ભાડૂતો પર તવાઈ બાદ હવે મકાન માલિકોનો વારો:આવાસ યોજનામાં એકથી વધુ મકાન કે પતિ-પત્ની બંનેના નામે ફાળવણીની થશે તપાસ, સ્લમ ઈમ્પ્રુવમેન્ટ કમિટીના ચેરમેને કમિશનરને પત્ર લખ્યો

📅 Published: September 10, 2026 | 📂 Category: gujarati-news

સુરત મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY) અંતર્ગત ફાળવવામાં આવેલા આવાસોમાં ગેરરીતિ અને અનિયમિતતાઓ સામે તંત્રએ લાલ આંખ કરી છે. અગાઉ આવાસો ભાડે આપી દેનારા ભાડૂતો અને મૂળ લાભાર્થીઓ સામે કાર્યવાહી શરૂ કર્યા બાદ હવે મૂળ મકાન માલિકો પર તવાઈ બોલાવવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. શહેરમાં હજારો ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારો હજુ પણ પોતાનું ઘર મેળવવા વર્ષોથી પ્રતીક્ષા યાદી (વેટિંગ લિસ્ટ)માં છે, ત્યારે બીજી તરફ કેટલાક લોકોએ ખોટા દસ્તાવેજો રજૂ કરીને એકથી વધુ આવાસ મેળવી લીધા હોવાની અથવા પતિ-પત્ની બંનેના નામે આવાસો પડાવી લીધા હોવાની ગંભીર બાબતો સામે આવી રહી છે. આ સમગ્ર મામલે સુરત મહાનગરપાલિકાની સ્લમ ઈમ્પ્રુવમેન્ટ સમિતિના અધ્યક્ષ દિગ્વિજયસિંહ બારડે મ્યુનિસિપલ કમિશનરને સત્તાવાર લેખિત પત્ર પાઠવીને સમગ્ર સુરત શહેરમાં આવા લાભાર્થીઓની ઝીણવટભરી અને ઝોનવાર ચકાસણી કરવાનો આદેશ આપવા વિનંતી કરી છે. 3 મુખ્ય મુદ્દા પર તપાસ કરવામાં આવશે
સ્લમ ઈમ્પ્રુવમેન્ટ સમિતિના ચેરમેન દિગ્વિજયસિંહ બારડે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી આવાસ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય જરૂરિયાતમંદ અને ઘરવિહોણા વાસ્તવિક લાભાર્થીઓને ઘરનું ઘર પૂરું પાડવાનો છે. સુરતમાં હજુ પણ મોટી સંખ્યામાં સાચા લાભાર્થીઓ મકાન મેળવવા માટે વેટિંગમાં ઊભા છે. ત્યારે પ્રાથમિક તપાસમાં એવું ધ્યાને આવ્યું છે કે કેટલાક લોકો પાસે પહેલેથી જ ખાનગી મકાનો હોવા છતાં આવાસ મેળવી લીધા છે, અથવા પતિ-પત્ની બંનેએ અલગ-અલગ મકાનો મેળવી લીધા છે. આ ગેરરીતિ ચલાવી લેવાય નહીં. અમે કમિશનરને પત્ર લખીને તમામ ઝોનમાં સરકારી રેકોર્ડ અને પ્રોપર્ટી ટેક્સ ડેટા સાથે ક્રોસ વેરિફિકેશન કરી રિપોર્ટ તૈયાર કરવા જણાવ્યું છે. તપાસમાં જે કોઈ નિયમવિરુદ્ધ મકાન ધરાવતા પકડાશે તેમની સામે આવાસ રદ કરવા સહિતની કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. પાલિકા કયા ૩ મુખ્ય મુદ્દાઓ પર કરશે તપાસ? 1. પહેલેથી ખાનગી મિલકત: સુરત શહેરમાં પતિ કે પત્નીના નામે પહેલેથી જ ખાનગી રહેણાંક મિલકત હોવા છતાં યોજના હેઠળ આવાસ ફાળવાયા હોય તેવા કેસોની વિગત તપાસવી. 2.એક જ સરનામે રહેતા પરિવારો: ફોર્મ ભરતી વખતે પરિવારના સભ્યો કે સગા-સંબંધીઓના નામે એક જ સરનામે રહેણાંક મકાન હોવા છતાં લાભ મેળવાયો છે કે કેમ તેની ચકાસણી. 3. એકથી વધુ આવાસની ફાળવણી: એક જ લાભાર્થીના નામે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ એક કરતાં વધુ આવાસ ફાળવવામાં આવ્યા હોય તેવા તમામ કિસ્સા શોધી કાઢવા. પાલિકાના મિલકત વેરા (પ્રોપર્ટી ટેક્સ) વિભાગના રેકોર્ડ, સબ-રજિસ્ટ્રાર કચેરીના દસ્તાવેજો તથા આધાર કાર્ડ લિંકિંગ દ્વારા તમામ લાભાર્થીઓનું વેરિફિકેશન હાથ ધરવામાં આવશે. જો કોઈ લાભાર્થીએ ખોટી માહિતી આપીને મકાન મેળવ્યું હોવાનું સાબિત થશે, તો મકાન સીલ કરી ફાળવણી રદ કરવામાં આવશે અને અન્ય વેઈટિંગ લિસ્ટમાં રહેલા સાચા જરૂરિયાતમંદોને ફાળવવામાં આવશે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *