વડોદરાની MSUના આર્ટ્સ ફેકલ્ટીના ક્લાસરૂમમાં જાહેરમાં કિસિંગ અને રોમાન્સ કરતો વીડિયો વાયરલ થયા બાદ હવે તેમાં સંડોવાયેલી વિદ્યાર્થિનીએ સોશિયલ મીડિયા પર માફી માંગતો વીડિયો શેર કર્યો છે. બીજી તરફ આ મામલાની ગંભીરતાને જોતાં રચાયેલી તપાસ કમિટી સમક્ષ વિદ્યાર્થિની હાજર થઈ હતી અને પોતાનું નિવેદન નોંધાવ્યું હતું. અન્ય વિદ્યાર્થીઓની હાજરીમાં ક્લાસરૂમમાં ચાલતી હતી પ્રેમલીલા
આ ઘટનાની વિગત મુજબ એમ.એસ. યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીના એક ક્લાસરૂમમાં અન્ય વિદ્યાર્થીઓની હાજરી હોવા છતાં બે કપલ ખુલ્લેઆમ રોમાન્સમાં મગ્ન જોવા મળ્યા હતા. આ દરમિયાન તેમની પાછળની બેન્ચ પર બેઠેલા કોઈ અજાણ્યા વ્યક્તિએ ચોરીછૂપે આ સમગ્ર હરકતનો વીડિયો પોતાના મોબાઈલમાં કેદ કરી લીધો હતો. છેલ્લા બે દિવસથી આ બે અલગ-અલગ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર વાયરલ થયા હતા. ‘આઈ એમ સોરી ફોર માય એક્શન્સ’
વીડિયો વાયરલ થયા બાદ ચારેબાજુથી ફિટકાર વરસતાં આખરે સંડોવાયેલા યુગલ પૈકીની વિદ્યાર્થિની સામે આવી છે. તેણે સોશિયલ મીડિયા પર એક માફીનામાનો વીડિયો જાહેર કર્યો છે, જેમાં તે પોતાની હરકત બદલ દિલગીરી વ્યક્ત કરતાં ‘આઈ એમ સોરી ફોર માય એક્શન્સ’ કહેતી નજરે પડે છે. માફી માગતા આ વીડિયો બાદ પણ વિદ્યાર્થી સંગઠનો અને શિક્ષણવિદોમાં આ ઘટનાને લઈને આક્રોશ જોવા મળી રહ્યો છે. તપાસ કમિટી સમક્ષ વિદ્યાર્થિનીનું નિવેદન નોંધાયું
આ ઘટનાની તપાસ માટે ફેકલ્ટી ઓફ આર્ટ્સના ડીનની અધ્યક્ષતામાં એક વિશેષ તપાસ કમિટીની રચના કરવામાં આવી છે. તપાસ કમિટીના સભ્ય અને ફેકલ્ટી ડીન કલ્પના ગવલીએ જણાવ્યું હતું કે, “કેમ્પસમાં ભવિષ્યમાં આવી અશોભનીય ઘટનાઓ ન બને અને વિદ્યાર્થીઓમાં જાગૃતિ આવે તે માટે તપાસ કમિટી ઉપરાંત એક સ્પેશિયલ સ્ક્વોડ કમિટી પણ તહેનાત કરવામાં આવી છે. હજુ આ મામલે અન્ય લોકોના નિવેદનો લેવાના બાકી હોવાથી તપાસ લંબાશે.” હવે જોવાનું એ રહેશે કે, માફી માંગ્યા બાદ યુનિવર્સિટી પ્રશાસન શિસ્તભંગના પગલાંરૂપે કેવા કડક નિર્ણયો લે છે.
MSUમાં ક્લાસરૂમ કિસિંગ કાંડમાં કપલે હાથ જોડી માફી માંગી, VIDEO:તપાસ કમિટી સમક્ષ વિદ્યાર્થિનીનું નિવેદન નોંધાયું, નવી સ્ક્વોડ કમિટીની પણ રચના કરાઈ
📅 Published: September 11, 2026 |
📂 Category: gujarati-news
