ક્રિકેટના 'ગૉડ' સચિન તેંડુલકરનું રિયલ એસ્ટેટમાં મોટું રોકાણ, 70 કરોડની આલીશાન જમીન ખરીદી

📅 Published: September 9, 2026 | 📂 Category: cricket

ક્રિકેટ જગતના મહાન ખેલાડી સચિન તેંડુલકરે લોનાવલામાં અંદાજે 70 કરોડની કિંમતની જમીન ખરીદીને પોતાની પ્રોપર્ટી લિસ્ટમાં વધુ એક મિલકતનો ઉમેરો કર્યો છે. એક રિપોર્ટ અનુસાર, સચિને 4 સપ્ટેમ્બર 2026ના રોજ લોનાવલાના માવળ તાલુકામાં ત્રણ અલગ દસ્તાવેજો દ્વારા 3.86 એકર જમીન ખરીદી છે. આ સમગ્ર ડીલ કુલ 70 કરોડની થઇ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જેમાં 3.09 એકર જમીન માટે  63.69 કરોડ, બીજી જમીન માટે 4.56 કરોડ અને ત્રીજી જમીન માટે 1.75 કરોડ ચૂકવવામાં આવ્યા છે. આ ત્રીજી જમીન પર અંદાજે 2100 ચોરસ ફૂટનું બાંધકામ થયેલુ છે.

3.09 એકરની જમીનનો એકમાત્ર માલિક સચિન તેંડુલકર

સત્તાવાર દસ્તાવેજો મુજબ, સૌથી મોટા 3.09 એકરની જમીનના એકમાત્ર માલિક સચિન તેંડુલકર પોતે છે. જ્યારે બાકીની બે જમીનમાં તેમની 50 ટકા ભાગીદારી છે. આ પ્રોપર્ટી નંદન ધનંજય મહેતા અને વિસ્વત ધનંજય મહેતા પાસેથી ખરીદવામાં આવી છે. આ રિયલ એસ્ટેટ ડીલ માટે અંદાજે 4.20 કરોડની સ્ટેમ્પ ડ્યુટી અને 90000 ની રજીસ્ટ્રેશન ફી ચૂકવવામાં આવી છે.

મુંબઈમાં પ્રાઇમ લોકેશન્સ પર પણ આલીશાન પ્રોપર્ટીઝ

લોનાવલા ખાતે ખરીદેલી આ નવી મિલકત ઉપરાંત સચિન તેંડુલકર મુંબઈના ઘણા પ્રાઇમ લોકેશન્સ પર પણ આલીશાન પ્રોપર્ટીઝ ધરાવે છે. તે હાલમાં મુંબઈના બાંદ્રા વેસ્ટમાં દરિયાકિનારે આવેલો તેના ભવ્ય ‘દોરાબ વિલા’માં રહે છે. આ પાંચ માળનો આલીશાન બંગલો અંદાજે 6000 ચોરસ ફૂટમાં ફેલાયેલો છે, જેને તેણે 2007માં આશરે 39 કરોડમાં ખરીદ્યો હતો.

ભારતનો સૌથી ધનિક ક્રિકેટર 

આ સિવાય પણ તેણે મુંબઈની આસપાસના વિસ્તારો તેમજ હિલ સ્ટેશન્સમાં અનેક રહેણાંક અને કમર્શિયલ પ્રોપર્ટીઝમાં રોકાણ કરેલું છે. અંદાજે 17 કરોડ ડૉલર (આશરે 1400+ કરોડ)ની નેટવર્થ સાથે સચિને વર્ષ 2026માં ભારતના સૌથી ધનિક ક્રિકેટર તરીકેનું સ્થાન જાળવી રાખ્યું છે, જેમાં રિયલ એસ્ટેટ પોર્ટફોલિયોનો મોટો હિસ્સો છે. મુંબઈ અને પુણે વચ્ચે આવેલું લોનાવલા શાનદાર હિલસ્ટેશન અને કનેક્ટિવિટી અને શાંત વાતાવરણના કારણે બોલીવુડ સેલિબ્રિટીઝ અને સ્પોર્ટ્સ સ્ટાર્સનું મનપસંદ સ્થળ રહ્યું છે. નિષ્ણાતોના મતે સચિને આ જમીન વિકેન્ડ ગેટઅવે તરીકે સમય વિતાવવા અથવા તો લાંબા ગાળાના પ્રોપર્ટી ઈન્વેસ્ટમેન્ટના હેતુથી ખરીદી હોઈ શકે છે, કારણ કે આ વિસ્તારમાં રિયલ એસ્ટેટના ભાવ સતત આસમાને પહોંચી રહ્યા છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *