રાતના અંધારામાં ચોરી-છુપે લોકો દફનવિધિ કરતા, હવે VIP વિદાય:પેટ પેરેન્ટ્સની કારમી ચીસો સાંભળી કર્મચારીઓ પણ રડી પડે છે, અમદાવાદના અનોખા સ્મશાનની ભાવુક કરી દેતી કથા

📅 Published: September 10, 2026 | 📂 Category: gujarati-news

રીનાનો પરિવાર મુંબઈમાં હતો. તેમની પાસે 2 પેટ ડૉગ હતા. જ્યારે તે મૃત્યુ પામ્યા ત્યારે રાતના અંધારામાં સ્મશાનના એક ખૂણામાં જઈને દફનવિધિ કરવી પડી. આ સમયે સ્મશાનવાળાએ ડરતાં ડરતાં એવું પણ કહ્યું હતું કે, કોઈને આ વાતની સહેજ સરખી ગંધ ના આવવી જોઈએ કે અમે માણસોના સ્મશાનગૃહમાં શ્વાનની અંતિમ વિધિ કરીએ છીએ. જો કોઈને ખબર પડી ગઈ તો તેમને આ વાત બિલકુલ ગમશે નહીં. જરા વિચાર તો કરો, તે પાલતું ડૉગ પરિવાર સાથે 10-12 વર્ષ સતત સાથે રહ્યો હોય તેની અંતિમ વિધિ માનપૂર્વક ના થઈ શકે…? કંઈક જ આ જ વિચાર સાથે અમદાવાદના બહેરામપુરામાં કોર્પોરેશન સંચાલિત સીએનજી બેઝ્ડ પેટ ડૉગ ક્રેમેટોરિયમ શરૂ કરવામાં આવ્યું છે. થોડા સમય પહેલાં જ ઉદયપુરનો પરિવાર પોતાના પેટ ડૉગને લઈને અમદાવાદ ફરવા આવ્યો હતો. પરિવારની મુખ્ય વ્યક્તિ વર્લ્ડ બેંકમાં કામ કરતી હતી. હસતો રમતો આ પરિવાર અમદાવાદમાં ફરતો હતો અને અચાનક જ તેમનો શ્વાન બીમાર પડી ગયો. શ્વાનને અમદાવાદમાં અદ્યતન સારવાર આપવામાં આવી તો ખરા, પણ અફસોસ, ડૉક્ટર્સ તેને બચાવી ના શક્યા. પરિવાર પોતાના જીવથીય વ્હાલા શ્વાનને દાટીને અંતિમવિધિ કરવા માગતી નહોતી. તેમણે પોતાના મનની વાત ડૉક્ટર સમક્ષ રજૂ કરી. અંદાજે ત્રણેક કલાક અંતિમ વિધિ ચાલે
ડૉક્ટરે તરત જ આ પરિવારને અમદાવાદના બહેરામપુરામાં આવેલા કોર્પોરેશન સંચાલિત સીએનજી બેઝ્ડ પેટ ડૉગ ક્રેમેટોરિયમની માહિતી આપી હતી. પરિવાર ક્ષણનો પણ વિલંબ કર્યા વગર તરત જ મૃત શ્વાનને લઈને ત્યાં ગયો. સ્મશાનમાં મૃત શ્વાનને અબિલ, ગુલાલ, કંકુ, ચોખા ચઢાવ્યા બાદ ગંગાજળ ને ઘી છાંટવામાં આવ્યું ને છેલ્લે ફૂલનો હાર પહેરાવવામાં આવ્યો. આ બધું કર્યા બાદ ભીની આંખે શ્વાનની અંતિમવિધિ કરવામાં આવી. આ વિધિ અંદાજે ત્રણેક કલાક ચાલી. અંતિમ વિધિ પૂર્ણ થયા બાદ પરિવારને લાલ કલરનું કપડું બાંધેલી કુલડીમાં શ્વાનના અસ્થિ આપવામાં આવ્યા. કોર્પોરેશન તરફથી કરાયેલી આ વ્યવસ્થા જોઇને પરિવાર અભિભૂત થઇ ગયો હતો. ઘરમાં 10-12 વર્ષ સુધી પરિવારના સભ્યની જેમ ઉછરેલા વ્હાલસોયા પેટ ડૉગ (પાલતુ શ્વાન)નું જ્યારે અવસાન થાય છે, ત્યારે પેટ પેરેન્ટ્સ પર દુઃખનો પહાડ તૂટી પડે છે. એક સમયે અંધારામાં કે છૂપી રીતે દફનવિધિ કરવા મજબૂર બનતા પેટ પેરેન્ટ્સ માટે બહેરામપુરા સ્થિત દેશનું પહેલું સીએનજી-બેઝ્ડ અને એસી ફેસિલીટી ધરાવતું પેટ ડૉગ અને પેટ કેટ ક્રેમેટોરિયમ આશીર્વાદ રૂપ સાબિત થઇ રહ્યું છે. સુરત, રાજકોટથી લઇને ઉદયપુર સુધીના પેટ પેરેન્ટ્સ પોતાના અતિપ્રિય શ્વાન, બિલાડીને પૂરતાં માન-સન્માન સાથે અંતિમ વિદાય આપવા ખાસ અમદાવાદ આવી રહ્યાં છે. આવો જ એક કિસ્સો અમદાવાદનો છે….. એકવાર જીપ્લી ઘરમાં આવી અને પરિવારની સભ્ય બની ગઇ
2015થી રીના મિત્તલ અમદાવાદના સાઉથ બોપલ સ્થિત બંગલામાં રહે છે. તેઓ જ્યાં રહેતા ત્યાં એક ગ્રાઉન્ડ હતું. જેની કમ્પાઉન્ડ વોલ પર નિયમિત રીતે એક માદા શ્વાન આવતી. રીનાએ તેનું નામ જીપ્લી પાડ્યું હતું. રીનાનો પરિવાર જીપ્લીને દૂધ અને ખાવાનું આપતો. ઉનાળામાં એક દિવસ અસહ્ય ગરમી પડી ત્યારે જીપ્લી આવી અને મિત્તલ પરિવારે તેને ઘરમાં આશરો આપ્યો. બસ ત્યારથી તે ઘરની બહાર ગઇ નહોતી. 9 વર્ષ સુધી તે પરિવાર સાથે રહી હતી. રીનાએ કહ્યું કે, ”જીપ્લી ઘણી જ સમજદાર હતી. તેણે આટલાં વર્ષોમાં ક્યારેય ગુસ્સો નથી કર્યો ને કોઈને બચકું પણ ભર્યું નથી. તેણે ક્યારેય કોઈને નખ પણ માર્યા નથી. બે અઠવાડિયાં પહેલાં જ તે બીમાર પડતાં બ્લડ ટેસ્ટ કરાવવો પડ્યો. આમ તો દર વર્ષે વેક્સિનેશન કરાવતા જ હતા. જોકે, આ વખતે ડૉક્ટરે કહ્યું કે તેની કિડની ફેઇલ થઈ ગઈ છે. જીપ્લીએ ક્યારેય કોઈને એ વાતની ખબર જ ના પડવી દીધી કે તે આટલી બીમાર છે. તે તો હંમેશાં આરામથી ખાતી ને અમારી સાથે રમતી. તેણે સતત 14 દિવસ સુધી અસહ્ય પીડા સહન કરી. તે 27 ઓગસ્ટે જ અમને રડતાં મૂકીને જતી રહી. અમે તેની દફનવિધિ કરવા માગતા નહોતા. ડૉક્ટરે જ અમને અંતિમ ધામ અંગે જણાવ્યું ને તેમણે જ ત્યાં બધી વ્યવસ્થા કરી આપી હતી. 12 વાગ્યાની આસપાસ જીપ્લીને અંતિમ વિધિ માટે લાવ્યા હતા. જાનવરને પણ માણસની જેમ માનભેર વિદાય
‘અંતિમ ઘડીએ તેને જે સન્માન મળ્યું તે મળવું જ જોઇએ. જે સન્માનપૂર્વક વ્યક્તિ જાય છે તે જ સન્માનથી પાલતું પ્રાણીઓ જાય તે જરૂરી છે. એક જાનવરને જે સન્માન મળવું જોઇએ તે આ સ્મશાન આપે છે. દરેક જગ્યાએ આવાં અંતિમ ધામ હોવાં જોઇએ’, તેમ રીનાએ જણાવ્યું હતું. બાઇકની ટક્કર વાગતાં ‘ટાઇગર’નું મૃત્યુ
શહેરના થલતેજ વિસ્તારમાં રહેતા પાર્થ અમીને રોટવિલર બ્રીડનો શ્વાન પાળ્યો હતો. જેનું નામ ટાઇગર રાખ્યું હતું. એક દિવસ ટાઇગર કમ્પાઉન્ડમાં હતો ત્યારે દરવાજો ખુલ્લો રહી ગયો હતો. જેથી તે દોડીને રસ્તા પર પહોંચી ગયો હતો. જ્યાં અંધારામાં બાઇકની ટક્કર વાગતા તેને ફેફસાંમાં ઇજા પહોંચી હતી. ફેફસાંમાં પાણી ભરાઇ જતાં તેનું મૃત્યુ નિપજ્યું. પરિવાર દુઃખી થઇ ગયો હતો. ટાઇગરને અહીં પેટ ડૉગ ક્રેમેટોરિયમ લવાયો હતો. જ્યાં તેની સન્માનપૂર્વક અંતિમવિધિ કરાઇ હતી. જેના પછી પરિવારને તેના અસ્થિ કળશમાં ભરીને અપાયા હતા. પરિવારે હરિદ્વાર જઇ અસ્થિ પધરાવ્યા હતા. તેના ફોટો પણ પરિવારે કેટલ ન્યૂસન્સ કન્ટ્રોલ ડિપાર્ટમેન્ટ (CNDC) વિભાગના અધિકારીઓને મોકલ્યા હતા. સુરતના પરિવારે ચાણોદમાં પેટ ડૉગનું અસ્થિ વિસર્જન કર્યું
આ જ રીતે સુરતના ઉધના વિસ્તારમાં રહેતાં અજય મિશ્રાના પરિવારના વ્હાલસોયા સભ્ય એવા ગોલ્ડન રિટ્રીવર બ્રીડના ઓડી નામના પાલતું શ્વાનનું 10 વર્ષ 6 મહિને અવસાન થયું હતું. પરિવારજનોએ તેની સન્માનપૂર્વક અંતિમવિધિ કરવાનો નિર્ણય કર્યો હતો. દરમિયાનમાં તેમને માહિતી મળી હતી કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને શ્વાનના અંતિમ સંસ્કાર માટે ખાસ અલગથી સ્મશાન ગૃહ બનાવ્યું છે. જેથી પરિવાર ડૉગની ડેડ બોડી લઇને સુરતથી અમદાવાદ આવ્યો હતો અને અંતિમવિધિ કરી હતી. બાદમાં તેના અસ્થિને ચાણોદ લઇ જઇ વિધિપૂર્વક વિસર્જિત કર્યા હતા. આ પ્રાણી સ્મશાન ગૃહની વિગતો આપતા CNDC વિભાગના હેડ ઓફ ડિપાર્ટમેન્ટ નરેશ રાજપૂતે દિવ્ય ભાસ્કરને જણાવ્યું કે, જાન્યુઆરી-2026થી પેટ ક્રેમેટોરિયમ ચાલુ કરાયું છે. જેમાં અત્યારસુધીમાં 390 જેટલા પેટની અંતિમ વિધિ થયેલી છે આ પેટ ક્રેમેટોરિયમ શરૂ કરવાનો વિચાર પેટ પેરેન્ટસ સાથેની ચર્ચા બાદ લેવાયો હતો. જ્યારે તેમના વ્હાલસોયા પેટનું અવસાન થાય ત્યારે અંતિમવિધિ કરવામાં ખૂબ મુશ્કેલી પડતી હતી. જેથી તેમની સુવિધામાં વધારો થાય તેવા આશયથી આ પેટ ક્રેમેટોરિયમ શરૂ કરાયું છે. ભારતના શહેરી વિસ્તારોમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્રારા બનાવાયેલું આ પહેલું પેટ ક્રેમેટોરિયમ હશે. 800 ડિગ્રી સેલ્સિયસથી વધુ ટેમ્પરેચર પર બાળવામાં આવે છે
પ્રાણીઓમાંથી માણસમાં ફેલાતા અમુક રોગ જીવલેણ હોય છે. રેબીસ પણ તેમાંનો એક છે. સામાન્ય રીતે જ્યારે હડકવાગ્રસ્ત ડૉગ અથવા કેટ મૃત્યુ પામે અને તેને જમીનમાં દફનાવાય તો સંપૂર્ણ ડિકમ્પોઝ થતાં લાંબો સમય થાય છે. શક્યતા છે કે તેના જીવાણું સંપૂર્ણ નાશ ન પણ પામે. આવા જીવાણું અન્ય કોઇમાં ન ફેલાય તે માટે પેટને અહીં સીએનજી ગેસ ક્રેમેટોરિયમમાં 800થી 900 ડિગ્રી ટેમ્પરેચર પર બાળવામાં આવે છે. છેલ્લે તેના જે અસ્થિ નીકળે છે તે પેટ પેરેન્ટ્સને કુલડીમાં લાલ કપડાંમાં લપેટીને માણસના અસ્થિની જેમ જ અંતિમવિધિ માટે અપાય છે. બહેરામપુરામાં મ્યુનિસિપલ કોર્પોરેશનનું ખસીકરણ કેન્દ્ર ચાલે છે ત્યાં જ 30 લાખ રૂપિયાના ખર્ચે આ પેટ્સ ક્રેમેટોરિયમ બનાવાયું છે, જેમાં ગરમીમાં અને ચોમાસાની સિઝનમાં પેટ પેરેન્ટસ આરામથી બેસી શકે તે માટે 3 લાખના ખર્ચે એસીવાળી કન્ટેનર ઓફિસ મુકાઇ છે. આ ઑફિસમાંથી ટ્રાન્સપરન્ટ કાચમાંથી પેટની અંતિમવિધિ જોઇ શકાય છે. સમગ્ર દેશનું એસી ફેસિલિટી વેઇટિંગ રૂમ ધરાવતું કદાચ આ પહેલું એનિમલ ક્રેમેટોરિયમ છે. હેલ્પ લાઇન નંબર 155303
આ અંતિમ ધામની જાણકારી પેટ પેરેન્ટ્સ સુધી પહોંચી રહે તે માટે સોશિયલ મીડિયા, કોર્પોરેશનના 126 LED, અખબારોમાં જાહેરાત અપાય છે. કોર્પોરેશનની CNDCની યુ ટ્યૂબ ચેનલ ઉપર પણ માહિતી મળી રહે છે. ઉપરાંત હેલ્પ લાઇન નંબર 155303 પણ અપાયો છે. જેના પર ફોન કરવાથી પેટ પેરેન્ટ્સને અંતિમ વિધિ માટેની માહિતી મળી રહે છે. એક એમ્બ્યુલન્સ 24 કલાક કાર્યરત રહે છે. જે ઘરે જઇને પેટના ડેડ બોડીને લઇ આવે છે. પેટના અસ્થિને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઇ જવા સર્ટિફિકેટની જરૂર પડતી હોય છે. જે સર્ટિફિકેટ પણ અહીંથી જ ઇશ્યૂ થાય છે. આ સર્ટિફિકેટમાં કઇ-કઇ વિગતો લખાય છે? તે નીચેના ગ્રાફિક્સથી જાણો. એક દિવસમાં 5 ડૉગની અંતિમવિધિ
અંતિમ વિધિ માટેના મશીનની કેપેસિટી 80 કિલોની છે. સામાન્ય રીતે જો એક ડૉગ 25થી 30 કિલોનો હોય તો 2 ડૉગની એક સાથે અંતિમ વિધિ થઇ શકે છે. 50 કે 55 કિલોના મોટા ડૉગ હોય તો એક ડૉગની અંતિમવિધિ થાય છે. શરૂઆતમાં આખા દિવસમાં 2 કે 3 ડૉગની અંતિમવિધિ થતી હતી. હાલમાં 5 કે 6 ડૉગની અંતિમવિધિ થાય છે. માત્ર અમદાવાદ શહેર જ નહીં ગાંધીનગર, સુરત, રાજકોટ, વડોદરા, સુરેન્દ્રનગર, ભાવનગર, બાવળા, સાણંદ, મહેસાણા અને ઉદયપુરથી પણ પેટ પેરેન્ટ્સ અહીં અંતિમ વિધિ માટે આવી રહ્યાં છે. લિયાકતઅલી અજમેરી આ અંતિમ ધામનું સંચાલન કરે છે. તેમણે આખી પ્રોસિઝર સમજાવતાં કહ્યું કે, કોર્પોરેશનની હેલ્પ લાઇન નંબર 155303 પર ફોન આવ્યા બાદ અમારે ત્યાં કમ્પ્લેઇન આવે છે. જેના પછી હું સામેથી પેટ પેરેન્ટ્સને ફોન કરૂં છું અને તેમના પેટ વિશે માહિતી લઇ જો એમ્બ્યુલન્સની જરૂર હોય તો તે પણ મોકલું છું. એનિમલ લવર્સ તથા ડૉક્ટર્સ પાસે પણ મારો નંબર છે. ‘પેટ પેરેન્ટ્સનું હૈયાફાટ રૂદન જોઇ હચમચી જવાય’
પેટ ડૉગ કે પેટ કેટને અંતિમ વિધિ માટે લઇને આવતાં પેટ પેરેન્ટ્સના સર્જાતાં હૃદયદ્રાવક દૃશ્યો અંગે તેમણે કહ્યું કે, વ્હાલસોયા પેટ ડૉગને 12-13 વર્ષ સુધી પાળી-પોષીને મોટું કર્યું હોય છે. જ્યારે તેઓ તેને અહીં લઇને આવે છે ત્યારે તેમના પર જાણે કે પહાડ તૂટી પડ્યો હોય તેવી સ્થિતિ હોય છે. ઘણાં એવું હૈયાફાટ રૂદન કરે છે કે તે જોઇને આપણને પણ રડવું આવી જાય. ઘણા બેહોશ પણ થઇ ગયાના કિસ્સાઓ મેં જોયા છે. સોલા-ઘાટલોડિયાના નીલમબેન તેમના 3 ડૉગની અંતિમ વિધિ માટે અહીં આવ્યાં હતાં. તેમના એક લેબ્રાડૉગને ડાયાબિટીસ થઇ ગયો હતો. 2 વર્ષમાં તેની સારવાર પાછળ 7થી 8 લાખ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. જ્યારે તે આ ડૉગને લાવ્યા હતા ત્યારે ખૂબ ભાવુક થઇ ગયાં હતાં. તેમણે કોર્પોરેશનનો આભાર માન્યો હતો અને કહ્યું હતું કે મારા વ્હાલસોયા છોકરા જેવા બાળકના હું અહીં અંતિમ સંસ્કાર કરી શકી. પેટ પેરેન્ટ્સની લાગણીની વાત કરતાં નિલમબેને કહ્યું કે, ‘પેટ ડૉગને લઇને સવારે ફરવા નીકળ્યાં હતા. વાંદરાને જોઇને ડૉગ તેની પાછળ દોડ્યો હતો ત્યારે તેને એટેક આવી ગયો. તેનાથી તે પરિવાર ઘણો દુઃખી થયો હતો. તે ડૉક્ટર પાસે લઇ ગયા હતા પરંતુ ડૉક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. એટલે તેઓ તેને અહીંયા લઇને આવ્યા હતા. શરૂઆતમાં અડધો કલાક સુધી તેમણે રડવાનું બંધ કર્યું નહોતું. તેઓ એટલાં લાગણીશીલ હતાં. અમદાવાદમાં પેટ ડૉગ માટે જાન્યુઆરી-2025થી રજિસ્ટ્રેશન ફરજિયાત કરાયું છે. અત્યારસુધીમાં 19,600 પેટ ડૉગ્સનું રજિસ્ટ્રેશન થયું છે. જે પેટ ડૉગ્સનું રજિસ્ટ્રેશન થયું હોય અને તે મૃત્યુ પામે તો તેની અંતિમવિધિ ફ્રીમાં કરાય છે. જ્યારે જે પેટ ડૉગ્સનું રજિસ્ટ્રેશન ન થયેલું હોય તેની અંતિમ વિધિ બાદ પેટ પેરેન્ટ્સ પોતાની ઇચ્છા મુજબ ડોનેશન આપે છે. કોર્પોરેશનને અત્યાર સુધીમાં 4,58,101 રૂપિયાનું ડોનેશન મળ્યું છે. 2026માં કેટલાં પાલતું પ્રાણીઓનું રજિસ્ટ્રેશન થયું તે જાણોઃ અમદાવાદમાં જે ડૉગ્સનું રજિસ્ટ્રેશન થયું છે તેમાં લેબ્રાડોરની સંખ્યા સૌથી વધુ છે.
પેટ એનિમલ રજિસ્ટ્રેશન માટે આટલા પુરાવા જોઇએ. અમદાવાદનું આ સ્મશાનગૃહ પેટ પેરેન્ટ્સ માટે માત્ર એક સુવિધા નથી પરંતુ તેમના દિલના ટુકડા સમાન અબોલ જીવને માન-સન્માન સાથે વિદાય આપવાનું એક પવિત્ર ધામ બની રહ્યું છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *