Anand: શક્કરપુર બળિયાદેવ મંદિરમાં આજે હવન અને મહા આરતી

📅 Published: September 10, 2026 | 📂 Category: Anand

ખંભાતના શક્કરપુર વિસ્તારમાં આવેલું શ્રી મોટા બળીયાદેવ મહારાજનું પૌરાણિક મંદિર વર્ષોથી આસ્થા, શ્રાદ્ધા અને પરંપરાનું કેન્દ્ર રહ્યું છે. ચરોતરના 42 ગામો અને 24 પરગણાના દેવ તરીકે જાણીતા બળિયા બાપજી પ્રત્યે ખંભાત સહિત આસપાસના વિસ્તારોના લોકોની અતૂટ શ્રાદ્ધા છે. બળીયાદેવ મહારાજને લોકઆસ્થાના દેવ તરીકે પૂજવામાં આવે છે અને ખાસ કરીને આરોગ્ય, સુખ-શાંતિ તથા વિવિધ બાધાઓમાંથી મુક્તિ માટે ભક્તો શ્રાદ્ધાપૂર્વક તેમની આરાધના કરે છે. શક્કરપુરધામના બળીયાદેવ મહારાજના મહિમાનો સ્કંદ પુરાણમાં પણ ઉલ્લેખ હોવાનું વર્ષોથી મંદિરની પૂજા-અર્ચના સાથે જોડાયેલા ભાગ્યેશભાઈ ભટ્ટ જણાવે છે. અમાસના પાવન દિવસે બળિયા બાપજીના દર્શન કરી પૂજન-અર્ચન અને વધામણાં અર્પણ કરવાની પરંપરા પણ વર્ષોથી ચાલી આવે છે.

આ પાવન પરંપરાને અનુસરી આજે શ્રાવણી અમાસ નિમિત્તે શક્કરપુરધામ સ્થિત શ્રી મોટા બળીયાદેવ મહારાજ મંદિર ખાતે ભવ્ય ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આજે સવારે 9 વાગ્યાથી હવનનો પ્રારંભ થશે અને બપોરે 12 વાગ્યે શ્રીફ્ળ હોમવાની વિધિ સાથે પૂર્ણાહુતિ કરવામાં આવશે. ત્યારબાદ તુરંત જ ભવ્ય મહાઆરતી યોજાશે. પરંપરા મુજબ ગુપ્ત પૂજા અંતર્ગત દીપ અર્પણ વિધિ પણ કરવામાં આવશે. લોકકલ્યાણ, સર્વજનના સુખ-શાંતિ અને મંગલની ભાવના સાથે યોજાનારા આ ધાર્મિક પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તો ઉમટે તેવી શક્યતા છે. મંદિર પ્રશાસન અને આયોજકો દ્વારા ખંભાત શહેર તેમજ આસપાસના વિસ્તારના સર્વે ધર્મપ્રેમી નાગરિકો અને માઈભક્તોને પરિવાર સાથે ઉપસ્થિત રહી બળિયા બાપજીના દર્શન, હવન તથા મહાઆરતીનો લાભ લેવા ભાવભર્યું આમંત્રણ આપવામાં આવ્યું છે.

શક્કરપુરના બળીયાદેવ મહારાજ સાથે જોડાયેલી વધામણાંની પરંપરા પણ ખંભાતની આગવી ધાર્મિક અને સાંસ્કૃતિક ઓળખ બની છે. દર વર્ષે ચૈત્ર મહિનાની શરૂઆતમાં પણ ખંભાતના વિવિધ વિસ્તારોમાંથી ભક્તો ઘરમાં પ્રસાદ તૈયાર કરી શોભાયાત્રા સ્વરૂપે મંદિરે પહોંચે છે અને ભગવતી આલેખથી શણગારેલા દંડ તથા નૈવેદ્ય સાથે બળિયા બાપજીને વધામણાં અર્પણ કરે છે. ખંભાત તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી વિવિધ જ્ઞાતિના અને 18 વર્ણના ભાવિકો શ્રાદ્ધાપૂર્વક આ પરંપરામાં જોડાય છે, જેના કારણે મંદિર પરિસરમાં ભક્તિ અને એકતાનું અનોખું વાતાવરણ સર્જાય છે. શ્રાવણી અમાસના કાર્યક્રમને અનુલક્ષીને ભક્તોને કોઈ અગવડ ન પડે તે માટે પાણી, આરામ અને જરૂરી માર્ગદર્શન સહિતની વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે. શક્કરપુરધામના આ પવિત્ર પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તો પધારી બળિયા બાપજીના આશીર્વાદ મેળવે તેવી આયોજકો દ્વારા અપીલ કરવામાં આવી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *