Traffic Rules: ટ્રાફિક નિયમ તોડનારાઓ સાવધાન!, લાયસન્સ અને RC માટે આવી રહી છે નવી પોઈન્ટ સિસ્ટમ

📅 Published: September 9, 2026 | 📂 Category: Business

Traffic Rules: રસ્તા પર વાહન ચલાવતી વખતે જો તમે વારંવાર ટ્રાફિકના નિયમો તોડો છો તો હવે માત્ર ચલણ ભરવાથી કામ નહીં ચાલે. કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ એક નવી સિસ્ટમની જાહેરાત કરી છે, જે નિયમ તોડનારા લોકોની મુશ્કેલી વધારી શકે છે. સરકાર નેગેટિવ પોઈન્ટ સિસ્ટમ લાવવાની તૈયારી કરી રહી છે. આ સિસ્ટમ લાગુ થયા બાદ તમારી દરેક ભૂલ બદલ ડ્રાઈવિંગ લાયસન્સ અને વાહનની RC (રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ)માંથી પોઈન્ટ કપાશે. 66મા SIAM વાર્ષિક કન્વેન્શનમાં ગડકરીએ કહ્યું કે દેશમાં માર્ગ અકસ્માતો રોકવા માટે સરકાર હવે કડક પગલાં લેવા જઈ રહી છે.

નવું પોઈન્ટ સિસ્ટમ કેવી રીતે કામ કરશે?

નીતિન ગડકરીના જણાવ્યા અનુસાર, તેમનું મંત્રાલય ડ્રાઈવિંગ લાયસન્સ અને વાહનની RC માટે ગ્રેડેડ પોઈન્ટ સિસ્ટમ શરૂ કરવાની યોજના બનાવી રહ્યું છે. નવી વ્યવસ્થા હેઠળ કોઈ ડ્રાઈવર ટ્રાફિક નિયમ તોડશે ત્યારે તેના લાયસન્સમાંથી પોઈન્ટ કપાશે. જ્યારે કપાયેલા પોઈન્ટ નક્કી કરેલી મર્યાદા કરતાં વધી જશે ત્યારે ટ્રાફિક પોલીસ અથવા વહીવટી તંત્રને તે વ્યક્તિનું લાયસન્સ સસ્પેન્ડ અથવા કાયમી ધોરણે રદ કરવાની સત્તા મળી શકે છે. એટલે કે હવે વારંવાર નિયમો તોડીને બેદરકારીપૂર્વક વાહન ચલાવવું મુશ્કેલ બની શકે છે.

સારા ડ્રાઈવરોને ઈનામ આપવામાં આવશે

નવી સિસ્ટમ માત્ર સજા આપવા માટે નહીં હોય. રસ્તા પર જવાબદારીપૂર્વક અને સમજદારીથી વાહન ચલાવતા લોકોને તેનો સીધો લાભ મળી શકે છે. ગડકરીએ જણાવ્યું કે સારો ડ્રાઈવિંગ રેકોર્ડ ધરાવતા લોકોને ઈનામ પણ આપવામાં આવી શકે છે. આવા ડ્રાઈવરોને વીમા કંપનીઓ તરફથી પ્રીમિયમમાં છૂટ અથવા અન્ય નાણાકીય લાભ મળી શકે છે. સરકારનો હેતુ સારા અને ખરાબ ડ્રાઈવરો વચ્ચે તફાવત કરવાનો છે. વારંવાર નિયમો તોડનારા લોકો પર ભારે દંડની કાર્યવાહી થઈ શકે છે.

જૂની BS-IV ગાડીઓ માટે પણ મોટું એલાન

આ કાર્યક્રમમાં નીતિન ગડકરીએ જૂની BS-IV ગાડીઓને લઈને પણ મહત્વની માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે સરકાર એક નવું એમિશન કંટ્રોલ ડિવાઇસ લાવવાની તૈયારી કરી રહી છે. તેની કિંમત આશરે 4,000થી 5,000 રૂપિયા વચ્ચે હોઈ શકે છે. આ ડિવાઇસના ટ્રાયલ પૂર્ણ થઈ ગયા છે. તેને જૂની ગાડીઓમાં લગાવ્યા બાદ તેમાંથી નીકળતા ધુમાડાનું ઉત્સર્જન નવા BS-VI સ્તર જેટલું થઈ શકે છે.

1,600 નવા ડ્રાઈવિંગ ટ્રેનિંગ સેન્ટર

રસ્તા અકસ્માતો અંગે ચિંતા વ્યક્ત કરતાં ગડકરીએ કહ્યું કે દેશમાં દર વર્ષે આશરે 5 લાખ માર્ગ અકસ્માતો થાય છે, જેમાં 1.80 લાખ લોકોનાં મોત થાય છે. મૃત્યુ પામનારાઓમાં સૌથી વધુ લોકો 18થી 36 વર્ષની ઉંમરના યુવાનો હોય છે. આ મૃત્યુ ઘટાડવા માટે સરકાર ઓક્ટોબર 2027થી ભારત NCAP 2.0 લાગુ કરવાની તૈયારી કરી રહી છે. તેના હેઠળ વાહનની સુરક્ષા સાથે જોડાયેલી સમગ્ર પ્રક્રિયાનું કડક મૂલ્યાંકન કરવામાં આવશે. દેશભરમાં ડ્રાઈવરોને વધુ સારી તાલીમ આપવા માટે 1,600 નવા ડ્રાઈવિંગ ટ્રેનિંગ સેન્ટર ખોલવામાં આવી રહ્યા છે. તેમાંથી 24 સેન્ટરે કામ શરૂ કરી દીધું છે, જ્યારે અન્ય 112 સેન્ટર પર હાલમાં કામ ચાલી રહ્યું છે.

ભારત બન્યું ત્રીજું સૌથી મોટું પેસેન્જર વાહન બજાર

ગડકરીએ વધુમાં જણાવ્યું કે ભારત હવે વિશ્વનું ત્રીજું સૌથી મોટું પેસેન્જર વ્હીકલ માર્કેટ બની ગયું છે. ગ્લોબલ NCAPની સરખામણીમાં ભારતમાં વાહનોનું ટેસ્ટિંગ ઘણું સસ્તું છે. ગ્લોબલ ટેસ્ટિંગમાં જ્યાં આશરે 2.5 કરોડ રૂપિયાનો ખર્ચ થાય છે, ત્યાં ભારતમાં આ કામ ખૂબ ઓછા ખર્ચે થઈ જાય છે.

આ પણ વાંચો: પોલીસે ડીટેઈન કરેલી સ્કોર્પિયો કારને છોડાવવા માટે આરટીઓ કચેરીમાં પોલીસનો નકલી મેમો રજૂ કરાયો હોવાનો ઘટસ્ફોટ, પોલીસ તપાસ શરુ


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *