રખડતા શ્વાન મુદ્દે હાઈકોર્ટની AMCને વોર્ડવાઇઝ એક્શન પ્લાન બનાવવા ટકોર:કહ્યું- હડકાયા કુતરાં માણસો માટે જોખમી, એકપણ રહી ગયું તો તમામ પ્રયાસો પર પાણી ફરી વળશે

📅 Published: September 11, 2026 | 📂 Category: gujarati-news

રખડતાં શ્વાન મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી યોજાઈ હતી, જેમાં સુપ્રીમ કોર્ટના નિર્દેશ અનુસાર હાઇકોર્ટ દ્વારા સુઓમોટો કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કેસની સુનાવણી ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ ડી.એન. રેની બેન્ચ સમક્ષ થઇ હતી, એક તબક્કે હાઇકોર્ટે હડકાયા શ્વાનની સમસ્યાના નિકાલને કોર્પોરેશન સહિતની ઓથોરિટી પ્રાથમિકતા આપવી જોઇએ એવી મૌખિક ટકોર કરતાં કહ્યું હતું કે, હડકાયા શ્વાનથી બીજા શ્વાનો અને માણસોને સૌથી વધુ જોખમ રહે છે. જો આવા શ્વાનોની સમસ્યાનો નિકાલ નહીં થાય તો તંત્રની દરેક પ્રકારના પ્રયત્નો પર પાણી ફરી શકે છે. આ કેસમાં કોર્પોરેશનને વિસ્તૃત પ્લાન બનાવવાનું સૂચન કરવામાં આવ્યું છે. કોર્પોરેશને ત્રણ બાબતો પર ફોકસ રાખવાની જરૂર
આ કેસની સુનાવણી દરમિયાન કોર્પોરેશન તરફથી દલીલ કરવામાં આવી હતી કે આ મામલો ગંભીર છે અને કોર્પોરેશન વોર્ડ વાઇઝ કાર્યવાહી કરી રહી છે. કોર્ટે પણ એવી ટકોર કરી હતી કે આ મામલે કોર્પોરેશને ત્રણ બાબતો પર સૌથી વધુ ફોકસ રાખવાની જરૂર છે, જેમાં શ્વાનોનું સ્ટરિલાઇઝેશન, માઇક્રો ચિપીંગ અને વેક્સિનેશન કરવાનું છે. આ ત્રણેય પ્રક્રિયા શ્વાનને પકડો ત્યારે એક જ વારમાં થઇ શકે છે. જો કોર્પોરેશન આ રીતે કાર્યવાહી કરશે તો દરેક વિસ્તારમાં સારા પરિણામો મળશે. તમે વોર્ડ વાઇઝ પ્લાન તૈયાર કરો
હાઇકોર્ટે એવી ટકોર પણ કરી હતી કે, જો તમે વોર્ડ વાઇઝ પ્લાન તૈયાર કરશો તો હડકાયા શ્વાનને પણ પકડી શકશો. જો એક પણ હડકાયુ શ્વાન રહી જશે તો તમારા તમામ કામ પણ પાણી ફરી વળશે. સ્ટ્રીટ ડોગ્સના એડોપ્શન અંગે પણ કંઇક કરવું જોઇએ
હાઇકોર્ટે એક તબક્કે સ્ટ્રીટ ડોગ એડોપ્શનની વાત પણ કોર્પોરેશનને કરી હતી. હાઇકોર્ટે ટકોર કરી હતી કે આપણે બધાં જ ડોગ્સ ખરીદીને લાવીએ છીએ. ત્યારે સ્ટ્રીટ ડોગ્સના એડોપ્શન અંગે પણ કંઇક કરવું જોઇએ. આપણા ઇન્ડિયન ડોગ્સ સૌથી વધુ ઇન્ટેલિજન્ટ અને બ્યુટીફુલ હોય છે. તેઓ આપણા ઘરના સૌથી બેસ્ટ ગાર્ડ હોય છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *