ધ્રુજતા અવાજમાં પારકા દેશમાં ગુજરાતીએ મોદીને જય શ્રી કૃષ્ણ કહ્યું:યુવાને હનુમાનજીની મૂર્તિ બનાવી ને નસીબ પલટાયું, ક્રિકેટર ઉમેશ યાદવ પણ ફિદા થઈ ગયો

📅 Published: September 11, 2026 | 📂 Category: gujarati-news

‘PM નરેન્દ્ર મોદી અને ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન ક્રિસ્ટોફર લક્સન જેવા મારી નજીક આવ્યા કે મારું શરીર ઠંડું પડી ગયું, હાથ-પગ ધ્રૂજવા લાગ્યા અને હોઠ પણ ફફડતા હતા… પણ જો હું ડરી ગયો હોત તો આવી તક ફરી ક્યારેય ન મળત!’ ન્યૂઝીલેન્ડમાં આયોજિત વર્લ્ડ બિઝનેસ ડેલિગેશનમાં ભારતના PM નરેન્દ્ર મોદી અને ન્યૂઝીલેન્ડના PM ક્રિસ્ટોફર લક્સનને પોતાના સ્ટોલ તરફ આવતા જોઈને અમદાવાદના યુવાન અર્થ પંડ્યાની કંઈક આવી સ્થિતિ થઈ ગઈ હતી. જોકે, તેણે પોતાના શરીરમાં જેટલી હિંમત હતી તે તમામ ભેગી કરીને કરીને થોડા ધ્રૂજતા અવાજે કહ્યું “નમસ્તે, કિયા ઓરા (ન્યૂઝીલેન્ડની ભાષામાં સ્વસ્થ રહો તેવો અર્થ થાય છે.) અને જય શ્રીકૃષ્ણ!” ‘જય શ્રીકૃષ્ણ’ સાંભળતા જ નરેન્દ્ર મોદીના ચહેરા પર સ્માઈલ આવી ગઈ. નરેન્દ્ર મોદી ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન સાથે અર્થ પંડ્યાના સ્ટોલ પર આવ્યા. અર્થ બંને વડાપ્રધાનને એક સાથે જોઈને મનમાં ખુશીથી ઊછળી પડ્યો. અર્થે પછી તો પોતાનો આખો કોન્સેપ્ટ નરેન્દ્ર મોદીને સમજાવ્યો. ત્યારબાદ મોદીએ ન્યૂઝીલેન્ડના PM સામે ગર્વથી કહ્યું, “હું જ્યાંથી આવું છું, આ છોકરો પણ ત્યાંથી જ આવે છે!’ અને આ એક જ વાક્ય સાથે ડરનો માહોલ ગર્વની ક્ષણમાં ફેરવાઈ ગયો. દેશના વડાપ્રધાનને જેના માટે આટલું માન અનુભવાયું,તે યુવાન એટલે ‘પાદુકા ઈનોવેશન LLP’ના ફાઉન્ડર અને CEO અર્થ પંડ્યા. જેમણે 3D પ્રિન્ટીંગ ટેક્નોલોજીથી ખાસ પ્રકારનાં શૂઝ તૈયાર કર્યાં છે. અર્થે આ શૂઝ મોદી અને ક્રિસ્ટોફર લક્સન સમક્ષ રજૂ કર્યાં હતાં. ખરેખર આ 3D પ્રિન્ટીંગ શૂઝ છે શું? બજારમાં મળી રહેલી મોંઘી બ્રાન્ડ કરતાં આ શૂઝ કેમ ખાસ છે? આનો વિચાર તેમને કેવી રીતે આવ્યો? નરેન્દ્ર મોદીના ન્યૂઝીલેન્ડ પ્રવાસમાં ડેલિગેશનમાં જવાનો મોકો કેવી રીતે મળ્યો? આ શૂઝની કિંમત કેટલી છે? શા માટે તેમણે પોતાનું બ્રાન્ડ નેમ કોઈ પણ શૂઝ પર નથી લખ્યું? આવા અનેક સવાલો અંગે દિવ્ય ભાસ્કરે અર્થ પંડ્યા સાથે એક્સક્લૂસિવ વાતચીત કરી હતી. અર્થ પંડ્યાએ લંડનમાં અભ્યાસ કર્યો
અર્થ પંડ્યા 2021માં માસ્ટર્સ કરવા લંડન ગયા હતા. ત્યાં યુનિવર્સિટી ઓફ નોટિંગહામમાં ‘એડિટિવ મેન્યુફેક્ચરિંગ એન્ડ 3D પ્રિન્ટિંગ’માં એડમિશન લીધું હતું. અભ્યાસની સાથે તેઓ અઠવાડિયાના 20 કલાક પાર્ટ-ટાઈમ નોકરી પણ કરતા. એક બીમારીથી 3D શૂઝનો વિચાર આવ્યો
અર્થ લંડનમાં વીકએન્ડમાં 10-10 કલાક કામ કરતા. આ દરમિયાન તેમણે ઊભા જ રહેવું પડતું હતું. 2-3 મહિના સુધી તો કંઇ ન થયું પણ એ પછી તો સતત ઊભા રહેવાના કારણે તેમના પગમાં દુખાવો થવા લાગ્યો. ડૉક્ટર પાસે ગયા તો જાણવા મળ્યું કે પ્લાન્ટર ફેસિયાઈટિસ (પગની એડી અને તળિયામાં થતો કોમન અને ખૂબ જ પીડાદાયક દુખાવો) છે. આના નિરાકરણ માટે અર્થે શૂઝ પણ બદલ્યા છતાં રાહત થતી નહોતી ને પીડા વધતી જતી હતી. પછી ડૉક્ટરે કસ્ટમ ફૂટ ઓર્થોટિક્સ (ખાસ પ્રકારના તબીબી સોલ, જેને ડૉક્ટરની સલાહથી દર્દીના પગનાં ચોક્કસ માપ અને જરૂરિયાત મુજબ બનાવવામાં આવે છે) પહેરવાની સલાહ આપી. અલબત્ત, આ શૂઝ ખૂબ મોંઘાં હતાં અને દેખાવમાં પણ કંઈ ખાસ જામે તેવાં નહોતાં. હવે અર્થ પંડ્યાએ માસ્ટર્સના અભ્યાસ દરમિયાન પ્રોજેક્ટમાં પોતાની જ સમસ્યાને ચેલેન્જ તરીકે લીધી. તેમણે કસ્ટમ ફૂટ ઓર્થોટિક્સનો પ્રોજેક્ટ પસંદ કર્યો, જેમાં પ્લાન્ટર ફેસિયાઈટિસની સારવારમાં ઉપયોગી થાય તેવા 3D પ્રિન્ટેડ શૂઝ બનાવવાનું નક્કી કર્યું. 6 મહિના સતત રિસર્ચ કર્યા બાદ પ્રોટોટાઈપ તૈયાર કરીને થિસીસ સાથે પ્રેઝન્ટેશન આપવાનું હતું. અલગ-અલગ પ્રયાસો કર્યા
અર્થ પોતાના રિસર્ચ અનુભવોને વાગોળતાં જણાવે છે, મેં અવનવા પ્રયત્નો કરવાના શરૂ કર્યા ને અંતે 3D પ્રિન્ટ ટેક્નોલોજીથી શૂઝ બનાવવામાં મને સફળતા મળી. જ્યારે મેં આ શૂઝને પ્રોફેસર સમક્ષ રજૂ કર્યા ત્યારે તેમણે મને અભિનંદન આપ્યા અને કહ્યું કે હવે તમે મિકેનિકલ એન્જિનિયર બની ગયા છો. જે મારા માટે ખૂબ જ ગૌરવની વાત હતી. કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ પ્રભાવિત થયા
અર્થે ભારત અને યુ.કે. વચ્ચેના ફ્રી ટ્રેડ એગ્રિમેન્ટના ભાગરૂપે યુ.કે.બિઝનેસ ડેલિગેશનમાં ભાગ લીધો હતો. ‘લઘુ ઉદ્યોગ ભારતી’ના સભ્ય હોવાને કારણે અર્થને તે ડેલિગેશનમાં જવાની તક મળી. લંડનમાં કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ પણ હાજર હતા. તેમણે તમામ ડેલિગેટ્સનો પરિચય અને પ્રોડક્ટ અંગે જાણકારી મેળવી હતી, જેમાં અર્થ પંડ્યાના કામથી તેઓ ખાસ્સા પ્રભાવિત થયા હતા. ઉમેશ યાદવે પણ શૂઝ ટ્રાય કર્યા
લંડનમાં ભારતીય ક્રિકેટર ઉમેશ યાદવ સાથેની મુલાકાતને યાદ કરતાં અર્થે કહ્યું કે, અમે જે હોટેલમાં હતા એ જ હોટેલમાં ક્રિકેટર ઉમેશ યાદવ પણ હતા. આ જોઈને મેં તેમને મળવાનો અપ્રોચ કરીને મારા સ્ટાર્ટઅપ અંગે માહિતી આપી, જેમાં હું 3D પ્રિન્ટિંગ ટેક્નોલોજીથી શૂઝ બનાવું છું. મારાં ડિઝાઇન કરેલાં શૂઝ પણ મેં તેમને બતાવ્યાં. એ શૂઝ એમના માપના હતા એટલે મેં તેમને પહેરવાનું કહ્યું. આ સાથે જ મેં એમ પણ કહ્યું કે તમે પહેર્યા બાદ મને રિવ્યૂ આપજો. એ રિવ્યૂ મારે વીડિયો ફોર્મમાં જોઈતો નથી. આટલું જ નહીં, મારે કોઈ ફોટો પણ ક્લિક કરવા નથી. આ શૂઝ પહેર્યા બાદ ઉમેશ યાદવ ઘણા જ ખુશ થઈ ગયા. સ્પોર્ટસ મિનિસ્ટ્રીમાંથી મેસેજ આવ્યો ને ધબકારા વધી ગયા
અર્થ પંડ્યા લંડનની ઇવેન્ટ પૂર્ણ કરીને ભારત પરત ફરી રહ્યા હતા ને દુબઈમાં હોલ્ટ હતો. આ સમયે અર્થને સ્પોર્ટ્સ મિનિસ્ટ્રીમાંથી મેસેજ આવ્યો કે બે દિવસ પછી વડાપ્રધાન મોદી સાથે એક બિઝનેસ ડેલિગેશન ન્યૂઝીલેન્ડ જશે અને તેમાં તમારે પણ જવાનું છે. ત્યાં સ્પોર્ટ્સ ઇનોવેશન બતાવવાનું છે. આ અંગે અર્થ કહે છે કે, સ્પોર્ટસ મિનિસ્ટ્રીએ સૌ પહેલાં મારા પ્રોજેક્ટની ડિટેલ લીધી ને પછી તેમને મારો પ્રોજેક્ટ પસંદ આવતાં તેમણે ઓનલાઈન વિઝા અપ્લાય કરવાનું કહ્યું. આ રીતે મારે નરેન્દ્ર મોદી સાથે ન્યૂઝીલેન્ડમાં ડેલિગેશનમાં જવાનું થયું. આ મારા માટે ઘણી જ મોટી તક હતી અને મારે કોઈ પણ ભોગે આ તક જવા દેવી નહોતી. ડેલિગશનમાં ભારત તરફથી બે જ સ્ટાર્ટઅપ હતાં
ન્યૂઝીલેન્ડ પહોંચ્યા બાદ અર્થને જાણવા મળ્યું કે સમગ્ર ડેલિગેશનમાં ભારત તરફથી પ્રતિનિધિત્વ કરતા માત્ર બે જ સ્ટાર્ટઅપ હતાં, જેમાં એક અર્થનું હતું. આ સિવાય ત્યાં રજૂ કરાયેલાં અન્ય તમામ ઇનોવેશન ન્યૂઝીલેન્ડનાં જ હતાં. કાર્યક્રમ દરમિયાન અર્થને કહેવામાં આવ્યું હતું કે બંને દેશના વડાપ્રધાન તેમના સ્ટોલમાં આવશે. આ જ કારણે અર્થને કંઇક યુનિક કરવાની સલાહ આપવામાં આવી. આ વાત ધ્યાને રાખીને અર્થે એક શૂઝ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બીજા ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન ક્રિસ્ટોફર લક્સન માટે તૈયાર કર્યાં હતાં. PM મોદી મારી નજીક આવ્યા અને…
અર્થ જણાવે છે કે, જ્યારે બંને દેશના વડાપ્રધાન મારા સ્ટોલ નજીક આવતાં હતા ત્યારે મારું શરીર એકદમ ઠંડું પડી ગયું હતું મારા હાથ અને પગમાં ધ્રુજારી હતી. હોઠ પણ સુકાઈ ગયા હતા. પછી મનમાં વિચાર આવ્યો કે જો હું ડરી જઈશ તો ફરી આવી તક નહીં મળે. તે બંને મહાનુભાવ મારી નજીક આવ્યા ત્યારે ખબર નહીં કેમ પણ મારા કૉન્ફિડન્સ લેવલમાં વધારો થયો અને ડર એકદમ જ ગાયબ થઈ ગયો. આ દરમિયાન અજીત ડોભાલને પણ ખૂબ જ નજીકથી જોઈને હું આશ્ચર્યમાં મુકાઈ ગયો. ‘હું જ્યાંથી આવું છું, આ છોકરો પણ ત્યાંથી જ આવે છે’
‘મેં ખૂબ જ સહજતાથી કહ્યું નમસ્તે, કિયા ઓરા અને જય શ્રી કૃષ્ણ. જેવું મેં જય શ્રીકૃષ્ણ કહ્યું કે તરત જ નરેન્દ્ર મોદીને ખબર પડી ગઇ કે આ તો ગુજરાતી છે અને તેમના ચહેરા પર એક મોટી સ્માઇલ આવી ગઇ. આ દરમિયાન મેં મારા શૂઝના કોન્સેપ્ટને બંને દેશના વડાપ્રધાન સમક્ષ રજૂ કર્યો. બંનેએ ખૂબ જ શાંતિથી આખો કોન્સેપ્ટ જાણ્યો. બંનેએ મને ઘણા કાઉન્ટર પ્રશ્નો પણ પૂછ્યા હતા. PM નરેન્દ્ર મોદીએ પૂછ્યું કે આનો ઉપયોગ શું છે? જ્યારે લક્સને પૂછ્યું કે આ શૂઝ બાકીનાં શૂઝ કરતાં કઈ રીતે વધુ ઉપયોગી છે? એટલે મેં તેનો જવાબ આપ્યો. તેઓ બંને એકબીજા સાથે અંદરોઅંદર વાત કરીને ચર્ચા પણ કરતા હતા. આ દરમિયાન નરેન્દ્ર મોદીએ ન્યૂઝીલેન્ડના PMને કહ્યું કે હું જ્યાંથી આવું છું આ છોકરો પણ ત્યાંથી જ આવે છે. આ શબ્દો મારા માટે ખૂબ જ મહત્ત્વના હતા.’ ‘ન્યૂઝીલેન્ડના PMએ કહ્યું મારાં શૂઝ ક્યાં છે?’
અર્થ પંડ્યાએ બંને પીએમ માટે જે શૂઝ તૈયાર કર્યાં હતાં એ અંગેના કિસ્સા વિશે કહ્યું, હું બંને વડાપ્રધાનને ત્યાં જ આ શૂઝ આપવા માગતો હતો પણ પ્રોટોકોલના કારણે હું તાત્કાલિક ના આપી શક્યો. જોકે, ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન લક્સન સાથે ખૂબ જ રમૂજી ઘટના બની. જ્યારે તેઓ PM નરેન્દ્ર મોદીને વળાવીને પાછા આવ્યા ત્યારે તેમણે દૂરથી બૂમ પાડીને કહ્યું ‘હે યુ શૂ ગાય, આઇ વોન્ટ માય શૂઝ’. આ મને ખૂબ જ ગમ્યું કે એક વડાપ્રધાને મારી પાસે યાદ કરીને શૂઝ માગ્યાં. બ્રાન્ડનું નામ ‘ઓરિઝ’, એ વળી શું?
અર્થે પોતાની બ્રાન્ડનું નામ ‘ઓરિઝ’ રાખ્યું છે. જેનો અર્થ ગ્રાહકોને માત્ર લક્ઝુરિયસ જ નહીં, પરંતુ ઉત્કૃષ્ટ લક્ઝુરિયસ ગોલ્ડ પ્રોડક્ટ આપવાનો છે. જેનાથી શ્રેષ્ઠ પ્રોડક્ટ બીજે ક્યાંય ના મળે. શરૂઆતની સફરમાં ઘણા લોકો તેમના પરિવારને કહેતા કે લોકો વિદેશમાં સેટલ થવા જાય છે અને દીકરાને સારી જોબ મળી રહી હોવા છતાં તે પોતાની લાઈફ કેમ ખરાબ કરી રહ્યો છે? સ્ટેબલ જોબ છોડીને પાછા આવી જવાનો અને બિઝનેસ કરવાનો નિર્ણય શા માટે લીધો? પહેલાં મૂર્તિઓ ડિઝાઇન કરી
પોતાની સફરની શરૂઆત વિશે વાત કરતાં અર્થ કહે છે કે, હું ભારત પાછો ફર્યો એ પછી અમદાવાદમાં 3D પ્રિન્ટેડ શૂઝ બનાવવાની શરૂઆત કરી ત્યારે લોકોને હું મારા બિઝનેસ વિશે કહેતો કે હું 3D પ્રિન્ટીંગ કરું છું ત્યારે તેઓ મને બેનર બનાવવાવાળો જ સમજતા હતા. બીજી તરફ લિમિટેડ બજેટના કારણે મેં મારા ઘરેથી જ શરૂઆત કરી હતી, જેમાં મેં મલ્ટિપલ 3D મશીનોનું સેટ અપ કર્યું હતું. મારી પાસે શૂઝ માટેની ફોર્મ્યૂલા તો હતી પણ તેના આગળના રિસર્ચના પૈસા નહોતા એટલે ઈન્કમ ભેગી કરવા મેં સૌ પહેલાં મૂર્તિઓ ડિઝાઈન કરવાનું શરૂ કર્યું. તે સમયે મારી પાસે માત્ર 75,000 રૂપિયા જ હતા. મૂર્તિઓની આવકથી 3D શૂઝમાં રિસર્ચ
અર્થે સૌથી પહેલાં હનુમાનજીની મૂર્તિ તૈયાર કરી. ત્યારબાદ તેઓ મૂર્તિ સાથે સાળંગપુર મંદિરે દર્શન કરવા ગયા. મનમાં એ જ આશા હતી કે ભગવાન આગળનો રસ્તો બતાવશે. ત્યાં પહોંચતાં જ એક સ્વામીને એ મૂર્તિ ગમી જતાં પૂછ્યું કે આ મૂર્તિ ક્યાંથી લાવ્યા? જાતે જ બનાવી હોવાનું જણાવતાં તેમણે ખાતરી કરવા બે-ત્રણ વાર ફરી પૂછ્યું. સ્વામીએ આખી વાત જાણી અને બસ ત્યારથી જ મૂર્તિઓનો કોમર્શિયલ બિઝનેસ શરૂ થયો. ધીરે-ધીરે મૂર્તિઓનું સારું કામ થવાથી આવક વધી અને તે પૈસાનો ઉપયોગ 3D શૂઝના રિસર્ચમાં કર્યો. ‘આમાં એસેસરીઝ એ જ તમારી ફેક્ટરી થઈ ગઈ’
હાલ બજારમાં જે ટ્રેડિશનલ શૂઝ મળી રહ્યાં છે તેના કરતાં આ શૂઝ કઈ રીતે અલગ છે એ અંગે પૂછતાં તેમણે કહ્યું, ટ્રેડિશનલ શૂઝ બનાવવા તમારે મોટી ફેક્ટરીની જરૂર પડે. ફેક્ટરી કરતાં પણ તેની પ્રોસેસ ખૂબ જ કોમ્પ્લિકેટેડ છે આ સાથે જ તેમાં ખૂબ જ મોટા બજેટની જરૂર પડે છે. આટલું કરવા છતાં પણ તમે તેમાં ઈન્ડિવિજ્યુલ કસ્ટમાઈઝ્ડ શૂઝ તો ન જ બનાવી શકો. જ્યારે 3D પ્રિન્ટેડ શૂઝમાં મશીન અને એસેસરીઝ એ જ તમારી ફેક્ટરી થઈ ગઈ. આમાં નાનું સેટઅપ કરવું હોય તો એ પણ થાય અને મોટું કરવું હોય તો એ પણ થાય. ગ્રાહક ઇચ્છે તેવાં શૂઝ બનાવે
ગ્રાહક જ્યારે 3D શૂઝ બનાવવા આવે ત્યારે સૌથી પહેલાં પગનું સ્કેનિંગ કરીને પંજાની રચના સમજી શકાય. ઘણા લોકોના બંને પગના માપમાં તફાવત હોવાથી સામાન્ય શૂઝમાં એડજસ્ટમેન્ટ કરવું પડતું હોય છે. પરંતુ અહીં દરેક વ્યક્તિના પગના ચોક્કસ માપ મુજબ અલગ રીતે જ શૂઝ તૈયાર કરવામાં આવે છે. આ રીતે શૂઝ તૈયાર થાય છે
અર્થ પંડ્યાએ શૂઝના ભાવ અંગે જણાવ્યું હતું, સ્લાઇડરથી લઇને શૂઝ સુધીની કિંમત અંદાજે 3 હજારથી 20 હજાર સુધીની છે. આ શૂઝ પહેરવાનો સૌથી મોટો ફાયદો એ કે લાંબા સમય સુધી ઊભા રહેવાનું હોય તો એડીમાં દુખાવો ના થાય. પગમાં રાહત રહે. ડૉક્ટર, નર્સ, ટીચર, એથ્લિટને ઉપયોગી થઇ શકે. મેજરમેન્ટના આધારે જ બનતાં હોવાથી તે પરફેક્ટ બને છે. આડાઅવળા પગ પડતા હોય તો તે સીધા થાય. પગમાં કોઇ ઇજા થઇ હોય તો રિકવરીમાં પણ ઉપયોગી છે. શૂઝની લાઇફ વેલ્યુ 2 વર્ષ જેટલી હોય છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *