેમામાં જતું રહેશે? ઈનશોર્ટ, આ ચૂંટણીના રિઝલ્ટ્સ ખાલી ટ્રેલર છે, અસલી પિક્ચર તો પછી નજરે પડશે. જો સિગમન્ડ શક્તિશાળી બને અને જર્મની પર રાજ કરવા લાગે તો પોતાની પ્રો રશિયાવાળી પોલિસીના કારણે જર્મની રશિયાના ખેમામાં પણ જતું રહે. જો આવું થાય તો યુરોપને મોટો બેઠો માર પડે કારણ કે અગાઉ આપણે વાત કરી જ છે કે જર્મની યુરોપનું ગ્રોથ એન્જિન છે. બીજી વાત આખી દુનિયાને એ છે કે શું સિગમન્ડ નવો હિટલર બનશે? ટૂંક સમયમાં આ કોયડાનો પણ ઉકેલ આપણને મળી જશે. અને છેલ્લે… અમેકાની મનાઇ છતાં રશિયાએ આર્કટિકમાં ઓઇલ કાઢવાનું શરૂ કર્યું છે. વર્ષે કરોડો ટન ઓઇલ કાઢવાનો પુતિનનો ટાર્ગેટ છે. મજાની વાત એ છે કે આ પ્રોજેક્ટમાં ભારતની ભાગીદારી 50% છે. આનાથી ભારતને ભરપૂર ઓઇલ મળશે અને રૂપિયા પણ. પરંતુ સદી પાર કરેલું પેટ્રોલ સસ્તું થશે એ કહેવું મુશ્કેલ છે. સોમવારથી શુક્રવાર સાંજે સાત વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ. આવતીકાલે ફરી મળીશું, નમસ્કાર. (રિસર્ચઃ સમીર પરમાર | Samir Parmar)
જર્મનીના નવા હિટલરે દુનિયા ધ્રૂજાવી:કટ્ટરવાદી અને સ્કૂટર પર ફરનાર યુવાને ઊથલપાથલ મચાવી, બીજા વિશ્વયુદ્ધ પછી ફરી નાઝી યુગના ભણકારા
📅 Published: September 9, 2026 |
📂 Category: gujarati-news
