જ્યારે અતૂટ શ્રદ્ધા અને દૈવીય સંકેત એકરૂપ બને છે ત્યારે ચમત્કારો આકાર લેતા હોય છે. ગુજરાતની પુણ્ય ધરા પર નીમ કરૌરી બાબાનો સદીઓ જૂનો આધ્યાત્મિક નાતો ફરી ઊજાગર થયો છે, બાબાએ આપેલા સ્વપ્ન આદેશથી અમદાવાદના રાંચરડામાં માત્ર પાંચ જ મહિનામાં તૈયાર ‘ગુજરાતનું કૈચીધામ’ બાબાજીના જીવન પર આધારિત ફિલ્મ ‘હનુમાન અંશ’ને લઈને ચર્ચામાં આવ્યું છે. શયન મુદ્રામાં બિરાજમાન હનુમાન દાદાની છત્રછાયા હેઠળ નિર્માણ પામેલું આ મંદિર આજે માત્ર પથ્થરોનું માળખું નહીં પણ કરોડો ભક્તોની અતૂટ આસ્થા, ભક્તિ અને બાબાના આશીર્વાદનું જીવંત પ્રતીક બનીને ઊભરી આવ્યું છે. આ ગુજરાતનું કૈચીધામ અમદાવાદના રાંચરડામાં કેવી રીતે બન્યું? આ ધામ બનાવવાની પ્રેરણા તેમને ક્યાંથી અને કેવી રીતે મળી? ફિલ્મને લઈને તેમના શું મંતવ્યો છે આ જાણવા માટે ભાસ્કરે મંદિરના સ્થાપક ડો. પ્રવીણ ગર્ગ સાથે વાત કરી. “ત્રણ વર્ષ પહેલાં સપનામાં બાબાએ આદેશ આપ્યો હતો”: ડો. પ્રવીણ ગર્ગ
આ અનોખા મંદિરના નિર્માણ સાથે સંકળાયેલા ફિઝિશિયન ડો. પ્રવીણ ગર્ગ જણાવે છે કે, ત્રણ વર્ષ અગાઉ તેઓ ઉત્તરાખંડ સ્થિત કૈંચીધામ ગયા હતા. ત્યાંથી પરત ફર્યા બાદ તેઓ બાબાની ભક્તિમાં લીન બન્યા હતા. ત્યારબાદ તેમને સ્વપ્નમાં બાબાજીના સાક્ષાત દર્શન થયા અને અમદાવાદમાં વિશ્રામ કરતા હનુમાનજીનું મંદિર બનાવવાનો સંકેત મળ્યો હતો. આ દૈવી પ્રેરણાથી તેમણે રાંચરડા ખાતે 35 ફૂટ ઊંચું અને 35 ફૂટ પહોળું આ ભવ્ય મંદિર માત્ર 5 મહિનાના અલ્પ સમયગાળામાં પૂર્ણ કરાવ્યું. મોરબીનું વવાણિયા ગામ બાબાની તપોભૂમિ
નીમ કરૌરી બાબાનું ગુજરાત સાથે પણ અતૂટ આધ્યાત્મિક જોડાણ રહ્યું છે. બાબાનું મૂળ વતન ઉત્તર પ્રદેશનું અકબરપુર હોવા છતાં અને નૈનિતાલનું કૈંચીધામ મુખ્ય કેન્દ્ર હોવા છતાં, ગુજરાતમાં મોરબી નજીક આવેલા વવાણિયા ગામને બાબાજીની પવિત્ર તપોભૂમિ તરીકે પૂજવામાં આવે છે. સ્થાનિક લોકો આજે પણ તેમને શ્રદ્ધાપૂર્વક ‘તલૈયા બાબા’ તરીકે યાદ કરે છે. આ પરંપરાને અનુસરીને રાંચરડા મંદિરમાં પણ અવિરત અન્નક્ષેત્ર અને ભંડારાની સેવા પ્રવૃત્તિઓ અવિરત ધમધમે છે. 108 સંતો અને બાબાના પૌત્રની ઉપસ્થિતિમાં ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા
મંદિરની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ આધ્યાત્મિક દૃષ્ટિએ ઐતિહાસિક રહ્યો હતો. આ પાવન અવસરે 1008 મહામંડલેશ્વર તેમજ દેશભરમાંથી પધારેલા 108 સંતો-મહંતો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ખુદ નીમ કરૌરી બાબાના પૌત્ર ધનંજય શર્માએ પણ વિશેષ ઉપસ્થિત રહીને વિધિ-વિધાનમાં ભાગ લીધો હતો અને ભક્તોને આશીર્વાદ પાઠવ્યા હતા. સિદ્ધપુરના સોમપુરા કારીગરે રાજસ્થાની ગુલાબી પથ્થરથી કંડારી 2 ટનની અનોખી મૂર્તિ
23 ઓગસ્ટ 2024ના રોજ ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા પામેલ આ ‘શ્રી સંકટ મોચન મહાવીર નીમ કરૌરી બાબા રાંચરડા મંદિર’નું રાજસ્થાનના વિશિષ્ટ ગુલાબી પથ્થરમાંથી આ મંદિરનું નિર્માણ કરાયું છે. મંદિરમાં બિરાજમાન હનુમાનજીની મૂર્તિ આશરે 6 ફૂટ લાંબી અને 4 ફૂટ પહોળી છે, જેનું વજન અંદાજે દોઢથી બે ટન જેટલું છે. સિદ્ધપુરના જાણીતા શિલ્પકાર ભાવિન સોમપુરા દ્વારા બે મહિનાથી વધુ સમયની મહેનતે આ દિવ્ય મૂર્તિ ઘડવામાં આવી હતી. આ ઉપરાંત પરિસરમાં હનુમાનજીના પુત્ર મકરધ્વજ, ભગવાન શ્રીરામ, લક્ષ્મણજી તેમજ ઉત્તરાખંડના પરમ પૂજ્ય નીમ કરૌરી બાબાની સુંદર પ્રતિમાઓ પણ પ્રતિષ્ઠિત કરવામાં આવી છે. “સંતો વાસ્તવિક છે, મનોરંજન કરતા ઉપદેશોનો પ્રચાર વધુ જરૂરી”
હાલમાં નીમ કરૌરી બાબાના જીવન પર આધારિત ચર્ચાસ્પદ ફિલ્મ ‘હનુમાન અંશ’ અંગે ડો. પ્રવીણ ગર્ગે પોતાના સ્પષ્ટ વિચારો વ્યક્ત કર્યા હતા. તેમણે જણાવ્યું કે ફિલ્મ નિર્માણનો કોઈ વ્યક્તિગત વિરોધ નથી, પરંતુ સંતના પાત્રનું ફિલ્મીકરણ કરતી વખતે તેમની ગરિમા અને આધ્યાત્મિક આદર્શોનું પાલન થવું અનિવાર્ય છે. પૌરાણિક દેવતાઓ સાથે કલ્પનાત્મક રજૂઆત સ્વીકાર્ય હોઈ શકે, પરંતુ સંતો વાસ્તવિક મહાપુરુષો છે. તેથી સંતોના જીવનને કેવળ મનોરંજન તરીકે પીરસવાને બદલે તેમના સાચા સિદ્ધાંતો, વિચારધારા અને લોકસેવાના કાર્યોનો પ્રસાર કરવો એ જ સાચી શ્રદ્ધાંજલિ છે.
5 મહિનામાં તૈયાર થયું'તું નીમ કરૌરી બાબાનું ગુજરાતનું "કૈચીધામ":ત્રણ વર્ષ પહેલાં બાબાએ સપનામાં હુકમ આપ્યો ને રાંચરડામાં બન્યું મંદિર, સ્થાપકે કહ્યું-સંત પર ફિલ્મ બનાવવી અયોગ્ય
📅 Published: September 11, 2026 |
📂 Category: gujarati-news
