રાજકોટના આજી ડેમ ચોક નજીક પીઠડ આઈ સોસાયટીમાં રહેતા ભાવનાબેન ભીમજીભાઈ ચૌહાણના ઘરે ચા પીવાના બહાને આવેલી બહેનપણી કાજલ દિપકભાઈ વાઘેલાએ મોકો જોઈ રૂ.6.50 લાખની કિંમતના દાગીના ચોરી ગયાની ફરિયાદ નોંધાતા આજી ડેમ પોલીસે આરોપી મહિલાને સકંજામાં લઈ ચોરીમાં ગયેલ મુદામાલ રિકવર કરવા વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસ ફરિયાદમાં ભાવનાબેને જણાવ્યુ હતું કે, ગત તા.17 ઓગસ્ટના રોજ તેની તબિયત સારી ન હોવાથી ઘરે હતા ત્યારે તેની નાનપણની બહેનપણી કાજલ ઘરે આવતા તેને રૂમમાં બેસાડી હતી. તેણે ચા પીવી છે કહેતા ઘરમાં દૂધ ન હોવાથી તે દૂધ લેવા માટે બહાર ગયા બાદ પરત આવ્યા ત્યારે રૂમનો દરવાજો અંદરથી બંધ હતો. દરવાજો ખખડાવતા કાજલે હું કપડા બદલાવું છું, થોડી વાર લાગશે, કહેતા તે રસોડામાં ચા બનાવવા જતા રહ્યા હતા. આ પછી થોડીવાર બાદ તે રૂમમાંથી બહાર આવી અને ચા પીધા બાદ થોડીવાર રોકાઈ હતી.
આ સમયે ફરિયાદીના પતિ ઘરે આવતા તેની સાથે દવા લેવા જવાનું કહેતા કાજલે હું પણ જાવ છું કહીને ઘરેથી નીકળી ગઈ હતી. ત્યારબાદ ગઈ તા.30 ઓગસ્ટના રોજ ભત્રીજીની સગાઈના પ્રસંગમાં પહેરવા માટે સોનાનો હાર લેવા માટે કબાટ ખોલતા કબાટમાં હાર જોવા ન મળતા ઘરમાં તપાસ કરતા કોઈ જગ્યાએ હાર જોવા ન મળતાં ચોરી થઈ હોવાની જાણ થઇ હતી. બાદમાં તેણે તપાસ કરતા આરોપી કાજલે કાથરોટા ગામે રહેતી બહેનપણી વૈશાલી મકવાણાના ઘરમાંથી અને બીજી બહેનપણી મનીષા સારદીયાના ફઈના ઘરમાંથી સોના-ચાંદીના દાગીના તેમજ રૂપિયા ચોરી કર્યાનું માલુમ પડતા ફરિયાદ નોંધાવી હતી. જે બાદ આજીડેમ પોલીસે આરોપી કાજલને સકંજામાં લઈ તેની પાસેથી ચોરીમાં ગયેલ મુદ્દામાલ કબજે કરવા વધુ તપાસ હાથ ધરી છે.
મહિલા દૂધ લેવા ગયા બાદ કબાટમાંથી સોનાના હારની ચોરી:ચા પીવાનાં બહાને આવેલ બહેનપણીએ મોકો જોઈ રૂ.6.50 લાખના દાગીના ચોર્યા, બીજી બે બહેનપણીનાં ઘરમાંથી પણ હાથફેરો કર્યો'તો
📅 Published: September 10, 2026 |
📂 Category: gujarati-news
