સુરત શહેરના ઝોન-6 પોલીસ દ્વારા પ્રજાભિમુખ કામગીરીના ભાગરૂપે ‘તેરા તુજકો અર્પણ’ નામના વિશેષ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. સુરત પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમ દરમિયાન વિવિધ ગુનાઓ અને આર્થિક છેતરપિંડીનો ભોગ બનેલા મૂળ માલિકોને તેમની રકમ પરત સોંપવામાં આવી હતી. પોલીસે સ્થળ પર જ કૂલ 117 જેટલા અરજદારો અને લાભાર્થીઓને કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ કરીને રૂ.29.46 કરોડની માતબર રકમ તથા મુદ્દામાલ વિધિવત રીતે પરત સોંપ્યો હતો.
સચિન GIDC પોલીસે સૌથી વધુ રકમ પરત અપાવ્યા
આ કાર્યક્રમમાં ઝોન-6 હેઠળના વિવિધ પોલીસ સ્ટેશનોની સરાહનીય કામગીરી સામે આવી હતી. જેમાં સૌથી વધુ સચિન GIDC પોલીસ સ્ટેશન દ્વારા રૂ.21 કરોડની રકમ તેના મૂળ માલિકોને પરત અપાવવામાં આવી હતી. આ ઉપરાંત સચિન પોલીસ સ્ટેશન દ્વારા રૂ.7 કરોડ અને ડિંડોલી પોલીસ સ્ટેશન દ્વારા રૂ.78 લાખની રકમ અરજદારોને પરત કરવામાં આવી હતી. આર્થિક ગુનાઓ અને વિવિધ અરજીઓમાં પોલીસે યોગ્ય સમાધાન તથા કાયદાકીય કાર્યવાહી કરીને કૂલ 34 જેટલા ગુનાઓ પણ દાખલ કર્યા હતા.
મૂળ માલિકોમાં ખુશીની લહેર, પોલીસનો માન્યો આભાર
વર્ષોથી કે લાંબા સમયથી અટવાયેલી પોતાની કમાણી અને કિંમતી મત્તા અચાનક પરત મળી જતાં અરજદારો અને લાભાર્થીઓના ચહેરા પર ખુશીની લહેર જોવા મળી હતી. પોતાની મહેનતના નાણાં સુરક્ષિત રીતે પરત મળવા બદલ તમામ નાગરિકોએ સ્થાનિક પોલીસ અને સુરત પોલીસ કમિશનરની આ ત્વરિત કામગીરી અને પારદર્શક અભિગમની મુક્ત કંઠે પ્રશંસા કરી આભાર વ્યક્ત કર્યો હતો.
