SD Appએ અનેકને રડાવ્યા, કૌભાંડ 635 કરોડથી વધી શકે:ભાસ્કર માસ્ટર માઇન્ડ ધવલ પટેલના ઘર-ઓફિસ પહોંચ્યું, વર્ચ્યુઅલ બેંક ઉભી કરી રાજસ્થાન-એમપી સુધી રેકેટ

📅 Published: September 9, 2026 | 📂 Category: gujarati-news

અમરેલી પોલીસે ગુજરાતના સૌથી મોટા સાયબર ફ્રોડ નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. SD Pay અને Apna Pay નામની મોબાઈલ એપ્લિકેશન દ્વારા રોકાણ પર દૈનિક ઊંચા વળતરની લાલચ આપીને 635 કરોડથી વધુનું કૌભાંડ કર્યું હોવાનો ઘટસ્ફોટ થયો છે. આ મામલે અમરેલી પોલીસે 6 આરોપીની ધરપકડ કરી છે જ્યારે મુખ્ય આરોપી મહેસાણા જિલ્લાના જોટાણાનો ધવલ પટેલ ફરાર છે. ઘટનાની ગંભીરતા અને વ્યાપ જોતા ભાસ્કરે પણ આ કેસમાં પેરેલલ ઇન્વેસ્ટિગેશન કર્યું. ભાસ્કર રિપોર્ટર જયદેવ વરુએ આ મામલે અમરેલી SP સાથે વાત કરી કૌભાંડના મૂળ સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો તો મહેસાણાના રિપોર્ટર અપૂર્વ રાવળ મુખ્ય આરોપી ધવલ પટેલની તે ઓફિસ કે જ્યાંથી આ મસમોટું કૌભાંડ આચરવા માટેે પ્રથમ ઓફિસ રજિસ્ટર્ડ થઈ હતી તે સરનામે અને ઘરે પહોંચ્યા હતા. તો ગાંધીનગરના રિપોર્ટર દિપક શ્રીમાળી ગાંધીનગરમાં રજિસ્ટર્ડ ઓફિસે પહોંચ્યા હતા. ભાસ્કરના પેરેલલ ઇન્વેસ્ટિગેશનમાં ખૂબજ ચોંકાવનારી વિગતો સામે આવી. આ મસમોટું કૌભાંડ માત્ર ગુજરાત જ નહીં, પરંતુ રાજસ્થાન, મધ્યપ્રદેશ સહિતના આસપાસના રાજ્યોમાં પણ ફેલાયેલું છે. સાથે જ અત્યાર સુધીમાં 635 કરોડ રૂપિયાથી વધુની છેતરપિંડીની વાત સામે આવી છે, પરંતુ આ મામલે તપાસ આગળ વધતા કૌભાંડનો આંકડો ખૂબજ મોટો અને ચોંકાવનારો હોઈ શકે છે અને શક્ય છે કે આ મામલે SMC તથા કેન્દ્રીય એજન્સીઓ પણ તપાસમાં જોડાઈ શકે. તો આવો ગુજરાતના સૌથી મોટા સાયબર ફ્રોડ કૌભાંડની વિગતે વાત કરીએ. ‘બે મહિના પહેલા મળેલી અરજીથી તપાસ શરૂ’
આ સમગ્ર કૌભાંડ અંગે દિવ્ય ભાસ્કરે અમરેલી ASP જયવીર ગઢવી સાથે વાતચીત કરી હતી, જેમાં તેમણે કૌભાંડ આચરવામાં આરોપીઓની મોડસ ઓપરેન્ડી, કૌભાંડની તપાસ, આરોપીઓનું બેકગ્રાઉન્ડ સહિતની વિગતો જણાવી હતી. અમરેલી સિટી પોલીસ સ્ટેશનમાં આશરે બે મહિના પહેલા કેટલાક અરજદારો અરજી લઈને પહોંચ્યા હતા. અરજદારોના જણાવ્યા મુજબ તેમણે SD Pay એપમાં લાખો રૂપિયા રોકાણ કર્યા હતા અને તેમને દરરોજ આશરે 0.15 ટકા કે તેથી વધુ વળતર આપવાની સ્કીમ બતાવવામાં આવી હતી. જોકે, પૈસા ઉપાડવાનો પ્રયાસ કરતાં વિથડ્રોઅલ થઈ શકતું ન હતું. ‘માર્ચ 2026થી મોટી સંખ્યામાં રોકાણકારોના પેમેન્ટ અને વિથડ્રોઅલ અટક્યા’
પોલીસે અરજીના આધારે તપાસ હાથ ધરતા એપ્લિકેશનના પ્લે સ્ટોર પર 10 લાખથી વધુ ડાઉનલોડ્સ હોવાનું સામે આવ્યું હતું. વધુ તપાસમાં તેના યુઝર્સની સંખ્યા પણ લાખોમાં હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસના જણાવ્યા મુજબ માર્ચ 2026થી મોટી સંખ્યામાં રોકાણકારોના પેમેન્ટ અને વિથડ્રોઅલ અટકી ગયા હતા. રિચાર્જ, લાઇટ બિલ પેમેન્ટ, IMPS મારફતે નાણાં ઉપાડવાની સુવિધા આપી વિશ્વાસ જીત્યો
આરોપીઓએ એપને માત્ર રોકાણ માટેની એપ તરીકે નહીં, પરંતુ Google Pay અને PhonePeના વિકલ્પ તરીકે પણ રજૂ કરી હતી. એપ મારફતે મોબાઈલ રિચાર્જ, લાઇટ બિલ પેમેન્ટ અને IMPS મારફતે નાણાં ઉપાડવાની સુવિધા હોવાનો દાવો કરવામાં આવતો હતો. આ સુવિધાઓના કારણે લોકોમાં એપ પ્રત્યે વિશ્વાસ ઊભો કરવામાં આવ્યો અને ત્યારબાદ રોકાણ માટે પ્રોત્સાહિત કરવામાં આવતા હોવાનું પોલીસનું કહેવું છે. વધુ રોકાણ સામે વધુ વ્યાજની લાલચની મોડસ ઓપરેન્ડી
ASP જયવીર ગઢવીના જણાવ્યા મુજબ આરોપીઓની મોડસ ઓપરેન્ડી એવી હતી કે શરૂઆતમાં નાની રકમનું રોકાણ કરનારને પણ દૈનિક વળતર આપવાની વાત કરવામાં આવતી હતી. ઉદાહરણ તરીકે, રૂ.1,000ના રોકાણ પર એક દિવસનું આશરે રૂ.1.50 વળતર અને રૂ.25 હજારથી રૂ.1 લાખ સુધીના રોકાણ પર વધુ વળતર આપવાની સ્કીમ દર્શાવવામાં આવતી હતી. રોકાણની રકમ જેટલી વધારે, તેટલું વધુ વ્યાજ મળવાની લાલચ આપવામાં આવતી હતી. શરૂઆતમાં એપમાં ટ્રાન્સફર અને બેન્ક વિથડ્રોઅલ જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ હોવાથી લોકો વધુ રકમ રોકાણ કરતા ગયા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. છ આરોપીઓની ધરપકડ, તપાસ માટે SITની રચના
પોલીસે અત્યાર સુધીમાં છ આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા મુજબ ધવલ પટેલે નીરવ પટેલને કેટલીક કંપનીઓમાં ડિરેક્ટર બનાવ્યો હતો. આ ઉપરાંત સૂર્યસિંહ રાઠોડ સહિત અન્ય આરોપીઓ પણ કંપનીઓમાં ડિરેક્ટર તરીકે જોડાયેલા હોવાનું તપાસમાં સામે આવ્યું છે. નાણાકીય વ્યવહારો અને કંપનીઓમાં તેમની ભૂમિકાના આધારે પુરાવા એકત્ર કરી ધરપકડ કરવામાં આવી છે. અમરેલી SPએ સમગ્ર કેસની તપાસ માટે SITની રચના કરી છે. તપાસના અલગ-અલગ પાસાં માટે PI અને PSIની ટીમો બનાવવામાં આવી છે. હાલમાં અમરેલી સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન ખાતે નાણાકીય વ્યવહારો સહિત તમામ પાસાંની તપાસ ચાલી રહી છે. સેમિનાર યોજી લોકોને એપમાં રોકાણ માટે સમજાવતા
પોલીસ તપાસમાં એવી પણ વિગતો સામે આવી છે કે આરોપીઓ દ્વારા અલગ-અલગ સ્થળોએ SD Pay અંગે સેમિનાર યોજવામાં આવતા હતા. આ સેમિનારમાં લોકોને એપની કામગીરી અને રોકાણથી મળનારા વળતર અંગે સમજાવવામાં આવતું હતું. પોલીસને મળેલા પુરાવા અને આરોપીઓની ભૂમિકાના આધારે તેમની ધરપકડ કરવામાં આવી હોવાનું ASP જયવીર ગઢવીએ જણાવ્યું છે. અન્ય રાજ્યોમાંથી પણ ફરિયાદો આવવાની શરૂઆત
પોલીસના જણાવ્યા મુજબ અત્યાર સુધી તપાસ દરમિયાન જે બેન્ક એકાઉન્ટ્સ મળ્યા છે, તેમના ટ્રાન્ઝેક્શનની વિગતોના આધારે રૂ.635 કરોડની છેતરપિંડીનો આંકડો સામે આવ્યો છે. જોકે, આ આંકડો હજુ વધી શકે છે. ભાસ્કર રિપોર્ટર જ્યારે આ બાબતે અમરેલી ASP સાથે વાત કરતા હતા તેે દરમિયાન જ એક નાગરિકનો ફરિયાદ કરવા ફોન આવ્યો હતો. ભાસ્કર રિપોર્ટરે પૂર્વ મંજૂરીથી ફરિયાદી અને ASP વચ્ચેની થોડી વાતચીતને રેકોર્ડ કરી હતી. તેના અંશો નીચે મુજબ છે. નાગરિક: SD Pay એપમાં અમારા પણ 2.50 લાખ ફસાયેલા છે. પોલીસ: ઓકે, ઓકે. આપે કોના રેફરન્સથી ઇન્વેસ્ટ કર્યું હતું આનામાં? નાગરિક: હા, એક શૈલેષભાઈ કરીને છે અમારે. પોલીસ: એ આપના શું થાય? નાગરિક: એ કાંઈ નથી થતા, સગા નથી થતા પણ એમનેમ જ ઓળખીએ છીએ. પોલીસ: કાંઈ વાંધો નહીં. તો આપ અથવા આપની જોડે જે બીજા લોકોને પણ આવી રીતના જે ફ્રોડ થયું હોય, તો અમરેલી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન આવીને આપનું સ્ટેટમેન્ટ લખાવી જાઓ ? અને તમે કેવી રીતના આનામાં પે કર્યું હતું? કોઈ ડિજિટલ ટ્રાન્ઝેક્શન છે અથવા બીજું કંઈ? તો એનું પણ રેકોર્ડ અમને આપજો. અમરેલીના ભાસ્કર રિપોર્ટરે કૌભાંડના મુખ્ય આરોપી મહેસાણા જિલ્લાના જોટાણાના ધવલ પટેલ અંગે માહિતી આપતા જ અમે મહેસાણાના ભાસ્કર રિપોર્ટરને એક્ટિવ કર્યા. અમે રિપોર્ટરને આ કૌભાંડની શરૂઆત જ્યાંથી થઈ તે રજિસ્ટર્ડ ઓફિસ મોકલ્યા. તો ગાંધીનગરના રિપોર્ટરને ગાંધીનગરમાં રજિસ્ટર્ડ ઓફિસે મોકલ્યા. ભાસ્કર રિપોર્ટર S-27, એસ ક્યૂબ કોમ્પલેક્સ, રાધનપુર રોડ, મહેસાણા પહોંચતાં જ ત્યાં અન્ય કોઈ વ્યક્તિની ઓફિસ હોવાનું સામે આવ્યું, પરંતુ ત્યાં મુખ્ય આરોપી ધવલ પટેલની ઓફિસનું બિસ્માર બોર્ડ પણ પડેલું હતું. તે ઓફિસ ચલાવતા વ્યક્તિએ નામ ન આપવાની શરતે જણાવ્યું કે અહીંયા હાલ અમે ભાડે દુકાન ચલાવીએ છીએ. અહીં રોજના ત્રણ-ચાર લોકો એસડી પેના નામથી પૂછપરછ કરવા આવી રહ્યા છે. એક વર્ષ અગાઉ જ SD પેની ઓફિસ જે ભાડે હતી એ ખાલી કરવામાં આવી હતી. ત્યારબાદ અવારનવાર લોકો અહીં પૂછપરછ માટે આવી રહ્યા છે. કોઈ દિલ્હીથી તો કોઈ રાજસ્થાનથી આ દુકાનમાં પૂછપરછ માટે આવી રહ્યા છે. સાથે જ ભાસ્કર રિપોર્ટર આરોપી ધવલ પટેલના ઘરે મહેસાણા પાસે આવેલા માકણજ ગામ પહોંચ્યા હતા જ્યાં ઘરે વૃદ્ધ માતા પિતા રહે છે. તેમને વાતચીત કરવાની ના પાડી હતી. ગાંધીનગરમાં રજિસ્ટર્ડ ઓફિસ B- FF507 વૃંદાવન ટ્રેડ સેન્ટર, કુડાસણમાં રિપોર્ટર પહોંચ્યા ત્યારે ગ્રાઉન્ડ ફ્લોર પર એસડી હબ પા. લિમિટેડનું બોર્ડ જોવા મળ્યુ, પરંતુ ઓફિસે પહોંચતાં ત્યાં અન્ય ઓફિસ કાર્યરત હોવાનું સામે આવ્યું. રોકાણના ફાયદા દર્શાવતા બ્રોશર વાઇરલ કરતા આ ઈન્વેસ્ટિગેશન દરમિયાન આરોપી સામે થયેલી કેટલીક FIR પણ ભાસ્કરના હાથે લાગી જેનાથી ગુનાની ગંભીરતા છતી થાય છે. તો આવો હવેે એવી 3 FIR વિશે જાણીએ અને આરોપીઓની એમઓ જાણીએ. પ્રથમ કિસ્સો સાવરકુંડલાના એક મહિલા ફરિયાદીએ અમરેલી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી કે જાન્યુઆરી, 2026માં તેના પતિના મિત્રએ જણાવ્યું કે, તેઓ છેલ્લા ત્રણ મહિનાથી SD Pay એપમાં રોકાણ કરે છે અને તેના બદલે મહિને 9 ટકા રિટર્ન મળે છે. આ એપમાં ગૂગલ પે તથા ફોન-પે જેવી રીતે મોબાઇલ રિચાર્જ, બિલ પેમેન્ટ, ટિકિટ બુકિંગ, રૂપિયા ટ્રાન્સફર વગેરે સુવિધાઓ પણ ઉપલબ્ધ હોવાનું જણાવ્યું હતું. તેમજ પોતાની નીચે અન્યને જોડીને SD Payમાં રોકાણ કરાવીએ તો, નીચે જોડાયેલા લોકોના પ્રોફિટમાં 30 ટકા ભાગ મળે છે. આ રીતે અલગ-અલગ રકમના રોકાણ પર અલગ-અલગ ટકાવારી મુજબ વળતર મળે છે. તેમજ ઓછામાં ઓછા રૂ.1,000નું રોકાણ કરીને પણ આ એપ શરૂ કરી શકાય છે. જ્યારે પૈસાની જરૂર હોય ત્યારે પોતાના બેંક ખાતામાં રૂપિયા વિથડ્રો કરી શકાય છે. આ અંગે કેવી રીતે જાણ થઈ તે વિશે પૂછતા પતિના મિત્રએ જણાવ્યું કે તેના સુરતમાં રહેતા મામા એક વર્ષ કરતાં વધુ સમયથી આ એપનો ઉપયોગ કરે છે અને તેની નીચે ઘણા લોકોને જોડેલા છે. અહીં આવતા મારા પતિએ તેની સાથે મુલાકાત કરતા તેમને SD Pay બાબતે સમજાવી બ્રોશર આપ્યું હતું.જેમાં એપમાં મળતી વિવિધ સેવા, કેશબેક, સ્પોન્સર ઈન્કમ, લેવલ ઈન્કમની ટકાવારી દર્શાવી હતી. તેમણે જણાવ્યું કે, હાલમાં SD Payનું સંચાલન સુરતના આશિષ ગેડીયા તથા ભાવેશ ચૌહાણ કરે છે. તેઓ પ્રમોશન કરી અલગ-અલગ લોકોને તેમાં જોડે છે. ત્યારબાદ મારા પતિએ મારા મોબાઇલમાં SD Pay ઇન્સ્ટોલ કરી અને તેના SD Pay એકાઉન્ટમાંથી રૂ.1,000 ટ્રાન્સફર કર્યા હતા. તેમજ સસરાના મોબાઇલ ફોનમાં પણ આ એપ ઇન્સ્ટોલ કરી તેમાં પણ રૂ.1,000 ટ્રાન્સફર કર્યા હતા. ત્યારબાદ સારું રિટર્ન તથા મોબાઇલ રિચાર્જ, બિલ પેમેન્ટ વગેરે સુવિધા ઉપલબ્ધ હોવાથી અમે આ એપ્લિકેશનનો ઉપયોગ કરતા હતા. મારા પતિએ 2 ફેબ્રુઆરી, 2026એ મારા મોબાઇલમાં SD Pay મારફતે એક વર્ચ્યુઅલ બેંક એકાઉન્ટ બનાવ્યું અને મારા HDFC બેંકના ખાતામાંથી રૂ.5,00,000 RTGSથી વર્ચ્યુઅલ એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા. જેથી મારી રૂ. 5,00,000ની રકમ જમા હતી. બે દિવસ પછી મારા સસરાના મોબાઇલમાં પણ આ એપ મારફતે તેના HDFC બેંકના ખાતામાંથી રૂ.5 લાખ RTGS કરી જમા કરાવ્યા હતા અને તેની એપ્લિકેશનમાં પણ આ રકમ જમા બતાવતી હતી. આમ મારા તથા મારા સસરાના મળી કુલ રૂ.10 લાખનું રોકાણ કર્યું હતું. આ રકમ પર રોજ સારું રિટર્ન દર્શાવાતું હતું. જ્યારે રૂપિયા વિથડ્રો કરવાની જરૂર હોય ત્યારે એપમાંથી બેંક ખાતામાં રૂપિયા વિથડ્રો કરવાની સુવિધા પણ હતી. થોડા સમય પછી SD Payનું નામ Apna Pay કરી દીધું. ત્યારબાદ બેંકમાંથી રૂપિયા વિથડ્રોની સુવિધા બંધ થઈ ગઈ. માર્ચ, 2026થી આ એપમાં મોબાઇલ રિચાર્જ, બિલ પેમેન્ટ, IMPS જેવી સેવા પણ બંધ થઇ. આ બાબતે મારા પતિ અવારનવાર ગૌતમભાઈને સુવિધાઓ બંધ થવા અંગે પૂછપરછ કરતા. આરોપીઓએ જણાવ્યું કે હાલ કેટલીક સુવિધાઓ શરૂ કરવાની પરવાનગી બાકી છે તથા એપ અપડેટ થઈ રહી હોવાથી આ સુવિધાઓ બંધ કરી છે. થોડા સમયમાં ફરી શરૂ થશે. અમારું રોકાણ તથા એપ્લિકેશનમાં દર્શાવલા અન્ય રિટર્ન સહિતની અમારી રકમ ફસાઈ ગઈ છે. આ બાબતે આરોપીઓએ 15 ઓગસ્ટ 2026એ તમામ સેવાઓ શરૂ થઈ જશે તેવી બાંહેધરી આપી તેમ છતાં આજ સુધી કોઈ સેવા શરૂ કરી નથી. બીજો કિસ્સો રાજસ્થાનના જયપુરના અરજદાર ભૂપેન્દ્રસિંહે સોશિયલ મીડિયા પર એસ.ડી. હબ ઓપીસી પ્રા.લિ. માટે એક જાહેરાત જોઈ. તેમાં રોકાણ યોજનાનું વર્ણન હતું. તેના વીડિયો જોયા પછી કંપની તરફથી ફોન અને મેસેજ મળવા લાગ્યા, જેમાં પૈસા રોકાણ કરવાનું કહેવામાં આવ્યું. આ આ કંપની છે, જે બિરલાસન રોડ પર, ડીસીએમ, અજમેર રોડ, જયપુર પાસે સ્થિત છે. કંપની તરફથી વારંવાર ફોન કોલ્સ અને મેસેજ મળતાં કંપનીના કર્મચારીઓએ જયપુર સ્થિત કંપનીની ઓફિસે બોલાવ્યો. જ્યારે અરજદાર ઓફિસમાં પહોંચ્યો ત્યારે બાબુલાલ નામનો કર્મચારી ઓફિસમાં હતો. તેણે આકર્ષક ઓફરોથી લલચાવી કહ્યું કે જો હું કંપનીમાં ₹5 લાખનું રોકાણ કરીશ, તો મને માસિક ₹1,20,000નો નફો અને ₹60,000 બોનસ મળશે. મેં પણ આ કંપની પાસેથી મળેલા નફામાંથી ઓડી અને ડિફેન્ડર જેવા વાહનો ખરીદ્યા હતા. 6 નવેમ્બર, 2024ના રોજ, મને લલચાવી તેણે કંપનીમાં મારું ખાતું ખોલાવ્યું. ₹1,100નું રોકાણ કર્યા પછી, કંપનીએ મને ફોન પે, ગૂગલ પે વગેરે જેવી જ SD પે માટે એકાઉન્ટ વોલેટ આપ્યું, જેના દ્વારા મને અને અન્ય લોકોને રોકાણ વિશે માહિતી આપવામાં આવી. કર્મચારી બાબુલાલે વિવિધ સ્થળોએ મીટિંગો યોજી અને લોકોને લલચાવી છેતરપિંડી કરી. કંપનીએ એક ઓફિસ ગાંધીનગરમાં, બીજી મહેસાણા અને ત્રીજી જયપુરના ચિત્રકૂટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં DCM અજમેર રોડ પર ખોલી હતી. મોટી રકમનું રોકાણ કરવાના નામે, આંગડિયાથી લાખોની રોકડ લીધી અને તે પૈસા એપ વોલેટમાં INR મની બેલેન્સ તરીકે ઉમેર્યા. વોલેટને રોકાણ કરેલી રકમ પર 5થી 25 ટકા માસિક નફો મળતો હતો. 12 એપ્રિલ 2026એ બાબુલાલના ડિફેન્ડર વાહનના સેલિબ્રેશન કરવા જયપુરના માનસરોવર સ્થિત દીપ સ્મૃતિ ઓડિટોરિયમ ખાતે એક મોટી મીટિંગ યોજાઈ હતી. કંપનીના ડિરેક્ટરો, ભાગીદારો, સહયોગી કર્મચારીઓ અને રોકાણકારો હાજર હતા. એક રોકાણ યોજના શરૂ કરતા એવી રજૂઆત કરી કે કંપની SD Pay એપનું નામ બદલી અપના પે કરી રહી છે, અને તેને RBIનું લાઇસન્સ મળ્યું છે. તેમણે અમને જણાવ્યું હતું કે રોકાણ પર આશરે 0.5% થી 1.5% દૈનિક નફો મેળવશે. કંપનીએ RBIમાં સિક્યોરિટી પેટે આશરે ₹2,000 કરોડ જમા કરાવ્યા છે. જેનાથી કંપનીમાં કરેલું રોકાણ 100% સુરક્ષિત છે. બાબુલાલ અને અન્ય વ્યક્તિઓ પર વિશ્વાસ કરી, મેં ચિત્રકૂટ પોલીસ સ્ટેશનના અજમેર રોડ પર તેની DCM ઓફિસની મુલાકાત લીધી અને વિવિધ સમયે કુલ આશરે ₹15 લાખનું રોકાણ કર્યું. મારા પરિચિત દિપેશ ગોયલ અને અન્ય પરિચિતો સહિત લગભગ 100-120 વ્યક્તિએ કંપનીમાં વિવિધ સમયે અંદાજે ₹15 થી 20 કરોડનું રોકાણ કર્યું છે. કેટલાક સમય સુધી, રોકાણ નફો કરતું રહ્યું અને વોલેટમાં દેખાતું હતું. બાબુલાલ અને અન્ય આરોપીઓએ મને અને અન્યને લાલચ આપી કંપનીમાં કરોડોનું રોકાણ કરાવ્યું. ત્યારબાદ 16 જૂન, 2026એ જ્યારે મેં મારા મોબાઇલ એપ વોલેટમાંથી મારા રોકાણ કરેલા ભંડોળ ઉપાડવાનો પ્રયાસ કર્યો, ત્યારે કંપનીએ વોલેટને લોક કરી બેંક ઉપાડ વિકલ્પ પણ બ્લોક કરી દીધો. જેનાથી ફંડની ઉચાપત થઈ. જ્યારે મેં અને અન્ય રોકાણકારોએ કંપનીના ડિરેક્ટરો અને ભાગીદારો બાબુલાલનો સંપર્ક કર્યો, ત્યારે તેણે ખાતરી આપી કે થોડા દિવસોમાં ટેકનિકલ ખામી દૂર થઈ જશે અને મારા પૈસા મળી જશે. જોકે, કંપનીના એપ વોલેટમાંથી કોઈ રકમ ઉપાડી નથી. વારંવાર સંપર્ક કરતા જણાવ્યું કે તેમણે નકલી કંપની દ્વારા સેંકડો લોકો પાસેથી કરોડો રૂપિયાની ઉચાપત કરી છે. “હવે, તમે જે ઇચ્છો તે કરી શકો છો; તમે અમને નુકસાન પહોંચાડી શકતા નથી. અમે દેશ છોડીને આ પૈસાનો ઉપયોગ નવી કંપની શરૂ કરવા માટે કરીશું.” હું કંપનીની ઓફિસમાં ગયો અને ત્યાં કોઈ મળ્યું નહીં; બધા ઓફિસ બંધ કરીને ભાગી ગયા હતા. મેં તેમના મોબાઇલ નંબર પર વારંવાર તેમનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેમાંથી કોઈનો સંપર્ક થઈ શક્યો નહીં. ત્રીજો કિસ્સો સુરતના કામરેજમાં કેટલ ફાર્મ અને ટેક્સટાઈલનો વ્યવસાય કરતા વેપારી ઉમેશ અનુપચંદ જૈને ગાંધીનગર CID ક્રાઈમમાં છેતરપિંડીની ફરિયાદ કરી છે. જેમાં વધુ વળતર અને નાણાં બમણા કે પાંચ ગણા કરી આપવાની લાલચ આપી રોકાણકારો સાથે છેતરપિંડી કરતી ટોળકી સામે ગુનો નોંધાયો છે. ફરિયાદ મુજબ, સેલવાસના સંતોષ કનૈયાલાલ પાઠક નામના નેટવર્ક માર્કેટિંગ લીડરે તેમનો સંપર્ક કર્યો હતો. તેણે શરૂઆતમાં વિવિધ મલ્ટી લેવલ માર્કેટિંગ અને ક્રિપ્ટો સ્કીમ્સ સમજાવ્યા બાદ ‘NFT PLACE’ અને ‘Sd pay’ એપની માહિતી આપી હતી. આરોપીઓએ દાવો કર્યો હતો કે ‘Sd pay’માં રોકાણ કરવાથી 90 દિવસમાં નાણાં પાંચ ગણા થશે અને ‘NFT PLATFORM’માં રોકાણ કરવાથી 222 દિવસમાં પાંચ ગણા થઈ જશે. સંતોષ પાઠકની બાંહેધરી બાદ ફરિયાદીએ મુંબઈના મિત્ર મારફતે આશરે 9,000 USDT ડોલર (અંદાજે રૂ. 8,10,000) આપી ક્રિપ્ટો વોલેટ એડ્રેસ પર ટ્રાન્સફર કર્યા હતા. રોજના 200 ડોલરની લાલચ આપી હાથ ઊંચા કરી દીધા
રોકાણ બાદ ફરિયાદીના આઈડી પર દૈનિક 200 ડોલર જમા થવાની વિગતો બતાવાતી હતી. પરંતુ જ્યારે ફરિયાદીએ રૂપિયા ઉપાડવા (વિથડ્રોલ કરવા) પ્રયાસ કર્યો, ત્યારે કંપની દ્વારા 25 એપ્રિલ પછી જ વિથડ્રોલ થશે તેમ કહી બહાના બનાવવામાં આવ્યા હતા. ત્યારબાદ થોડા ડોલરનું વળતર પરત આપી બાકીની રકમ આપવા બાબતે પરેશાન કર્યા હતા અને અંતે “કંપની માર્કેટમાંથી ઉઠી ગઈ છે” તેમ કહી રોકાણકારો સાથે વિશ્વાસઘાત આચર્યો હતો. ફરિયાદીની તપાસમાં બહાર આવ્યું કે ગાંધીનગરના કુડાસણ તથા મહેસાણા ખાતે ઓફિસો ધરાવતી ‘S.D Hub (OPC) Pvt. Ltd.’ કંપની દ્વારા ‘SD Pay’ નામની હાઇપર-લોકલ ડિજિટલ સર્વિસિસ એપ વિકસાવવામાં આવી છે. આ એપમાં યુઝર્સને વોલેટમાં ઓછામાં ઓછા રૂ.1000 રાખવા પર દૈનિક કેશબેક (વ્યાજ) અને 30 દિવસ રાખવા પર 50% બોનસની સ્કીમો દર્શાવવામાં આવી હતી. રેફરલ કોડ દ્વારા લેવલ-1થી લેવલ-15 સુધી 3% થી 30% સુધીના કેશબેક/કમિશનની સ્કીમો ચલાવાતી હતી. સેમિનારો અને યુટ્યુબ વીડિયોથી ગેરમાર્ગે દોરી ઊંચા નફાની લાલચ અપાતી હતી. તપાસમાં સામે આવ્યું કે આ સ્કીમો માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) કે સેબી (SEBI) ની કોઈપણ પ્રકારની કાયદેસરની મંજૂરી કે રજિસ્ટ્રેશન લેવામાં આવ્યું નહોતું. કોણ કોણ છે આરોપીઓ? 1. સંતોષ કનૈયાલાલ પાઠક (રહે. સેલવાસ, દાદરા અને નગર હવેલી) 2. ધવલ ગોવિંદભાઈ પટેલ (ડાયરેક્ટર, રહે. જોટાણા, જિ. મહેસાણા) 3. એસ.ડી. હબ (ઓપીસી) પ્રા. લી. (કુડાસણ, ગાંધીનગર) 4. એન.એફ.ટી. પ્લેસ કંપની 5. મુકેશ લોધી (સાયબર એક્સપર્ટ, રાજસ્થાન) 6. હિરેન શાહ (એસડી પે ટેકનોલોજી હેડ) 7. ભાવેશ ધાનેશા/ધાનેયા (પ્રેઝેન્ટર એન્ડ ટ્રેનર) પોલીસે કંપનીના સંચાલકો, પ્રમોટરો અને સાયબર એક્સપર્ટ સહિત 7 વ્યક્તિ તથા કંપનીઓ વિરુદ્ધ BNS, આઈટી એક્ટ તેમજ ‘ધી બેનિંગ ઓફ અનરેગ્યુલેટેડ ડિપોઝિટ સ્કીમ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *