કોબામાં 2016ના બિલ્ડર પત્ની હત્યા-લૂંટ કેસમાં ચુકાદો:આરોપી માનજી ભુરિયાને આજીવન કેદ અને ₹28 હજારનો દંડ

📅 Published: September 11, 2026 | 📂 Category: gujarati-news

ગાંધીનગરના કોબા સર્કલ નજીક આવેલા મનોરમ્ય રીટ્રીટ બંગલોઝમાં વર્ષ 2016માં બિલ્ડર પ્રદીપભાઈ પટેલના પત્ની ચેતનાબેનની દુપટ્ટા વડે ગળેટૂંપો આપી કરાયેલી નિર્મમ હત્યા અને લૂંટના ચકચારી કેસમાં કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. ગાંધીનગરના બીજા એડિશનલ ડિસ્ટ્રિક્ટ કોર્ટના જજ પી.એમ. ઉનડકટ દ્વારા આ કેસમાં સંડોવાયેલા આરોપી માનજીભાઈ મુળાભાઈ ભગીભાઈ ભુરિયાને કસૂરવાર ઠેરવી આજીવન કેદની સખત સજા તેમજ કુલ ₹28 હજારનો રોકડ દંડ ફટકારવામાં આવ્યો છે. પીવાના પાણીના બહાને ઘરમાં પ્રવેશ કર્યો
ઘટનાની વિગતો મુજબ, 14 ઓક્ટોબર 2016ના રોજ ચેતનાબેન પટેલ પોતાના બંગલામાં એકલા હાજર હતા. આ દરમિયાન બિલ્ડરની સાઇટ અને ઘરે અગાઉ મજૂરીકામ કરી ચૂકેલો અને ઘરની તમામ હિલચાલથી વાકેફ મુખ્ય સૂત્રધાર હરેશ નવલભાઈ ભુરિયા તેના બે સાથીદારો માનજી ભુરિયા અને સુભાષ પુનિયાભાઈ ભુરિયા સાથે ગુનાહિત ઈરાદે પહોંચ્યો હતો. પરિચિત હોવાને કારણે હરેશે પીવા માટે પાણી માંગતા ચેતનાબેન દરવાજો ખોલી અંદર પાણી લેવા ગયા હતા. તેઓ પાણીનો ગ્લાસ મૂકવા જતા હતા ત્યારે જ પાછળથી હરેશે તેમને પકડીને નીચે પટકી દીધા હતા અને માનજીએ તેમનું મોં દબાવી વાળ પકડી રાખી કપાળ તથા નાકના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. દુપટ્ટાથી ગળેટૂંપો આપી હત્યા બાદ લૂંટ ચલાવી
હુમલા દરમિયાન ત્રીજા આરોપી સુભાષે નજીકમાં પડેલો દુપટ્ટો લાવીને ગળાના ભાગે ફાંસો લગાવી દીધો હતો અને ત્રણેયે ભેગા મળીને ચેતનાબેનની નિર્દયતાથી હત્યા નીપજાવી હતી. હત્યાને કુદરતી મોત કે આત્મહત્યામાં ખપાવવાના પ્રયાસરૂપે કાવતરું રચી આરોપીઓ ઘરમાંથી સોનાની બે બંગડીઓ, સોનાનું મંગળસૂત્રનું પેન્ડલ, માઇક્રોમેક્સ મોબાઈલ ફોન તેમજ ઉપલા માળેથી ચાંદીના દાગીના લૂંટી પુરાવાનો નાશ કરી ફરાર થઈ ગયા હતા. આ ચકચારી બનાવ અંગે ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં હત્યા અને લૂંટનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જામીન મેળવી નાસી છૂટેલા આરોપી સામે અલગ કેસ ચાલ્યો
આ ગુનામાં અગાઉ મુખ્ય આરોપી હરેશ નવલભાઈ ભુરિયા વિરુદ્ધ ટ્રાયલ ચાલી જતાં વર્ષ 2021માં કોર્ટે તેને આજીવન કેદની સજા ફટકારી દીધી હતી. જોકે, કેસ દરમિયાન જામીન પર મુક્ત થઈ નાસતો ફરતો સહ-આરોપી માનજી મુળાભાઈ ભુરિયા ઝડપાઈ જતાં તેની સામે અલગથી પુરવણી ચાર્જશીટ રજૂ કરાઈ હતી. સરકારી વકીલ પ્રિતેશ ડી. વ્યાસે કોર્ટમાં ધારદાર દલીલો કરતાં જણાવ્યું હતું કે નિર્દોષ મહિલાની ક્રૂર હત્યાથી નિર્દોષ માસૂમ બાળકો અનાથ થયા છે અને હસતો-રમતો પરિવાર વેરવિખેર થઈ ગયો છે. સમાજમાં કાયદાનો દાખલો બેસે તે માટે આરોપીને કડકમાં કડક સજા થવી જરૂરી છે. આ દલીલોને માન્ય રાખી કોર્ટે આરોપી માનજીને અંતિમ શ્વાસ સુધી જેલની સજા સંભળાવી છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *