ગાયના જીવનને માત્ર એક પશુ તરીકે નહીં, પરંતુ કરુણા, મમતા અને સંવેદનાથી ભરેલા જીવંત અસ્તિત્વ તરીકે રજૂ કરતું શહેરના ફોટોગ્રાફર કાલુ ભરવાડનું ફોટોગ્રાફી પ્રદર્શન કલર્સ ઓફ કાઉ’સ્ લાઈફ શીર્ષક હેઠળ તા. 8થી 10 સપ્ટેમ્બરના રોજ કીર્તિ મંદિર ખાતે આવેલી આકૃતિ આઠ ગેલેરીમાં યોજાયું છે. પ્રદર્શન સવારે 11થી સાંજે 7 વાગ્યા સુધી નિહાળી શકાશે.
જે વિશે કાલુ ભરવાડે કહ્યું હતું કે, પ્રદર્શનમાં ગાયના જીવન સાથે જોડાયેલી આશરે 32 તસવીરો રજૂ કરવામાં આવી છે. આ તસવીરોમાં ગાયની નિર્દોષતા, તેની આંખોમાં ઝળહળતી લાગણી, વાછરડા પ્રત્યેની મમતા તેમજ માનવ અને ગાય વચ્ચેના નિઃશબ્દ સંબંધને સુંદર રીતે કેદ કરવામાં આવ્યો છે. મેં માત્ર ગાયના બાહ્ય સૌંદર્યને કેમેરામાં ઉતારવાને બદલે તેના જીવનમાં રહેલી સંવેદના અને જીવંતતાને અનુભવીને તસવીરોમાં વ્યક્ત કરવાનો પ્રયાસ કર્યો છે.
કલર્સ ઓફ કાઉક્રસ્ લાઈફમાં રંગોનો અર્થ માત્ર દ્રશ્યમાન રંગો નથી, પરંતુ કરુણા, મમતા, પ્રેમ, નિર્દોષતા અને સહઅસ્તિત્વના રંગો છે. ગાયની આંખોમાં દેખાતી લાગણીથી લઈને માતા અને વાછરડા વચ્ચેના સંબંધ સુધીની વિવિધક્ષણો દર્શકને વિચારવા અને અનુભવવા પ્રેરે છે.
આ તસવીરો ગૌમાતા પ્રત્યેની શ્રદ્ધા દર્શાવવાનો પ્રયાસ માત્ર નથી, પરંતુ જીવમાત્ર પ્રત્યે પ્રેમ, કરુણા અને સહઅસ્તિત્વની ભાવના અનુભવવાનો એક વિનમ્ર પ્રયાસ છે.
