ગોધરાના ગદુકપુર નજીક ગેરકાયદેસર રેતીની હેરાફેરી સામે કાર્યવાહી કરવા ગયેલી મામલતદારની ટીમ પર ખનિજ માફિયાઓએ હુમલો કર્યાનો બનાવ સામે આવ્યો છે. પોલીટેકનિક કોલેજ નજીક ગેરકાયદેસર રેતી ભરેલા ડમ્પરોની તપાસ દરમિયાન અધિકારીઓએ વાહનો રોકીને જરૂરી રોયલ્ટી પાસ માંગ્યા હતા. જોકે, પાસ રજૂ કરવામાં આવ્યા ન હતા. અધિકારીઓની ગાડીને આંતરી બે ડમ્પર ભગાવ્યા
ગામડાના મામલતદાર તરુણ પટેલ, સિટી મામલતદાર મહેન્દ્ર જાડેજા અને રેવન્યુ તલાટી સહિતની ટીમે ડમ્પરોને કચેરી લઈ જવાની કાર્યવાહી શરૂ કરી હતી. તે દરમિયાન આશરે 10 જેટલા લોકોના ટોળાએ અધિકારીઓની ગાડીને આંતરી માથાકૂટ અને ઝપાઝપી કરી હતી. આ દરમિયાન ગેરકાયદેસર રેતી ભરેલા બંને ડમ્પર ભગાવી દેવાયા હતા. અધિકારીઓને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે. 10 લોકો સામે ફરિયાદ
સમગ્ર બનાવ અંગે ગ્રામ્ય મામલતદાર તરુણ પટેલે ગોધરા તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં વિનોદ વણઝારા, ચિરાગ વણઝારા, કિશન વણઝારા, રોની ભગા વણઝારા સહિત અન્ય પાંચ અજાણ્યા શખ્સોના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પોલીસે ફરિયાદના આધારે આરોપીઓ સામે તપાસ હાથ ધરી છે. એક અઠવાડિયામાં 80 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત
નોંધનીય છે કે, મામલતદારની ટીમ દ્વારા છેલ્લા એક અઠવાડિયાથી ગોધરાના વિવિધ વિસ્તારોમાં ગેરકાયદેસર ખનિજ હેરાફેરી સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ કાર્યવાહીમાં ગેરકાયદેસર રેતીનું વહન કરતા 5 ટ્રેક્ટર અને 1 ડમ્પર ઝડપી પાડવામાં આવ્યા હતા. આ કાર્યવાહી દરમિયાન 80 લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ જપ્ત કરીને ખનિજ ચોરી કરનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
ગોધરામાં ખનિજ માફિયાઓની દાદાગીરી:મામલતદારની ટીમ પર હુમલો કરી ગેરકાયદેસર રેતી ભરેલા 2 ડમ્પર ભગાવી ગયા, 10 સામે પોલીસ ફરિયાદ
📅 Published: September 10, 2026 |
📂 Category: gujarati-news
