સુરતના જાણીતા પ્રવાસન સ્થળ ડુમસ સી-ફેસ ખાતે દરિયામાં નહાવા ગયેલા બે કિશોરો પૈકી એક કિશોર ઊંડા પાણીમાં તણાઈ જતાં ગરકાવ થયો હોવાની ગંભીર ઘટના સામે આવી છે. દરિયામાં મોટી ભરતીના કારણે સર્જાયેલા ભારે કરંટમાં કિશોર ડૂબવા લાગ્યો હતો. આ દ્રશ્ય જોઈને સાથે રહેલો અન્ય કિશોર ગભરાઈને કિનારે દોડી આવ્યો હતો અને ડરના માર્યા સ્થળ પરથી ભાગી ગયો હતો. બનાવની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ તાબડતોબ ઘટનાસ્થળે પહોંચી હતી અને રેસ્ક્યુ કામગીરી હાથ ધરી હતી. ભરતીના કરંટમાં કિશોર ખેંચાયો
બે કિશોરો ડુમસ સી-ફેસ નજીક દરિયા કિનારે પહોંચ્યા હતા અને પાણીમાં નહાવા ઉતર્યા હતા. આ દરમિયાન દરિયામાં મોટી ભરતી ચાલુ હોવાથી પાણીનું મોજું અને કરંટ ખૂબ જ તેજ હતા. ક્ષણભરમાં એક કિશોર પાણીના જોરદાર વહેણમાં ખેંચાઈને ઊંડાણમાં ગરકાવ થયો હતો. સાથી મિત્રને ડૂબતો જોઈ બીજો કિશોર હેબતાઈ ગયો હતો અને મદદ માટે બૂમાબૂમ કરવાને બદલે ગભરાટમાં ત્યાંથી નાસી છૂટ્યો હતો. આસપાસના લોકોનું ધ્યાન પડતાં સમગ્ર મામલાની જાણ તાત્કાલિક સુરત ફાયર કંટ્રોલ રૂમને કરવામાં આવી હતી. કલાકોથી શોધખોળ છતાં કોઈ પત્તો નહીં
કૉલ મળતાં જ ડુમસ ફાયર સ્ટેશનન ફાયર ઓફિસર રોહિત ખલાસી સહિતની ટીમ રેસ્ક્યુ સાધનો સાથે ડુમસ સી-ફેસ પર પહોંચી ગઈ હતી. ફાયર ફાઈટરો દ્વારા દરિયાના ધસમસતા પ્રવાહ વચ્ચે તુરંત જ સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. જોકે, ઘટનાને લાંબો સમય વીતી ગયો હોવા છતાં ડૂબેલા કિશોરનો કોઈ પત્તો મળ્યો નથી. ભરતી અને તોફાની મોજાના કારણે બચાવ કામગીરીમાં પણ ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. હાલ ફાયર બ્રિગેડની ટીમ દ્વારા દરિયાના વિસ્તારોમાં સઘન શોધખોળ ચાલુ રાખવામાં આવી છે. કિશોરની ઓળખ માટે સ્થાનિક પોલીસ કામે લાગી
દરિયામાં ગરકાવ થયેલા કિશોરની હજુ સુધી કોઈ ઓળખ થઈ શકી નથી. તેની સાથે આવેલો મિત્ર પણ ગાયબ હોવાથી આ કિશોર ક્યા વિસ્તારનો છે અને તેનો પરિવાર ક્યાં રહે છે તે અંગે કોઈ વિગતો સામે આવી નથી. ડુમસ પોલીસે ઘટનાસ્થળે પહોંચી નજીકના વિસ્તારોમાંથી કોઈ કિશોર ગુમ થયો છે કે નહીં તેની તપાસ હાથ ધરી છે. કિશોરના પરિવારજનોનો સંપર્ક સાધવા માટે તંત્ર દ્વારા પ્રયાસો તેજ કરવામાં આવ્યા છે.
દરિયામાં નહાવા પડેલા બે કિશોરો પૈકી એક ઊંડા પાણીમાં ગરકાવ:સાથીદાર ડરીને ભાગી ગયો, સુરતમાં ડુમસ સી-ફેસમાં ફાયર બ્રિગેડનું સર્ચ ઓપરેશન
📅 Published: September 11, 2026 |
📂 Category: gujarati-news
