Surat News: લોકોના જીવ સાથે ચેડાં કરતા બે બોગસ ડોક્ટર ઝડપાયા, પાંડેસરામાં SOGની રેડ

📅 Published: September 10, 2026 | 📂 Category: Surat

સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલ વડોદગામ ખાતે કેટલાક ઈસમો કોઈપણ માન્ય ડિગ્રી વગર ગેરકાયદેસર રીતે ક્લિનિક ચલાવતા હોવાની બાતમી મળી હતી. આ માહિતીના આધારે સુરત SOG (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ) અને આરોગ્ય વિભાગની ટીમે સંયુક્ત રીતે દરોડા પાડ્યા હતા. ક્લિનિક પર પહેલા ડમી પેશન્ટ મોકલીને ખાતરી કરવામાં આવી હતી અને ત્યારબાદ બંને નકલી તબીબોને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા હતા.

બિહાર અને યુપીના બે આરોપીઓની અટકાયત

ઝડપાયેલા આરોપીઓમાં બિહારના વતની સુરેન્દ્ર ચંદ્રદેવ શાહ અને ઉત્તર પ્રદેશના વતની રામકૃપાલ રામકિશન વિશ્વકર્માનો સમાવેશ થાય છે. આ બંને ઈસમો પાસે તબીબી ક્ષેત્રની કોઈ પણ માન્ય ડિગ્રી કે લાયસન્સ ન હોવા છતાં તેઓ ક્લિનિક ખોલીને સામાન્ય નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં કરી રહ્યા હતા.

કમ્પાઉન્ડરમાંથી બની ગયા બોગસ ડોક્ટર

પોલીસ દ્વારા કરવામાં આવેલી પ્રાથમિક પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. બંને આરોપીઓએ સ્વીકાર્યું હતું કે તેઓ અગાઉ વિવિધ હોસ્પિટલો કે ક્લિનિકમાં કમ્પાઉન્ડર અને મદદનીશ તરીકે કામ કરી ચૂક્યા છે. ત્યાંથી થોડો અનુભવ મેળવ્યા બાદ તેમણે જાતે જ ક્લિનિક શરૂ કરી દીધા હતા અને દર્દીઓની સારવાર કરવાનું શરૂ કરી દીધું હતું.

Surat News: 2 Fake Doctors Arrested in Pandesara by SOG & Health Dept

દવાઓ અને એલોપેથિક સામગ્રી જપ્ત

દરોડા દરમિયાન બંને ક્લિનિકમાંથી એલોપેથિક દવાઓ, ઇન્જેક્શન, સિરપ અને અન્ય તબીબી સાધનો મળી આવ્યા હતા. પોલીસે બંને સ્થળેથી કુલ ₹44,173 થી વધુની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

પાંડેસરા પોલીસ મથકે ગુનો નોંધાયો

લોકોના સ્વસ્થ્ય સાથે ગંભીર રમતો રમતા આ બંને ઝોલાછાપ તબીબો સામે પાંડેસરા પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરીને આ મામલે આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: Suratના ઉધનામાં કારખાનામાં કરંટ લાગતા 31 વર્ષીય યુવકનું કરુણ મોત


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *