માસૂમ બાળકીની તબિયત લથડતાં ભાંડો ફૂટ્યો:ભટારમાં 9 વર્ષની બાળકી પર 45 વર્ષીય આધેડે આચરેલા દુષ્કર્મ કેસમાં ગુનો દાખલ, માતા-પિતા મજૂરીએ ગયા'ને પાડોશીએ દાનત બગાડી

📅 Published: September 10, 2026 | 📂 Category: gujarati-news

સુરતના ભટાર ખોડિયાર નગર વિસ્તારમાં માનવતાને શર્મસાર કરતી અત્યંત ગંભીર ઘટના સામે આવી છે. અહીં રહેતો એક શ્રમજીવી પરિવાર ગત 7 તારીખે રાબેતા મુજબ મજૂરી કામ માટે ગયો હતો, ત્યારે ઘરમાં તેમના 4 સંતાનો એકલા હતા. આ સમય દરમિયાન પાડોશમાં જ રહેતા 45 વર્ષીય નરાધમ નંદલાલ રામ બહાદૂર મુખીયાએ 9 વર્ષની માસૂમ બાળકી પર નજર બગાડી હતી. એકલતાનો ગેરલાભ ઉઠાવી આરોપી બાળકીને લલચાવી-ફોસલાવી પોતાના ઘરે લઈ ગયો હતો અને ત્યાં બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું. બાળકીની તબિયત લથડતાં માતા સમક્ષ ભાંડો ફૂટ્યો
આ શરમજનક ઘટના બાદ બાળકી ગભરાઈ ગઈ હતી. જોકે, ગતરોજ બાળકીની અચાનક તબિયત લથડતાં તેની માતા તેને તાત્કાલિક સારવાર અર્થે દવાખાને લઈ ગઈ હતી. ત્યાં માતાએ બાળકીને શારીરિક તકલીફ અંગે પૂછપરછ કરતાં, માસૂમે પાડોશી નંદલાલ મુખીયાએ આચરેલા કુકર્મની સમગ્ર આપવીતી રડીને જણાવી હતી. આ સમગ્ર ઘટના સાંભળતાં જ પરિવારજનોના પગ તળેથી જમીન ખસી ગઈ હતી અને પરિવારમાં ભારે આક્રોશ ફેલાયો હતો. ખટોદરા પોલીસે ગુનો નોંધી કડક કાર્યવાહી હાથ ધરી
સમગ્ર હકીકત સામે આવ્યા બાદ બાળકીના પરિવારે તાત્કાલિક ખટોદરા પોલીસ મથકનો સંપર્ક સાધ્યો હતો. પોલીસે બાળકીના પરિવારજનોની ફરિયાદના આધારે આરોપી નંદલાલ મુખીયા સામે સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી છે. ખટોદરા પોલીસે આરોપી સામે કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરીને વધુ તપાસ તેજ કરી છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *