ગુજરાતમાં ACBએ લાંચિયા તત્વો સામે એકસાથે બે અલગ-અલગ ટ્રેપમાં કાર્યવાહી કરી છે. દાહોદમાં રેશનકાર્ડનું વિભાજન કરી આપવા રૂ.500ની લાંચ લેતા સંજય ડામોર ઝડપાયો છે, જ્યારે નવસારીમાં દિવાલના બિલની મંજૂરી માટે રૂ.40 હજારની લાંચ લેતા નાયબ કાર્યપાલક ઇજનેર બ્રિજેશ ગોંડલીયા અને મદદનીશ ઇજનેર નયન બલદાણીયા ACBના છટકામાં ઝડપાયા છે.
દાહોદમાં પહેલા રૂ.2,500, પછી ફરી રૂ.500ની માંગણી
દાહોદમાં અરજદારે રેશનકાર્ડનું વિભાજન કરાવવા માટે મામલતદાર કચેરીમાં અરજી કરી હતી. આ કામ કરી આપવા સંજય ડામોરે અગાઉ રૂ.2,500 લીધા હોવાનો આક્ષેપ છે. ત્યારબાદ ફરી રૂ.500ની લાંચ માંગવામાં આવતા અરજદારે ACBનો સંપર્ક કર્યો હતો. ACBએ ટ્રેપ ગોઠવી રૂ.500 સ્વીકારતા સંજય ડામોરને રંગેહાથ ઝડપી પાડ્યો હતો.
નવસારીમાં રૂ.50 હજારની માંગણી, રૂ.40 હજારમાં સોદો
નવસારીમાં દિવાલના બિલની મંજૂરી માટે રૂ.50 હજારની લાંચ માંગવામાં આવી હોવાનો મામલો સામે આવ્યો હતો. બાદમાં રૂ.40 હજાર લેવાનું નક્કી થયું હતું. ફરિયાદના આધારે ACBએ છટકું ગોઠવ્યું અને નક્કી કરેલી લાંચની રકમ સ્વીકારતા નાયબ કાર્યપાલક ઇજનેર બ્રિજેશ ગોંડલીયા તથા મદદનીશ ઇજનેર નયન બલદાણીયાને ઝડપી પાડ્યા હતા.
સરકારી કામમાં લાંચનો ખેલ કેટલો ઊંડો?
એક તરફ સામાન્ય નાગરિકના રેશનકાર્ડના કામ માટે રકમ માંગવાનો આક્ષેપ છે, તો બીજી તરફ સરકારી બિલની મંજૂરી માટે ઇજનેરો દ્વારા મોટી રકમની માંગણીનો મામલો સામે આવ્યો છે. બંને કેસમાં ACBની કાર્યવાહી બાદ હવે તપાસમાં લાંચના આ ખેલ પાછળ અન્ય કોઈની ભૂમિકા છે કે કેમ તે બહાર આવે છે કે નહીં તેના પર નજર રહેશે.
આ પણ વાંચો : Statue of Unityમાં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર યોજાતા ઉદ્ધવ ઠાકરેને લાગ્યું મરચું, એક નિવેદનથી રાજકારણ ગરમાયું
