ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રનો આજે અંતિમ દિવસ છે. આજે મહત્વના ગણાતા ગુજરાત ભાડા વિધેયક, ગુજરાત ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ અને ગુજરાતની ખેતીની જમીનના ટુકડા પડતા અટકાવવા અને તેનું એકત્રીકરણ કરવા સુધારા વિધેયક રજૂ કરાશે. આ ઉપરાંત પ્રશ્નોતરી કાળ દરમિયાન ધારાસભ્યોના પ્રશ્નો પર ચર્ચા કરાશે. ગુજરાત ઈઝ ઓફ ડુઈંગ બિઝનેશ બિલ, 24 કલાક દુકાન ખુલ્લી રાખી શકાશે
મહાનગર પાલિકાઓ, હોસ્પિટલો, નેશનલ હાઇવે પરના એકમો, રેલવે સ્ટેશનો, પેટ્રોલપંપ અને બસ સ્ટેશન વિસ્તારોમાં જ 24 કલાક દુકાન ચાલુ રાખવાની છૂટ હતી. નગરપાલિકા અને રાજ્ય ધોરીમાર્ગના એકમો 2થી સવારે 6 અને બાકીના વિસ્તારોમાં રાત્રે 11થી સવારે 6 વાગ્યા સુધી દુકાન બંધ રાખવાની જોગવાઈ હતી. તેમાં હવે સંપૂર્ણ મુક્તિ અપાઇ છે. જોકે કામદારોના રજા સહિતના હકો અને સુરક્ષા સંબંધિત જોગવાઈઓ યથાવત્ રહેશે. ગુમાસ્તા ધારામાં હવે નોંધણી માટે સેલ્ફ ડિક્લેરેશન અને સેલ્ફ સર્ટિફાઇડ દસ્તાવેજોના આધારે અરજી કરવાની જોગવાઈ કરવામાં આવી છે. નોંધણીની અરજીમાં ઇન્સ્પેક્ટરની ભૂમિકા દૂર કરવામાં આવી છે. ટુકડા જમીનના વ્યવહારો દંડ કે પ્રીમિયમ વગર નિયમિત થઇ શકશે
ગુજરાત સરકાર વિધેયક દ્વારા ‘ટુકડા જમીન ધારા-1947’માં મહત્વનો સુધારો કરવા જઇ રહી છે. અગાઉ શહેરી વિસ્તારોમાં જમીનોનું વારસદારોમાં વિભાજન થવાથી થયેલાં ટુકડાંમાં બિનખેતી પ્રક્રિયા થઇ શકતી ન હતી. આ મુશ્કેલી વટહુકમ દ્વારા દૂર કરાઇ પણ હવે તે કાયદા સ્વરૂપે દીર્ઘજીવી બનશે. નવા સુધારા અનુસાર 29 જાન્યુઆરી 1948થી 31 માર્ચ 2026 સુધી કાયદા વિરૂદ્ધ થયેલા જમીનના વિભાજન કે ટ્રાન્સફરના વ્યવહારોને હવે કોઈપણ દંડ કે પ્રીમિયમ વિના આપોઆપ નિયમિત ગણવામાં આવશે. શહેરીકરણ અને ઝોનિંગને કારણે બિન-ખેતી (NA) મંજૂરી અટકેલી હોય તેવા લાખો ખાતેદારોને આ નિર્ણયથી મોટી રાહત મળશે. અદાલતો કે અધિકારીઓ સમક્ષ ચાલતા આ સંબંધી કેસો રદ થશે. ઉપરાંત, સરકારને સ્થાનિક સ્તરે ‘માનક વિસ્તાર’ (Standard Area) નક્કી કરવાની નવી સત્તા પણ આપવામાં આવી છે. ડખ્ખા વગરની જમીનોના સોદામાં હવે એ જ દિવસે નામ ચઢશે
ચોક્કસ શરતો પૂરી થતી હોય તેવા રજિસ્ટર્ડ વેચાણ દસ્તાવેજના આધારે મ્યુટેશન એન્ટ્રી એ જ દિવસે નોંધાવીને પ્રમાણિત કરી શકાશે. હિત ધરાવતા લોકોને નોટિસ આપી વાંધા રજૂ કરવાની તક આપવાની પ્રણાલીના કારણે કેટલીક વખત નામ ચઢાવવાની પ્રક્રિયામાં વિલંબ થતો હતો. અગાઉ આ અંગે સરકારે બહાર પાડેલા વટહુકમને કાયમી કાયદાકીય સ્વરૂપ આપવા માટે સરકાર વિધેયક લાવશે. નવી જોગવાઈનો લાભ લેવા માટે 3 શરતો ફરજિયાત રહેશે. પ્રથમ, વેચાણ દસ્તાવેજની તારીખ પહેલાં ઓછામાં ઓછા 1 વર્ષથી રેકોર્ડ ઓફ રાઇટ્સમાં કોઈ ફેરફાર ન થયો હોવો જોઈએ. બીજું, રેકોર્ડ ઓફ રાઇટ્સમાં સામેલ તમામ વ્યક્તિઓનાં નામે વેચાણ દસ્તાવેજ થયો હોવો જોઈએ. ત્રીજું, વેચાણની તારીખે જમીન અંગે સક્ષમ સત્તા, કોર્ટ અથવા ટ્રિબ્યુનલ સમક્ષ વિવાદ, કાર્યવાહી કે લિટિગેશન પેન્ડિંગ ન હોવું જોઈએ. સક્ષમ સત્તા, કોર્ટ કે ટ્રિબ્યુનલના હુકમ અથવા ડિક્રીના આધારે થતી મ્યુટેશન એન્ટ્રી નોંધાવી પ્રમાણિત કરી શકાશે. ભાડા વિધેયકઃ 3 મહિનાના ભાડાથી વધુ મકાનની ડિપોઝીટ નહીં લઈ શકાય
ગુજરાત સરકારે ભાડાના મકાન અને કોમર્શિયલ મિલકતોને લગતા દાયકાઓ જૂના કાયદામાં મોટા ફેરફારની તૈયારી કરી છે. શહેરી વિકાસ મંત્રી કનુ દેસાઈ દ્વારા Gujarat Rent Bill, 2026 (Gujarat Bill No. 22 of 2026) રજૂ કરવાની દરખાસ્ત છે. બિલમાં 1947ના Gujarat Rents, Hotel and Lodging House Rates Control Actને રદ કરીને કરાર આધારિત નવી ભાડા વ્યવસ્થા લાગુ કરવાની જોગવાઈ છે. નવા કાયદા હેઠળ ભાડા કરાર લેખિત હોવો ફરજિયાત રહેશે અને તેની વિગતો Rent Authorityને આપવાની રહેશે. સૌથી મહત્વની જોગવાઈ મુજબ મકાનમાલિક ત્રણ મહિનાના ભાડાથી વધુ સિક્યોરિટી ડિપોઝિટ લઈ શકશે નહીં, જ્યારે મકાન ખાલી કર્યા બાદ માન્ય કપાત બાદ ડિપોઝિટ એક મહિનામાં પરત કરવાની રહેશે.
વિધાનસભાના ચોમાસુ સત્રનો અંતિમ દિવસ, 3 મહત્વના બિલ રજૂ કરાશે:ગુજરાત ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ વિધેયક પસાર થતા 24 કલાક દુકાનો ખુલ્લી રાખી શકાશે, ભાડા વિધેયક પણ રજૂ થશે
📅 Published: September 11, 2026 |
📂 Category: gujarati-news
