Indiaની સૌથી મોટી ખાનગી બેન્ક HDFC માટે મોટી રાહતના સમાચાર સામે આવ્યા છે. ક્રેડિટ સુઇસ AT1 બોન્ડ મામલે રોકાણકારોએ બહેરીનમાં દાખલ કરેલા તમામ સાત કેસ ફગાવી દેવામાં આવ્યા છે. આ નિર્ણયથી બેન્કને મોટી કાનૂની રાહત મળી છે. બેન્ક પર રોકાણકારોને ખોટી રીતે હાઈ-રિસ્ક સિક્યોરિટીઝ વેચવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. જોકે, હવે આ મામલે બેન્કની તરફેણમાં ચુકાદો આવ્યો છે. 9 સપ્ટેમ્બરે બહેરીનની હાઈ સિવિલ કોર્ટે બાકી રહેલા બે કેસમાં પણ HDFC બેન્કની તરફેણમાં નિર્ણય આપ્યો હતો. આ પહેલાં જુલાઈથી ઓગસ્ટ દરમિયાન અન્ય પાંચ કેસ પણ ફગાવી દેવામાં આવ્યા હતા. બેન્કે સત્તાવાર નિવેદનમાં જણાવ્યું કે, કોર્ટે રોકાણકારો દ્વારા કરવામાં આવેલા તમામ આરોપોને નકારી કાઢ્યા છે.
રોકાણકારો આરોપ સાબિત કરી શક્યા નહીં
રોકાણકારોએ HDFC બેન્ક સામે ગંભીર આરોપો લગાવ્યા હતા. જેમાં બેદરકારી, જાણીજોઈને ખોટી માહિતી આપવી, ગ્રાહકોની ખોટી ઓળખ દર્શાવવી, પ્રોડક્ટ સાથે જોડાયેલા નિયમો છુપાવવા અને નાણાકીય નિયમોનો ખોટો ઉપયોગ કરવા જેવા આરોપો સામેલ હતા. આ રોકાણકારોએ HDFC બેન્ક મારફતે ક્રેડિટ સુઇસના AT1 બોન્ડ ખરીદ્યા હતા. જોકે, બહેરીનની કોર્ટે આ તમામ આરોપોને ફગાવી દીધા હતા. કોર્ટે કહ્યું કે રોકાણકારો બેન્ક સામે એવો કોઈ પુરાવો રજૂ કરી શક્યા નથી, જેને કાયદાકીય રીતે માન્ય ગણી શકાય. રોકાણકારોને થયેલા આર્થિક નુકસાન માટે HDFC બેન્ક જવાબદાર છે તે પણ સાબિત થયું નથી. એટલું જ નહીં, કોર્ટે સાતેય કેસની કોર્ટ કાર્યવાહીનો ખર્ચ પણ રોકાણકારોએ જ ભોગવવાનો આદેશ આપ્યો છે.
ભારતમાં પણ બેન્કને મળી હતી રાહત
આ સમગ્ર વિવાદ માર્ચ 2023ની ઘટનાથી જોડાયેલો છે. ત્યારે UBSએ કટોકટીની સ્થિતિમાં ક્રેડિટ સુઇસનું અધિગ્રહણ કર્યું હતું. આ દરમિયાન AT1 બોન્ડની કિંમત શૂન્ય કરી દેવામાં આવી હતી. જેના કારણે દુનિયાભરના રોકાણકારોને મોટું નુકસાન થયું હતું. બહેરીનના ચુકાદા પહેલાં ભારતમાં પણ HDFC બેન્કને મોટી રાહત મળી હતી. માર્ચ 2026માં નેશનલ કન્ઝ્યુમર ડિસ્પ્યુટ્સ રિડ્રેસલ કમિશન (NCDRC)એ રોકાણકારોની ફરિયાદો ફગાવી દીધી હતી. કમિશને જણાવ્યું હતું કે બેન્કે માત્ર રોકાણ માટે એક માધ્યમ તરીકે કામ કર્યું હતું. રોકાણ કરવાનો નિર્ણય ગ્રાહકોએ પોતાની મરજીથી લીધો હતો. કમિશને એ પણ નોંધ્યું હતું કે રોકાણકારોને AT1 બોન્ડના જોખમ વિશે અગાઉથી જાણકારી હતી. તેમણે પોતાની ઇચ્છાથી રોકાણ કર્યું હતું, પરંતુ નુકસાન થયા બાદ બેન્ક સામે ફરિયાદ કરી હતી. HDFC બેન્કે પણ કહ્યું છે કે તે રોકાણના રિટર્નની ગેરંટી આપતી નથી અને આવા દાવાઓનો કાયદાકીય રીતે સામનો કરશે.
દુબઈ બ્રાન્ચમાં નિયમોના પાલનમાં ટેક્નિકલ ભૂલ
ક્રેડિટ સુઇસ AT1 બોન્ડ કેસમાં રાહત મળ્યા બાદ પણ HDFC બેન્કની દુબઈ કામગીરી અગાઉ ચર્ચામાં રહી હતી. બેન્કના MD અને CEO શશિધર જગદીશને સ્પષ્ટ કર્યું હતું કે આ મામલે કોઈ છેતરપિંડી થઈ નથી. તેમના જણાવ્યા અનુસાર, દુબઈની ઓથોરિટીએ કેટલાક નિયમો અંગે સ્પષ્ટતા કરી હતી, પરંતુ તેનું પાલન ન થવું માત્ર ડોક્યુમેન્ટેશન સાથે જોડાયેલી ટેક્નિકલ ભૂલ હતી. આ મામલે બેન્કે આંતરિક તપાસ પણ હાથ ધરી હતી અને જવાબદાર કર્મચારીઓ સામે વિભાગીય કાર્યવાહી કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે સપ્ટેમ્બર 2025માં દુબઈ ફાઇનાન્શિયલ સર્વિસિસ ઓથોરિટીએ બેન્કની DIFC બ્રાન્ચને નવા ગ્રાહકો જોડવા પર રોક લગાવી હતી. હાલ પણ આ બ્રાન્ચને નવા ગ્રાહકોને નાણાકીય સલાહ આપવા, રોકાણ સંબંધિત ડીલ કરવા અને કસ્ટડી સંબંધિત સેવાઓ આપવાની મંજૂરી નથી.
આ પણ વાંચો: HDFC બેન્કના નવા ચેરમેન બન્યા પૂર્વ IAS અધિકારી રાજીવ કુમાર, 3 વર્ષનો રહેશે કાર્યકાળ
