Anand News : 'તમારા ખાતામાંથી પાકિસ્તાન ફંડિંગ થાય છે…' એક ફોન કોલ અને વકીલે ગુમાવ્યા રૂ. 70 લાખ!

📅 Published: September 11, 2026 | 📂 Category: Anand

પેટલાદ શહેરની હિના પાર્ક સોસાયટીમાં રહેતા અને વ્યવસાયે વકીલ એવા નાઝીમુદ્દીન મિર્ઝા સાથે સાયબર ઠગોએ ‘ડિજિટલ અરેસ્ટ’ના નામે મોટી છેતરપિંડી આચરી છે. ભામટાઓએ મહારાષ્ટ્ર ATS (એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ) પોલીસ અધિકારીની ઓળખ આપીને વકીલને વોટ્સઅપ પર કોલ કર્યો હતો. સાયબર ક્રિમિનલ્સે અત્યંત શાતિરતાથી વાતચીત કરીને વકીલને માનસિક રીતે દબાણમાં લાવી દીધા હતા અને ઘરની બહાર ન નીકળવા તેમજ કોઈને જાણ ન કરવા જણાવી ‘ડિજિટલ અરેસ્ટ’ કરી લીધા હતા.

પાકિસ્તાન ટેરર ફંડિંગનો ડર બતાવી રૂ. 70 લાખ પડાવ્યા

ઠગોએ વકીલને ધમકાવતા જણાવ્યું હતું કે તેમના બેંક ખાતામાંથી રૂ. 7 કરોડનું મની લોન્ડરિંગ થયું છે અને આ નાણાંનો ઉપયોગ પાકિસ્તાનમાં આતંકવાદી પ્રવૃત્તિઓ માટે કરવામાં આવી રહ્યો છે. આ ગંભીર કેસમાં તેમનું નામ હોવાનું અને જેલ જવાની ધમકી આપીને ઠગોએ તેમની પાસેથી તબક્કાવાર રૂ. 70 લાખની માતબર રકમ પડાવી લીધી હતી. કાનૂની કાર્યવાહીના ડરે વકીલે રકમ ચૂકવી દીધા બાદ પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થયો હતો.

આણંદ સાયબર ક્રાઇમ પોલીસમાં ફરિયાદ અને તપાસ

આ સમગ્ર હૃદયકંપાવનારી ઘટના અંગે વકીલ નાઝીમુદ્દીન મિર્ઝાએ આણંદ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. પોલીસે વોટ્સઅપ નંબરો અને બેંક ટ્રાન્ઝેક્શનના આધારે ગુનો નોંધીને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. એક સુશિક્ષિત વકીલ પણ સાયબર ઠગોની આવી જાળમાં ફસાઈ જતાં સમગ્ર આણંદ અને પેટલાદ પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે.

આ પણ વાંચો : Ahmedabad : એકા ક્લબ પછી વાસણામાં રૂ.3.71 કરોડની ‘ટેક્સની ચોરી’, 2001થી પાર્ટી પ્લોટ ધમધમ્યો, પણ AMCને ચૂકવ્યા માત્ર રૂ.12 લાખ!


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *