ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર આજથી બે દિવસ એટલે કે, 10 અને 11 સપ્ટેમ્બર, 2026ના રોજ ગુજરાતની મુલાકાતે છે. પ્રવાસ દરમિયાન તેઓ રાજ્યના બૂથ લેવલ ઓફિસર્સ (BLO), ઈલેક્ટોરલ લિટરસી ક્લબ (ELC)ના સભ્યો તેમજ પ્રબુદ્ધ નાગરિકો સાથે સંવાદ કરશે. ‘રોલથી પોલ સુધી પારદર્શિતા’ના દૃષ્ટિકોણને કેન્દ્રમાં રાખીને કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સાબરમતી આશ્રમથી પ્રવાસની શરૂઆત
મુખ્ય ચૂંટણી કમિશનર આજે 10 સપ્ટેમ્બરે સાબરમતી આશ્રમ ખાતે પૂજ્ય મહાત્મા ગાંધીજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરીને પ્રવાસની શરૂઆત કરશે. ત્યારબાદ તેઓ અડાલજની વાવની મુલાકાત લઈ રાજ્યના ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાનો પરિચય મેળવશે. સાંજે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન પરિસરમાં પ્રબુદ્ધ નાગરિકો સાથે ‘ભારતમાં ચૂંટણીઓનું સંચાલન – વિશ્વની સૌથી મોટી લોકશાહી’ વિષય પર સંવાદ કરશે. 500થી વધુ BLO સાથે સીધો સંવાદ
મુલાકાતના બીજા દિવસે, 11 સપ્ટેમ્બરે ગુજરાત યુનિવર્સિટીના અટલ કલામ હોલ ખાતે રાજ્યભરમાંથી આવેલા 500થી વધુ BLO સાથે મુખ્ય ચૂંટણી કમિશનર સંવાદ કરશે. મતદાર યાદી તૈયાર કરવા સહિત ચૂંટણી પ્રક્રિયાના વિવિધ તબક્કામાં BLOની મહત્વપૂર્ણ ભૂમિકાને ધ્યાનમાં રાખીને પારદર્શિતા અને વિશ્વસનીયતા વધારવાના મુદ્દાઓ પર ચર્ચા થશે. 1000થી વધુ ELC સભ્યોને માર્ગદર્શન
ત્યારબાદ શેલા સ્થિત AUDA ઓડિટોરિયમ ખાતે 1000થી વધુ ઈલેક્ટોરલ લિટરસી ક્લબના સભ્યો સાથે સંવાદ યોજાશે. આ દરમિયાન તાજેતરમાં લોન્ચ કરાયેલા ELC 2.0ના વિઝન, મિશન અને મુખ્ય વિશેષતાઓ અંગે માહિતી આપવામાં આવશે. ખાસ કરીને યુવાનો અને નાગરિકોમાં ચૂંટણી પ્રક્રિયા અંગે જાગૃતિ વધારવામાં ELCની ભૂમિકા અંગે માર્ગદર્શન આપવામાં આવશે. ECINET પર પણ યોજાશે વિશેષ સત્ર
કાર્યક્રમ દરમિયાન ચૂંટણી સંબંધિત ‘ઓલ સોલ્યુશન્સ પ્લેટફોર્મ’ ECINET અંગે વિશેષ સત્ર યોજાશે. ચૂંટણી પ્રક્રિયા સાથે સંકળાયેલી વિવિધ ડિજિટલ અને ટેક્નોલોજી આધારિત સેવાઓ અંગે અધિકારીઓ તથા સંબંધિત સભ્યોને માહિતી આપવામાં આવશે. ચૂંટણી પંચના વરિષ્ઠ અધિકારીઓ આપશે ટેક્નિકલ માર્ગદર્શન
બે દિવસીય કાર્યક્રમ દરમિયાન ભારતના ચૂંટણી પંચના વરિષ્ઠ અધિકારીઓ પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા વિવિધ વિષયો પર માર્ગદર્શન આપશે. તેમાં ડાયરેક્ટર જનરલ આશિષ ગોયલ (મીડિયા), ડાયરેક્ટર જનરલ સીમા ખન્ના (આઈટી), ડાયરેક્ટર શુભ્રા સક્સેના અને ડેપ્યુટી ડાયરેક્ટર અપૂર્વ કુમાર સિંહ (મીડિયા)નો સમાવેશ થાય છે. મતદાર યાદીથી મતદાન સુધી પારદર્શિતા પર ફોકસ
મુખ્ય ચૂંટણી કમિશનરની ગુજરાત મુલાકાતને લઈને રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારી સંદીપ સાગળેની ટીમ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ મતદાર યાદી તૈયાર કરવાની પ્રક્રિયાથી લઈને મતદાન સુધીના દરેક તબક્કામાં પારદર્શિતા, મતદાર જાગૃતિ અને ચૂંટણી પ્રક્રિયા પ્રત્યે વિશ્વસનીયતા વધુ મજબૂત કરવાનો રહેશે.
ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર ગુજરાતની મુલાકાતે:આજથી બે દિવસના પ્રવાસે, BLO અને ELC સભ્યો સાથે સીધો સંવાદ કરશે
📅 Published: September 10, 2026 |
📂 Category: gujarati-news
