Duleep Trophyના જૂના નિયમો પર સવાલ, પ્રથમ ઈનિંગમાં લીડ લો અને ચેમ્પિયન બનો, આવો નિયમ ક્યારે બદલાશે?

📅 Published: September 11, 2026 | 📂 Category: cricket

દુલીપ ટ્રોફી 2026ની ફાઈનલ મેચમાં ભવ્ય વિજય મેળવ્યા બાદ ઈસ્ટ ઝોનના ખેલાડીઓ જશ્ન મનાવી રહ્યા હતા,પરંતુ ક્રિકેટના દ્રષ્ટિકોણથી આ મુકાબલો એક મોટો પ્રશ્ન છોડી ગયો છે. પાંચ દિવસ સુધી ચાલેલી આ ફાઈનલ મેચમાં ટ્રોફીનો નિર્ણય છેલ્લા દિવસે નહીં, પરંતુ પ્રથમ ઈનિંગ્સના પ્રદર્શન પરથી જ લગભગ નક્કી થઈ ગયો હતો. ઈસ્ટ ઝોને 708 રનનો વિશાળ સ્કોર ખડક્યા બાદ સાઉથ ઝોનને 366 રનમાં ઓલઆઉટ કરીને મોટી સરસાઈ મેળવી લીધી હતી અને તેની સાથે જ ખિતાબ તેમના નામે થઈ ગયો હતો.

દુલીપ ટ્રોફીનો આ નિયમ સૌથી મોટી વિડંબના

આ પરિસ્થિતિ બાદ મુખ્ય પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે, શું ઈસ્ટ ઝોન જોખમ ઉઠાવીને મેચ જીતવાનો પ્રયાસ કરશે? જવાબ છે- શા માટે કરે? દુલીપ ટ્રોફીના નિયમની આ સૌથી મોટી વિડંબના છે કે જેમાં બીજી ઈનિંગ્સ પૂરી થાય તે પહેલાં નોકઆઉટ મેચ સમાપ્ત થાય તો પ્રથમ ઈનિંગ્સની સરસાઈના આધારે જ વિજેતા નક્કી કરવામાં આવે છે. એટલે કે, પ્રથમ ઈનિંગ્સમાં લીડ મેળવતા જ ટીમ પાસે ટ્રોફી જીતવાનું મોટું હથિયાર આવી જાય છે. ત્યારબાદ મેચને પરિણામલક્ષી બનાવવા માટે વધારાનું રિસ્ક લેવાનો કોઈ અર્થ રહેતો નથી.

જો લીડ મળી ગઈ તો શું કામ મહેનત કરવી? 

આ અંગે ઈસ્ટ ઝોનના કેપ્ટન ઈશાન કિશને આ માનસિકતાને ખૂબ જ સ્પષ્ટ શબ્દોમાં રજૂ કરી હતી. જ્યારે તેને ફોલોઓન આપવા અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું કે, તેની ટીમે લગભગ બે દિવસ સુધી બેટિંગ કરી છે અને આ મેચ મૂળભૂત રીતે ‘પ્રથમ ઈનિંગ્સની રમત’ છે. તેની પ્રાથમિકતા સાઉથ ઝોનની તમામ 10 વિકેટ ઝડપવાની હતી અને ત્યારબાદ ફરીથી બેટિંગ કરવી એ વધુ સ્વાભાવિક વિકલ્પ હતો. ઈશાને રમૂજ કરતા પૂછ્યું કે, તેઓ ફરીથી આવી ગરમીમાં જઈને ત્રણ દિવસ સુધી બોલિંગ શા માટે કરવા માંગશે? 

લીડ જ જીત નિર્ધારિત કરી રીતે કરી શકે?

મજાકમાં કહેવાયેલી આ વાત વાસ્તવમાં નિયમની ખામી દર્શાવે છે. જ્યારે પ્રથમ ઈનિંગ્સની લીડ જ ખિતાબ કોણ જીતશે તે નક્કી કરતું હોય, ત્યારે કેપ્ટન પોતાની ટીમની જીતને દાવ પર લગાવીને વિરોધી ટીમને ફરી બેટિંગની તક આપે તેવી અપેક્ષા રાખવી નકામી છે. રેડ બોલ ક્રિકેટની ફાઈનલ ખેલાડીઓની કસોટી સમાન હોવી જોઈએ, પરંતુ જ્યારે લીડ જ નિર્ણય લેતી હોય ત્યારે મેચની બીજી ઈનિંગ્સનું મહત્વ ઘટી જાય છે. ઈસ્ટ ઝોને બીજી ઈનિંગ્સ રમીને પાંચમા દિવસે લંચ અગાઉ ઈનિંગ્સ ડિકલેર કરી હતી અને સમયના અભાવે મેચ ડ્રોમાં પરિણમી હતી, પરંતુ નિયમ મુજબ ઈસ્ટ ઝોન ચેમ્પિયન બની ચૂક્યું હતું.

મામલો માત્ર નિયમનો નથી

ચેન્નઈની લાલ માટીવાળી પીચે પણ બેટ્સમેનોને પૂરો સાથ આપ્યો હતો.પાંચ દિવસ દરમિયાન પીચમાં કોઈ મોટો ફેરફાર જોવા મળ્યો નહોતો. ક્યારેક બોલ નીચો રહેતો તો ક્યારેક ઉછળતો હતો, પરંતુ બેટ્સમેનને મુશ્કેલીમાં મૂકે તેવી મદદ બોલરો ન મળી. ઈસ્ટ ઝોનના કોચે પણ પિચ વિશે કોઈ ફરિયાદ કરી ન હતી. તેમણે કહ્યું કે, તે બેટિંગ માટે શાનદાર પીચ હતી અને જે બેટ્સમેનોએ ધ્યાનપૂર્વક બેટિંગ કરી તેમણે મોટા રન બનાવ્યા. આ જ કારણ હતું કે, ઈશાન કિશને 334 બોલમાં 270 રનની મેરાથોન ઈનિંગ્સ રમીને ટીમને 708ના સ્કોર સુધી પહોંચાડી હતી. આ સિવાય, સાઉથ ઝોનની ટીમમાં કરુણ નાયર અને આર. સાઈ કિશોર જેવા અનુભવી ખેલાડીઓની ગેરહાજરીએ પણ મેચના રોમાંચને ઓછો કર્યો હતો. પ્રેક્ષકો વૈભવ સૂર્યવંશીને જોવા આવ્યા હતા, પરંતુ મેચ ધીમે ધીમે માત્ર લીડ સુરક્ષિત કરવાની રમતમાં ફેરવાઈ ગઈ હતી.

આ જીત ક્રિકેટ માટે ઘણા પ્રશ્ન છોડી જાય છે

ઈસ્ટ ઝોન માટે 2012-13 પછી આ એક ઐતિહાસિક વિજય રહ્યો અને ટીમે ચાહકોનો આભાર પણ માન્યો હતો, પરંતુ આ જશ્ન વચ્ચે એક પ્રશ્ન ઊભો થયો છે. જો પ્રથમ ઈનિંગ્સની લીડથી જ ટ્રોફી નક્કી થઈ જતી હોય, તો ફાઈનલ મેચના છેલ્લા દિવસોમાં કેપ્ટન જોખમ કેમ ઉઠાવે? BCCIએ હવે દુલીપ ટ્રોફીના આ જૂના નિયમ પર પુનર્વિચાર કરવાની જરૂર છે. ફાઈનલમાં માત્ર સુરક્ષિત રમત રમવાની મજબૂરી નહીં, પરંતુ મેચ જીતવાનો અસલી રોમાંચ હોવો જરૂરી છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *