Kodinarના રાજપરામાં ખેડૂતના શેરડીના ખેતરમાં લાગી ભીષણ આગ

📅 Published: September 10, 2026 | 📂 Category: gujarati-news

ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકામાં આવેલા રાજપરા ગામે એક ખેડૂતના ખેતરમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. રાજપરા ગામના ખેડૂત ભૂપતભાઈ હીરાભાઈ વાઢેળના શેરડીના ખેતરમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. જોતજોતામાં આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લેતા સમગ્ર ખેતરમાં ધુમાડાના ગોટેગોટા ઉડવા લાગ્યા હતા, જેના કારણે આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી.

શેરડીનો સંપૂર્ણ પાક બળીને થયો રાખ 

આ ભયાનક આગની લપેટમાં આવી જવાથી ખેડૂતનો આશરે ત્રણથી ચાર વીઘામાં પથરાયેલો શેરડીનો સંપૂર્ણ પાક બળીને રાખ થઈ ગયો છે. લણણીના આરે આવેલા તૈયાર પાકને ભારે નુકસાન પહોંચતા પીડિત ખેડૂત ભૂપતભાઈ વાઢેળને લાખો રૂપિયાનું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. અચાનક બનેલી આ ઘટનાથી ખેડૂત પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.

વીજ તારમાં સ્પાર્કના કારણે આગ લાગ્યાની આશંકા 

ખેતરમાં આગ કયા કારણોસર લાગી તે અંગેનું ચોક્કસ કારણ હજુ સુધી અકબંધ રહ્યું છે. જોકે, પ્રાથમિક દ્રષ્ટિએ ખેતર પરથી પસાર થતી વીજ લાઈનના તારમાં સ્પાર્ક (તણખા) થવાના કારણે આગ લાગી હોવાની આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. તંત્ર દ્વારા આ મામલે યોગ્ય તપાસ કર્યા બાદ જ સ્પષ્ટ થશે કે આગ ખરેખર કઈ રીતે લાગી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *